Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સનાતન-હિન્દુ ધર્મનાં રક્ષક છત્રપતિ શિવાજીનાં કૂળદેવી મા તુલજા ભવાનીની શક્તિપીઠ પર યાત્રાકથાનું ગાન થયું.

સાધુમતની છાંયામાં રહેલા લોકમતનો અનાદર ન થવો જોઇએ

હારેલાનાં મતનો પણ આદર થવો જોઇએ.

સાધુમત,લોકમત,રાજમત,વેદમત-આ રાષ્ટ્ર કલ્યાણનો આધિભૌતિક સ્વસ્તિક છે.

મંત્ર,વિધિ,દક્ષિણા,શ્રદ્ધા અને ભોજન-આ પાંચ વસ્તુ યજ્ઞમાં હોવી જોઈએ.

મૌન અને માનસનું અનુષ્ઠાન તલગાજરડાની ત્રિભુવનીય માનસિકતામાં શતાબ્દીઓથી ચાલ્યું આવે છે.

————————————–

સનાતન-હિન્દુ ધર્મનાં રક્ષક છત્રપતિ શિવાજી મહારાજની મહારાષ્ટ્રની ભૂમિ પરનાં,કૂળદેવી માતા તુલજા ભવાનીની શક્તિપીઠનાં સ્થાન એવા તુલજાપુરમાં જ્યારે કથાયાત્રા પાંચમાં દિવસમાં પ્રવેશી ત્યારે કહ્યું કે આ ભવ્ય,દિવ્ય ઐતિહાસિક ભૂમિમાં શિવાજીને તુલજા ભવાની માતાએ ‘ભવાની’ તલવાર આપી.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલું હાલરડું-આભમાં ઊગેલ ચાંદલો.. જે વૈશ્વિક હિન્દુત્વ,ગગન સિધ્ધાંત વાળા,સનાતન પરંપરાની રક્ષા માટે આવેલા શિવાજી માટે લખાયું.

ભવાની શબ્દ ઘણી વખત આવ્યો.’ભવન્સ તરફથી પ્રકાશિત થતાં ‘નવનીત સમર્પણ’માં રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ મા નાં એક-એક નામ વિશે લખતા. શંકરાચાર્યજીએ પણ ભવાની અષ્ટક લખ્યું. ગોસ્વામીજીએ નારદ પાસે ઉમા-અંબિકા-ભવાની નામકરણ કરાવ્યું.તલગાજરડાનાં રામજી મંદિર સામે રહેલી શાળાનાં એક ખૂણા પાસે ભવાની માતાનું મંદિર હતું.મૌન અને માનસનું અનુષ્ઠાન તલગાજરડાની ત્રિભુવનીય માનસિકતામાં શતાબ્દીઓથી ચાલ્યું આવે છે.બાપુ કહે હું નાનો હતો ત્યારથી મૌન રાખું છું.

આજે કુષ્માંડા દેવીનું પાંચમું નોરતું છે જે શીતલ પ્રકાશની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે.

શિવાજીએ આખું રાજ્ય સમર્થ સ્વામી રામદાસજીને સમર્પિત કર્યું ત્યારે રામદાસજીએ કહ્યું કે રાજ્ય તું ચલાવ,પણ ઉપર ભગવા રંગનો ધ્વજ ફરકાવજે.આ શહીદી,સમર્પણનો રંગ છે.

ભગવદ્ગોમંડળમાં સ્વસ્તિકનાં અનેક અર્થો બાપુએ વાંચી બતાવ્યા.કહ્યું કે મંત્ર,વિધિ,દક્ષિણા,શ્રદ્ધા અને ભોજન-આ પાંચ વસ્તુ યજ્ઞમાં હોવી જોઈએ.

આદિભૌતિક સ્વસ્તિક-જે રાષ્ટ્રકલ્યાણ માટે જરૂરી છે,જેમાં ચાર ખૂણાઓ છે,એ રામચરિત માનસમાંથી મળે છે.જ્યારે ચિત્રકૂટમાં ભરતજીની સભા વખતે વશિષ્ઠનાં મુખથી સંવાદ થાય છે એમાં સાધુમત,

લોકમત,રાજમત અને વેદમતની વાત લખેલી છે. બાલકાંડનો આદિ,અયોધ્યાકાંડનો મધ્ય(ચિત્રકૂટની સભા) ઉત્તરકાંડનો અંત(સાત પ્રશ્નો)-જે જાણી લે એ સંત છે.

અહીં સાધુમત અને વેદમતની વચ્ચે લોકમત અને રાજમત છે.રાષ્ટ્ર કલ્યાણ માટે આ જરૂરી છે.

વેદમતને પાછળ રખાયો છે.સાધુમત પહેલા છે. લોકમતનો અનાદર નથી.દેશમાં હાલમાં ઘટતી ઘટનાઓ તરફ ઈશારો કરતા બાપુએ કહ્યું કે છેલ્લી વ્યક્તિનો મત લેવો જોઈએ,હારેલાઓનો મત પણ લેવો જોઈએ.

