Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“તલગાજરડાનાં વિચારો વિશ્વાસના ઘૂનામાં નાહીને નીકળે છે”

અમારો માર્ગ વિચાર અને વિશ્વાસનાં બે કિનારાઓ વચ્ચે વૈરાગનો મારગ છે:મોરારિબાપુ

આને પારિવારિક આત્મશ્લાઘા ન સમજશો: બાપુ

સનાતની પરંપરામાં નારાયણ એટલે કોણ-બાપુએ વિશદ અને ઊંડાણપૂર્વક સંકેતો આપ્યા.

ચિત્રકૂટધામ-તલગાજરડા વાયુ મંડળમાં,બાપુનાં દાદા-ગુરુની ધર્મ-કર્મ ભૂમિ કાકીડી ગામથી વહી રહેલી રામકથા ધારાનાં બીજા દિવસે યાદોની સતત વહેતી રહેતી અશ્રુધારાઓને પરાણે ખાળીને,સ્વસ્થ થઈને બાપુએ કહ્યું કે જે ભૂમિ પર,જે ધરતી પર દાદાની ચરણ રજ પડી છે એ ધરાને પ્રણામ,એ રામજી મંદિરમાં બેસીને મહાભારતના પ્રસંગો સંભળાવતા એ ઠાકોરજીઓના સ્વરૂપને પ્રણામ,એ મંદિરોની મૂર્તિ જીર્ણોદ્ધાર વખતે પણ મોટી અને નવી ન બનાવી કારણ કે ત્રિભુવનદાદાને આ મૂર્તિઓએ પણ સાંભળ્યા છે!એટલે મૂર્તિ બદલાય એમ નથી. અમુક ઘટના,કાળના સંદર્ભો અમીટ છાપ રાખતી હોય છે.

અહીંના થોડાક પ્રશ્નોને ઉઠાવતા બાપુએ કહ્યું કે દાદાએ પહેલા દિવસની કથા સાંજથી શરૂ થાય એવું કહેલું એ વાત કરતા હવે પછીની કથા ઋષિકેશમાં છે જ્યાં વિષ્ણુદાદાને ગાવા જવાનું છે.

ઘણા સમય પહેલા એક પ્રશ્ન આવેલો,પરિવારમાં; ખાસ કરીને ત્રિભુવન પરિવારમાં,અમે વિચારને પ્રધાનતા આપીએ છીએ કે વિશ્વાસને એ વાત હતી. વિચારને પ્રધાનતા આપીએ છીએ,વિશ્વાસ અમારું હાર્દ છે.મહત્વની વાત એ છે કે વિચાર વગરનો વિશ્વાસ નથી અમારી પાસે.તલગાજરડાનાં વિચારો વિશ્વાસના ઘૂનામાં નાહીને નીકળે છે.પણ હરિદ્વારની કથા વખતે દશનામ આશ્રમમાં દાદા મહામંડલેશ્વર વિષ્ણુદાદા(વિષ્ણુદેવાનંદગિરિ)મહામંડલેશ્વર હતા. હરિદ્વારમાં પણ કૈલાશ આશ્રમની એક શાખા છે. જ્યાં વિષ્ણુદેવાનંદગિરિનાં બાળક તરીકે ગયેલો એટલે વધારે આદર મળેલો.અત્યારે પરમાર્થ નિકેતન આશ્રમ છે એની પણ ઘણી શાખા છે એમાંની શાખાના એક સાધુનો પ્રશ્ન હતો કે:બાપુ તમારો માર્ગ વિચારનો કે વિશ્વાસનો?

ત્યારે મેં કહેલું કે હું આ બધામાં નાનો પડું,હું રામકથા ગાઉં છું,પણ આજે કંઈક કહું.આમ તો વિષ્ણુદાદા વિચારના માર્ગે ગયા,ત્રિભુવનદાદા વિશ્વાસના માર્ગે ગયા.એટલે વિચાર પણ પકડે.આ બે કિનારા છે આમાંથી કોઈને અમે છોડી શકાય એમ નહીં.વિચાર વિશ્વાસ તો છે જ પણ મારો તલગાજરડાનો માર્ગ વૈરાગનો માર્ગ છે.

એ વાત કરતા બાપુએ કહ્યું કે ભાગવું,નીકળી જવું એને ત્રણ કારણો હોઈ શકે:એક-પરિવારમાંથી કોઈ તિરસ્કાર કરે ને માણસ નીકળી જાય.ઘણી કથાઓ મળે છે કે કોઈએ મહેણુ માર્યું હોય.આપણે ત્યાં ગીત છે:મેણું માર્યું મારી ભાભલડીએ.. જે લોકગીત પિંગળશી બાપુ જુનાગઢ લોકસાહિત્ય ચલાવતા અને હું ભણતો ત્યારે ત્યાં આવતા.નરસિંહ મહેતાના જીવનમાં પણ આવું જ કંઈક થયું છે.

