Amdavad Post
એજ્યુકેશનગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ 2026માં વિદ્યાર્થીઓએ ધારાસભ્યોની ભૂમિકાનો અનુભવ કર્યો

અમદાવાદ, ગુજરાત | ૨૭ જૂન ૨૦૨૬ | યંગ ઇન્ડિયન્સ (Yi) દ્વારા આયોજિત ફ્લેગશિપ સિવિક એજ્યુકેશન પહેલ ‘યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ (YIP) 2026’નો શનિવારથી કર્ણાવતી યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો. બે દિવસીય આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંસદીય લોકશાહીની કાર્યપદ્ધતિનો પ્રાયોગિક અનુભવ કરાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના અભિન્ન અંગ યંગ ઇન્ડિયન્સની અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંસદીય ચર્ચા, જાહેર નીતિ, કાયદા ઘડતરની પ્રક્રિયા અને નેતૃત્વના વિવિધ પાસાઓને નજીકથી સમજી રહ્યા છે. આ સાથે તેમની વક્તૃત્વકલા, સંવાદક્ષમતા, વિશ્લેષણાત્મક વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતાનો પણ વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા પ્રેરણાત્મક વક્તા સંજય રાવલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી પણ કાર્યક્રમમાં જોડાવાના છે.

યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ દેશના મહત્વના મુદ્દાઓ પર અભ્યાસ કરી સરકાર અને વિપક્ષના સભ્યોની ભૂમિકામાં પ્રવેશ કરે છે. તેઓ જાહેર નીતિઓ પર ચર્ચા કરે છે, પ્રસ્તાવિત બિલો પર વિચારવિમર્શ કરે છે તેમજ વર્તમાન પડકારોના ઉકેલ માટે સંયુક્ત રીતે સૂચનો રજૂ કરે છે.

પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ સંસદીય પ્રક્રિયા, સ્પીકરની ચૂંટણી, વિવિધ સમિતિઓની બેઠક, બિલ ડ્રાફ્ટિંગ, નીતિ આધારિત ચર્ચાઓ અને નેતૃત્વ વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિઓ દ્વારા ટીમવર્ક, જાહેર વક્તૃત્વ અને અસરકારક નિર્ણય લેવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

આ પ્રસંગે યંગ ઇન્ડિયન્સ અમદાવાદના ચેરમેન દર્શન પરીખે જણાવ્યું હતું કે, “યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટનો મુખ્ય હેતુ યુવાનોમાં લોકશાહી પ્રત્યે માત્ર શાસન વ્યવસ્થા તરીકે નહીં, પરંતુ એક સામૂહિક જવાબદારી તરીકે સમજણ વિકસાવવાનો છે. ચર્ચા, તર્કસંગત પ્રશ્નો અને ઉકેલ શોધવાની પ્રક્રિયામાં ભાગ લઈને વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસે છે અને તેઓ જવાબદાર નાગરિક તરીકે ઘડાય છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આવા કાર્યક્રમો વર્ગખંડમાં મળતા જ્ઞાન અને વાસ્તવિક શાસન વ્યવસ્થા વચ્ચેનું અંતર ઘટાડે છે તથા વિદ્યાર્થીઓને જાહેર નીતિ અને લોકશાહી સંસ્થાઓની કાર્યપદ્ધતિનો વ્યવહારુ અનુભવ કરાવે છે.

યંગ ઇન્ડિયન્સ દ્વારા ભાવિ નેતાઓના ઘડતર માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. આ વર્ષની યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટનું આયોજન યંગ ઇન્ડિયન્સ અમદાવાદના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું છે.

કાર્યક્રમના બીજા દિવસે વધુ સંસદીય કાર્યવાહી, વિધાનસભા જેવી ચર્ચાઓ, બિલ પર વિચારવિમર્શ અને નેતૃત્વ વિકાસને કેન્દ્રમાં રાખી વિવિધ સત્રો યોજાશે.

== સમાપ્ત ==

Related posts

MATTER એ ભારતની પ્રથમ ગિયર ઇલેક્ટ્રિક મોટરબાઈક પર ‘‘ધ લિટ ફેસ્ટિવ ઓફર’ રજૂ કરી

amdavadpost_editor

ગ્રેટ બ્રિટનનું ઉત્તમ ભોજન પાંચ ભારતીય શહેરોમાં ખરીદદારો માટે શ્રેષ્ઠ બ્રિટિશ સ્વાદ લાવે છે

amdavadpost_editor

શેફલર ઇન્ડિયાએ તામિલનાડૂમાં શૂલાગીરીમાં પાંચમી સવલતનું ઉદઘાટન કરીને ભારતમાં ઉત્પાદન હાજરીને મજબૂત બનાવી

amdavadpost_editor

Leave a Comment