આણંદ 02 ઓક્ટોબર 2024: આજે આપણે સૌ સ્વચ્છતા ના શપથ લઈએ, આપણા ઘરનો કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં જ નાખીએ અને આપણું ઘર, આપણું આંગણું, આપણું નગર સ્વચ્છ રાખીએ તેમ જણાવતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું કે આજે તારીખ ૨ જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે જ્યારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આપણા નગરને આપણા તાલુકાને આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે.
વધુમાં તેમણે જણાવ્યું કે સ્વચ્છતા તે માત્ર પખવાડિયા નો તહેવાર ન બની જાય પરંતુ સ્વચ્છતા આપણા જીવનમાં ઉતારીએ અને આ સંદેશો જનજજન સુધી પહોંચાડીએ તેવી પણ અપીલ તેમણે કરી હતી.
આજે યોજાયેલ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં બોરસદ ચોકડી થી જીટોડીયા રોડ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સ્વચ્છતા અભિયાનમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.વી. દેસાઈ, મામલતદાર શ્રી ચૌધરી, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ, ચીફ ઓફિસર શ્રી એસ.કે. ગરવાલ સહિત આણંદ નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ પદાધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.