ગ્વાલિયર 15 ડિસેમ્બર 2024: 100મો તાનસેન સંગીત સમારોહ, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ભવ્ય ઉજવણી, 546 સંગીતકારો સાથે સૌથી મોટા હિન્દુસ્તાની ક્લાસિકલ બેન્ડ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવીને આજે તેનું નામ ઈતિહાસમાં અંકિત કર્યું છે.
ગ્વાલિયરના ભવ્ય કિલ્લા પર યોજાયેલા આ કાર્યક્રમમાં તાનસેનના ત્રણ આઇકોનિક રાગ મલ્હાર, રાગા મિયા કી ટોડી અને રાગા દરબારીના પઠન દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન મધ્યપ્રદેશ સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ગ્વાલિયરને તાજેતરમાં યુનેસ્કો દ્વારા સંગીતના શહેર તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ પ્રસંગે શાસ્ત્રીય સંગીતની દુનિયામાં તેના વૈશ્વિક મહત્ત્વને ઉજાગર કરી માન્યતાની સફળતાની પણ ઉજવણી કરવામાં આવી હતી.
આ વિક્રમસર્જક કાર્યક્રમની અધ્યક્ષતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે કરી હતી અને તેમાં અનેક મહાનુભાવો, સંગીત પ્રેમીઓ અને આંતરરાષ્ટ્રીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગિનીસ વર્લ્ડ રેકોર્ડના સલાહકાર નિશ્ચલ બારોટે આને બહુ જ મહેનત થી અંજામ આપ્યું, જે તેમનો 53મો સફળ ગિનિસ રેકોર્ડ છે.
નિશ્ચલ બારોટે આ સિદ્ધિ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, “આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ભારતીય શાસ્ત્રીય સંગીતની સાતત્યતા અને અનન્ય સામૂહિક પ્રયાસને પ્રદર્શિત કરે છે. સંગીતકારોની અતુલ્ય પ્રતિભા અને મધ્ય પ્રદેશ સરકારની દીર્ઘદ્રષ્ટિએ વિશ્વના નકશા પર ગ્વાલિયરને સંસ્કૃતિ અને સંગીતમાં ઉત્કૃષ્ટતાના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે. મને આવી ઐતિહાસિક ઘટનાનો ભાગ બનવાનો ગર્વ છે. “
તાનસેન ફેસ્ટિવલ છેલ્લા 99વર્ષથી ઉજવવામાં આવી રહ્યો હતો. તે મહાન સંગીતકાર તાનસેનને શ્રદ્ધાંજલિ છે જેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં અપ્રતિમ યોગદાન આપ્યું હતું. ગિનિસ વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિએ માત્ર તેના વારસાનું સન્માન જ નથી કર્યું, પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીતની સુંદરતા અને ઊંડાણ તરફ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
સાંસ્કૃતિક વિભાગના પ્રવક્તાએ આને રાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ ગણાવતા જણાવ્યું હતું કે, “આ સિદ્ધિ આપણા સંગીતકારોની કલાત્મક ઉત્કૃષ્ટતાને પ્રતિબિંબિત કરે છે, જ્યારે તાનસેનના કાલાતીત વારસાની ઉજવણીમાં તેમની એકતાને પણ પ્રતિબિંબિત કરે છે.” ગ્વાલિયર, મધ્યપ્રદેશ અને સમગ્ર દેશ માટે આ ગૌરવનો દિવસ છે. ભારતના સાંસ્કૃતિક ઈતિહાસના પાનાઓમાં તેને હંમેશા યાદ કરવામાં આવશે. “
આ ફેસ્ટિવલનું સમાપન પાર્ટિસિપન્ટ્સ અને મ્યુઝિક લવર્સની એટલી તાળીઓના ગડગડાટથી થયું હતું કે તાનસેન મ્યુઝિક ફેસ્ટિવલની શતાબ્દી હંમેશા યાદ રહેશે.