બાપુએ એ પણ કહ્યું કે ગુરુ ત્રણ રીતે દેખાય:દિપક છે ,વીજળીનો ચમકારો છે,મણિ છે.ત્રણેય પ્રકાશની જાત છે.પણ જ્યારે અંધારા નડે ત્યારે દીપક રૂપી ગુરુ આસપાસ આવી જાય.બીજો વીજળી જેવો દાહક છે અને મણિનો પ્રકાશ શીતળ હોય,ઠંડો પ્રકાશ હોય.વિશ્વાસ ભરપૂર,આખરી,પણ વિચારને પણ અમે અવગણીએ નહીં.પણ આ માર્ગ છે વચ્ચેનો વૈરાગનો.દુનિયા નિંદાની રીતે વૈરાગી બાવા કહે એ સાચું પાડીએ છીએ!

બીજું-કોઈ ધન કમાવા માટે નીકળી જતા હોય અને ત્રીજું-ભ્રમણ જ્ઞાનાર્જન માટે,દુનિયાભરનું ભ્રમણ જેમકે તક્ષશિલા,નાલંદામાં અનેક વિદેશીઓ આવ્યા બાપુએ કહ્યું કે અહીં તો દાદા તરફથી મળેલું હૃદય દાન છે એની થોડીક ધડકનો જ કહેવી છે.

દાદા કહેતા આપણા મૂળ ગુરુ કોણ?અમે નિંબાર્કીઓ કૃષ્ણ ઉપાસક.પછી અમારો રામ,શિવ તો શિવ જ છે,એ તો પ્રપિતામહોનો પણ પ્રપિતામહ છે.દાદા કહેતા મૂળ પુરુષ ધ્યાન સ્વામી બાપા છે.પણ તો શું તમે ધ્યાન સ્વામી,ધ્યાન સ્વામી આખો દિવસ કરશો?તો લોકો કહેશે કે આ લોકો વ્યક્તિ પૂજામાં માને છે.અમારા માટે તો વ્યક્તિ જ બધું જ છે એટલે સ્વામી નીકળી જાય ખાલી ધ્યાન રહે એટલે બધું આવી ગયું.કોનું ધ્યાન?કૃષ્ણનું?શિવનું?

બીજા કોઈનો વિચાર નહીં,જીવનનો વિચાર.એટલે એ પછી આવ્યા જીવનદાસદાદા.

બાપુએ કહ્યું કે કોને સંભળાવું?આ ખૂબ ઊંચાઈ પરની વાતો છે,જેની પાસે થોડાક વિચારો છે એ તર્ક કરે છે,સાંભળવા તૈયાર નથી.અને આ સાવ ખાલી, મારી ગામડાઓની,ભોળા હ્રદયની જનતા એના હૃદયમાં હું બીજ વાવું છું.કોનું ધ્યાન કરવું?જીવનનું ધ્યાન કરવું.ધ્યાન આપણો ગુરુ છે.તલગાજરડું વ્યક્તિમાં ફસાવી ન દે એની કાળજી પણ મારા પિતામહોએ કરી.ધ્યાન,જીવન પછી પરંપરામાં નારાયણદાસ બાપુ આવ્યા.એમાંથી બાપુ કાઢી નાખીએ તો નારાયણ.

અહીં બાપુએ બહુ મહત્વની સ્પષ્ટતા અને સંકેત કરતા કહ્યું કે આ કયો નારાયણ?કારણ કે જેવું નારાયણની વાત કરીશ કે ખોટા તર્ક કરશે કે બાપુ કોની વાત કરે છે.નારાયણ એટલે દેવાધિદેવ,નરસિંહ જે નારાયણની વાત કરે છે એ.નારાયણ એટલે બદ્રીનારાયણ,આદિ નારાયણ,નર-નારાયણ, સૂર્યનારાયણ,સત્યનારાયણ,નારાયણ સરોવર, વ્યાસ જેની વંદના કરે છે એ પરમવિષ્ણુ,પરાત્પર બ્રહ્મ૦એ અર્થમાં અહીં પરમેશ્વર નારાયણ.કારણ કે કલી પ્રભાવને કારણે અનેક પ્રકારની વાતો થાય છે એટલે સ્પષ્ટતા કરવી રહી.એ ત્રીજું પગથિયું કારણકે લોકો સુધી પહોંચવું છે એટલે નીચે ઉતરું છું.ઉપર જવું હોત તો ક્યારના નીકળી ગયા હોત.પણ છેલ્લા માણસ સુધી પહોંચવું એને જ અવતરણ કહેવાય. એના પછી પ્રેમદાસબાપુ આવ્યા.તો આપણો નારાયણ એ પ્રેમ તત્વ જ છે.ગાંધી એ સત્યને,ઈસુએ પ્રેમને પરમેશ્વર કર્યો એમ.એ પછી રઘુરામદાદા. ત્રિભુવનદાદાના દાદા.યોગીઓના હૃદયમાં રમે એ રામ,વેદાંતિયોના મનમાં રમે એ પણ રામ ભલે રમે, પણ આપણો રામ રઘુવંશમાં પ્રગટ્યો,એ રામને પકડી રાખવો એવું દાદા કહેતા.

એટલે આ બે કિનારાઓ વચ્ચે વૈરાગનો તરાપો લઈને નીકળ્યા છીએ.

