ગુજરાત, સુરત ૧૨ એપ્રિલ ૨૦૨૫: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ પથક ખાતે તેજસ્વી માર્ગદર્શક, યુગપ્રધાન, પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રમણજી પ્રવાસે પધારી રહ્યા છે. યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણ તૃતીય વાર વાવ પધારી રહ્યા છે.
આચાર્યશ્રી મહાશ્રમણજી—એક એવું દિવ્ય વ્યક્તિત્વ, જે માત્ર શાબ્દિક વ્યાખ્યામાં બંધાઈ ન શકે. વિચારો ની ક્રાંતિ, કર્મની પરિભાષા અને કલ્યાણની સરિતા એવા મહાન યોગીપુરુષ!
તેમના અધ્યાત્મયજ્ઞે અંધશ્રદ્ધા, સામાજિક દૂષણો અને રૂઢિચુસ્ત માન્યતાઓ પર સશક્ત ઘાત કર્યા છે. આચાર્યશ્રી માત્ર વિચાર નહિં, નશામુક્તિ અને આધ્યાત્મિક જાગૃતિના જીવનમંત્રથી ૧ કરોડથી વધુ લોકોમાં પરિવર્તન લાવનાર પ્રભાવશાળી પ્રણેતા છે!
આચાર્ય મહાશ્રમણ જીએ 60,000 કિમીથી વધુની પદયાત્રા, ૨૩ રાજ્યો અને હિમાલય પાર્શ્વના પ્રદેશો સુધી ધર્મસંચાર કર્યો છે.
એક સાથે ૪૩ સંયમરત્નોનું દિક્ષાસંસ્કાર, જે સંતપરંપરાનો એક અદભૂત અધ્યાય બન્યો હતો. આજ સુધી તેરાપંથ ધર્મસંઘમાં વાવ પથકમાંથી 31 સંયમ રત્નો દીક્ષિત થયા છે. જે વાવ પથક માટે સાત્વિક ગૌરવની વાત છે. આપણા આરાધ્યના આગમનથી વાવની ધરા પર એક મહોત્સવ રૂપી આભા છવાઈ રહી છે. આ એક સાધારણ ઘટના નહીં પણ ધર્મ અને ભક્તિનું મહાપર્વ છે, જ્યાં શ્રદ્ધા, અનુશાસન અને અધ્યાત્મનો સંગમ થશે!
જૈન તેરાપંથ ધર્મસંઘ ના એકાદશમ અધિશાસ્તા યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણ જી 12 વર્ષ પછી વાવની ધરાને પાવન કરવા આવી રહ્યા છે અને આ અવસરે વાવ નગરના દરેક બાળક,યુવાન અને વડીલ શ્રાવકો તેમજ જૈન અને જૈનેતર દરેક ના મનમાં એમના આરાધ્યના આગમનનો અનેરો ઉમઁગ છવાયેલો જોવા મળી રહ્યો છે. તેરાપંથ ધર્મસંઘના આચાર્યનો પ્રવાસ બહુમૂલ્ય હોય છે જેમના ભાગ્યના દ્વાર ખુલે તેમને જ એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય અને આજે આ અવસરે વાવમાં નવા નવા કિર્તીમાન થવા જઈ રહ્યા છે. મહાશ્રમણ મુખ્ય પ્રવેશદ્વાર, વાવ નૂતન તેરાપંથ ભવન નિર્માણ, વાવ તેરાપંથ ભવન નવીનીકરણ તેમજ ભવ્ય પ્રવચન પંડાળથી વાવ અને વાવ નગરના દરેક શ્રાવક એમના આરાધ્યના સ્વાગત માટે સજી ધજીને તૈયાર થઈ ગયા છે. 14 એપ્રિલ 2025ના રોજ ભવ્ય મહાશ્રમણ મુખ્ય પ્રવેશદ્વાર અને ભવ્ય નૂતન તેરાપંથ ભવનનું લોકાર્પણ આચાર્ય શ્રીના વરદ હસ્તે થશે. 14 થી 22 એપ્રિલના 9 દિવસ ના પાવન પ્રસંગે આચાર્ય શ્રીની અમૃતવાણી ,ચરણ સ્પર્શ ,સાધુ – સાધ્વી જીનું સાનિધ્યથી વાવના દરેક શ્રાવકો ધન્યતા નો અનુભવ કરશે અને વાવના મુમુક્ષુ રત્ન કલ્પભાઈની શોભાયાત્રા તેમજ દીકરી વાવ તેરાપંથની અને જૈન કાર્યશાળા થકી વાવ નગર શોભાયમાન થશે.
જૈન પ્રબુદ્ધ આચાર્ય મહાશ્રમણ ના આગમન માટે નાનકડા ગામમાં આશરે 5000 વ્યક્તિનો ભવ્ય પંડાળ બની રહ્યો છે. ત્યાં અંદાજિત 10000 થી વધારે લોકો આચાર્ય શ્રીના પાવન સાનિધ્યનો લાભ લેશે. આ પ્રસંગે વાવ નગર વાસી પણ ખૂબ જ સહયોગ આપી રહ્યા છે . આચાર્ય શ્રીના આ 9 દિવસ નો પાવન પ્રવાસ વાવ ના શ્રાવક સમાજ માટે ઉત્સવ બની ગયો છે.