ચેન્નાઈ, ઓગસ્ટ 30: ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ 2024ની સિઝન ભારતમાં પ્રથમ નાઈટ રેસનું આયોજન કરવા માટે તૈયાર છે. આ સાથે આ વિકેન્ડ પર ઈતિહાસ રચવા તૈયાર છે. સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ તામિલનાડુ (એસડીએટી) ચેન્નાઈ ફોર્મ્યુલા 4 રેસિંગ સર્કિટ અને ઈન્ડિયન રેસિંગ લીગ કાર રેસનું આયોજન કરી રહ્યું છે. ભારતમાં પ્રથમવાર સ્ટ્રીટ સર્કિંટ રેસ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે યોજાશે. જેનાથી ચેન્નાઈ રાતે ફોર્મ્યૂલા 4 સ્ટ્રીટ રેસની યજમાની કરનાર પ્રથમ દક્ષિણ એશિયન શહેર બની જશે.
આ રેસનું આયોજન 3.5 કિલોમીટરના સર્કિટ પર કરવામાં આવે છે. આ સર્કિટ આઈલેન્ડ ગ્રાઉન્ડ (થીવુ થિડલ), વૉર મેમોરિયલ, નેપિયર બ્રિજ, સ્વામી શિવાનંદ સલાઈર (રોડ) અને અન્ના સલાઈ પર છે. આ દક્ષિણ એશિયામાં સૌથી લાંબો સ્ટ્રીટ સર્કિટ બનવા તૈયાર છે. કાર રેસિંગના પ્રાથમિક કાર્યના અંતિમ તબક્કામાં પૂર્ણ થવાની સાથે જ મેચનો કાર્યક્રમ, ગ્રાન્ડ સ્ટેન્ડ અને આઈલેન્ડ ગ્રાઉન્ડ પર દર્શકોના સ્ટેન્ડ વિશે માહિતી જાહેર કરવામાં આવી છે.
આ તમામ મેચો રાતે આયોજીત કરવામાં આવે છે અને આ માટે બંને તરફે વધુ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રિક લાઈટ લગાવવામાં આવે છે. જેથી રાતે દિવસ જેવો પ્રકાશ જોવા મળે. આ કાર રેસમાં દર્શકો અને ખેલાડીઓ સહિત બંને તરફ 9 હજાર લોકોના જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે 4 ફૂટ ઊંચી કોન્ક્રિટની દિવાલ અને લોખંડી ફેન્સિંગ લગાવવામાં આવી છે.
એસડીએટીનાં એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. અતુલ્ય મિશ્રાએ કહ્યું કે,”ચેન્નાઈના રોડ પર આ ઐતિહાસિક રેસના આયોજનને સફળ બનાવવા ઘણા પ્રયાસ કરવામાં આવ્યા છે. આ રેસ થકી ચેન્નાઈ અને તમિલનાડુને વૈશ્વિક ફલક પર મોટરસ્પોર્ટ્સના સ્થળોમાં મજબૂત વિકલ્પ તરીકે રજૂ કરાશે.” IRL કાર 200 કિ.મી.ની રેસિંગ સ્પીડનો આંક પાર કરે તેવું જોવા મળી શકે છે.
ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ઓફ રેસિંગ પ્રમોશન્સ પ્રાઈવેટ લિમિટેડ (આરપીપીએલ) ,IRFના પ્રમોટર્સ એવા અખિલેશ રેડ્ડીએ કહ્યું કે,”દર્શકો સુરક્ષિત માહોલ વચ્ચે આ રેસ નિહાળી શકે એ માટે અમે તમામ પ્રયાસ કર્યા છે. આ માટે તામિલનાડુ સરકાર, એસડીએટી ટીમ સહિતના લોકોનું યોગદાન રહ્યું છે.”
ઈન્ડિયન રેસિંગ લીગ (આઈઆરએલ)માં 6 શહેરોની ફ્રેન્ચાઈઝી છે. જેમાં ચેન્નાઈ ટર્બો ચાર્જર્સ, ગોવા એસિસ જેએ રેસિંગ, સ્પીડ ડેમોન્સ દિલ્હી, બેંગ્લોર સ્પીડસ્ટર્સ, સારાચી રાર્હ બેંગાલ ટાઈગર્સ અને હૈદરાબાદ બ્લેકબોર્ડ એમ IRLની 6 ટીમો અને અન્ય 2 ટીમ અમદાવાદ એપેક્ષ રેસર્સ અને ગોડસ્પીડ કોચી ટીમો FIA ફોર્મ્યુલા 4 ઈન્ડિયા ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક વિકેન્ડ માટે તૈયાર છે.