જેમ સિકંદરની સામે હારેલા પોરસ-પુરુએ એવું કહેલું કે એક રાજા બીજા રાજા સાથે કરે એવો વ્યવહાર કરો.છેલ્લામાં છેલ્લા માણસનાં મતની પ્રતિષ્ઠા થવી જોઈએ.સાધુમત એકમાત્ર એવો છે જે ખરીદી શકાતો નથી.

વિનોબાજીનો મત એ વખતનાં શાસકો માનતા હતા ઇન્દિરા ગાંધી વર્ધા,વિનોબાજીનાં આશ્રમમાં જતા અને ખૂબ સાદગીથી ત્યાં રહેતા હતા.

રાજનીતિનો મત ત્રીજા સ્થાન ઉપર અને વેદનો મત ચોથો છે.આ કલ્યાણ રાષ્ટ્રનો સ્વસ્તિક છે.કોઈ માને કે ન માને રેકર્ડ થઈ રહ્યું છે,જે ભવિષ્યમાં બહાર આવશે ત્યારે કલ્યાણ રાજ્ય માટે કામમાં આવશે. પોતાના પરિવાર,સમાજ,ગામનો પણ વિચાર પ્રસ્થાપિત થવો જોઈએ.

શિક્ષણ વિશેની વાત કરતા બાપુએ કહ્યું કે જ્યારથી શિક્ષણ સત્તા અને સંપત્તિ આધારિત થઈ ગયું,ઋષિ આશ્રિતને બદલે રાજ્યાશ્રીત થઈ ગયું,પૈસાવાળાઓ આવી સંસ્થાઓમાં પોતાના વિચારો ભરે અને એમાંથી જે ફાલ નીકળે એ સનાતનને ગાળો આપે છે!ધાર્મિક સંસ્થાઓએ પણ પોતાના અનુયાયીઓનો મત લેવો જોઈએ.છેલ્લો વેદમત છે.તુલસી વેદનો સાર કહેતા લખે છે:

એહિ મહં રઘુપતિ નામ ઉદારા;

અતિ પાવન પુરાણ શ્રુતિ સારા.

શિવજી સમાધિમાંથી ઉઠી સહજ આસન બિછાવીને બેઠાં,પાર્વતી ભલો અવસર જોઈ રામ વિશે જિજ્ઞાસાઓ કરતા પ્રશ્ન પૂછે છે,રામ અવતારનાં કારણો વિશે પ્રશ્ન પૂછે છે ત્યાં કથા વિરામ પામી.ગઇકાલની કથા સિતા સહિત પંચમાતાઓને અને આજની કથા શિવાજીનાં માતા જીજાબાઇનાં ચરણોમાં સમર્પિત થઇ.

—————————–

કથા-વિશેષ:

છઠ્ઠા દિવસની કથાનું જ્યાં ગાયન થશે એ ઓમકારેશ્વર

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ભગવાનશિવનાં ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે.

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં માંધાતા-શિવપુરી ટાપુ પર,નર્મદા અને કાવેરી નદીઓના સંગમ પર નર્મદા નદીના કિનારે સ્થિત છે.

ઇન્દોરથી આશરે ૭૭-કિમી,ઉજ્જૈનથી આશરે ૧૪૦-કિમી દૂર છે.

આ દુનિયાનું એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે,જેનો

ટાપુ કુદરતી રીતે ‘ॐ’ જેવો આકાર ધરાવે છે.

મમલેશ્વર-અમરેશ્વર મંદિર નર્મદા નદીનાં દક્ષિણ કિનારે છે.ઓમકારેશ્વર અને મમલેશ્વર બંનેને જ્યોતિર્લિંગનું એક સ્વરૂપ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દરરોજ રાત્રે અહીં આરામ કરવા આવે છે,તેથી રાત્રે અહીં સુવાની આરતી અને ચોસર(પાસાં) ગોઠવવામાં આવે છે.ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદીની મધ્યમાં ‘માંધાતા’અથવા ‘શિવપુરી’ નામના ટાપુ પર છે.

અહીં આદિ શંકરાચાર્ય તેમના ગુરુ ગોવિંદ ભગવદપાદને મળ્યા હતા.

દંતકથા અનુસાર,અભિમાન છોડ્યા પછી,વિંધ્યાચળે ભગવાન શિવની અહીં છ મહિના સુધી કઠોર પાર્થિવ તપસ્યા કરી,જેનાથી પ્રસન્ન થઈને શિવ અહીં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા.

== સમાપ્ત ==

Related posts

SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકાર શિક્ષણ અને જાગૃતિ પહેલ

amdavadpost_editor

ઓપ્પો ઇન્ડિયાએ AI પોટ્રેટ કેમેરા, પ્યોરટોન ટેકનોલોજી અને પોપઆઉટ ધરાવતી નવી Reno15 સિરીઝ સાથે ટ્રાવેલ ફોટોગ્રાફીને ઉચ્ચ સ્તર પર પહોંચાડી

amdavadpost_editor

મારુતિ સુઝુકી સાથે ભારત ઇલેક્ટ્રિક બની રહ્યું છે. એક ભારત, એક EV પ્લેટફોર્મ

amdavadpost_editor

Leave a Comment