સાંજે કથા એટલા માટે કે સાંજનો સમય કળિયુગ છે,સવારનો સમય સતયુગ,બપોરે ત્રેતાયુગ એ પછી દ્વાપરયુગ શરૂ થાય છે.દાદાએ એ પછી કોઈ ક્રમ ન કહ્યો પણ એટલું કહેલું કે કથા પૂરી કરીને એ ગામમાંથી નીકળી જવું.

જગતમાં મુખ્ય બે વંશ એક સૂર્ય અને બીજો ચંદ્રવંશ ત્રીજો અગ્નિવંશ પણ ગણાય છે.ત્રણ કુળનું ધ્યાન રાખવું:એક બ્રહ્મકુળ જે પિતામહોનો પિતામહ,બીજું ગુરુકુળ અને ત્રીજું-માતૃ,પિતૃ કુળ.એને કલંક લાગે એવું એકય પગલું ન ભરવું.

રામકથાનાં ક્રમમાં સીતારામ પછી રામનામ વંદના પ્રકરણમાં રામના નામ વિશે કહ્યું કે રામનામ એ સૂર્ય ચંદ્ર અને અગ્નિનું બીજ છે.એ બીજમંત્ર રૂપી નામનું વર્ણન સ્વયં રામ પણ કરી શકે એમ નથી.રામનામની વંદના બાદ કથાને વિરામ અપાયો.

Box

કથા વિશેષ:

પાંચ પિતામહોની પૂજામાં પહેલા પિતામહ:

મહાભારતનો એટલે ભગવદ ગીતાનો એ શ્લોક છે વિરાગમુનિ સાથે(જોડિયા ધામ)આ શ્લોકની ચર્ચા ખૂબ થયેલી.

બ્રહ્મના કોઈ લક્ષણો નથી પણ આપણા જેવાને સમજવા માટે એ શ્લોક છે:

પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રં પરમં ભવાન;

પુરુષં શાશ્વતં દિવ્યં આદિ દેવં અજં વિભું

પહેલા આદિ પિતામહ,પરમપિતામહ કોણ?

અહીં કોઈનું નામ નથી.પરમ બ્રહ્મ,જેની કૂખમાં આદિ અનાદિ બ્રહ્માંડો પ્રગટ્યા છે.

બાપુએ કહ્યું હું વાળવા આવ્યો છું કારણ કે અનુયાયી અનેક હોય,એના ટોળા હોય શિષ્યો એક બે જ હોય.પરમબ્રહ્મ નિર્ગુણ સગુણથી પણ ઉપર, જેનું ધામ પરમ છે.આપણે આપણી રીતે ધામ નક્કી કરીએ છીએ.જે પરમ પવિત્ર છે.એટલે મૂળ બ્રહ્મને ચૂકતા નહીં.આદિ પુરુષ-જે શાશ્વત છે,આપણે કેલેંડરોમાં અને સંવત્સરોમાં બંધાયેલા છીએ.જે સનાતન છે,જે દિવ્ય છે,જે આદિ દેવ છે,જે અજન્માં છે પણ એના કોઠે અનંત બ્રહ્માંડો જન્મ્યા છે.તમામ જગતમાં જે વિભૂતિઓ છે એનો આગેવાન એ વિભુ.

એ પરમપિતામહ છે.એની પૂજા કરવાની છે.

Box 2

કટોકટી વખતે વિનોબાજીએ પણ ભિષ્મ જેવું કર્યું

ગઈકાલ દાદાજી મહાભારતની વાતો કહેતા એમાં એક વાત શ્વાન વિશે કહેલી.

આજે બીજી વાર્તા:યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કર્યો અને યજ્ઞ પૂરો થયા પછી રાજભવનમાં લમણે હાથ દઈને ઉદાસ બેઠા છે.એ વખતે પણ રોજ એક લાખ માણસો જમતા.કુંતા માતા આવે છે.યુધિષ્ઠિરને દુઃખી જોઈને પૂછે છે ત્યારે યુધિષ્ઠિર કહે છે કે સુખ એ બે દુઃખની વચ્ચે હોય છે.કુંતાએ પૂછ્યું કે આખા યજ્ઞમાં ન ગમે એવું કંઈ થયું?ત્યારે કહ્યું કે દુર્યોધનને જોઈને ભીમ થોડા કડવાં વેણ બોલ્યા એ નથી ગમ્યું. માતાએ કહ્યું કે મને શિશુપાલનું માથું કાપી નાખ્યું એ નથી ગમ્યું.અહીં મા દીકરા વચ્ચેનો સરસ સંવાદ છે. ત્યારે મા બચાવ કરે છે કે શિશુપાલને માર્યો એ સારું થયું નથી.યુધિષ્ઠિર કહે શિશુપાલનો વાંક હતો.વાંક હોવાનું કારણ શું?એ જ કે યજ્ઞમાં પહેલી પૂજા કોની કરવી.ભીષ્મ દાદાએ કહ્યું કે પ્રથમ પૂજાનો અધિકારી દ્વારિકાધીશ છે અને શિશુપાલે વિરોધ કર્યો.તો મા કહે વિરોધથી કોઈ બોલે તો એને મારી ન નખાય. આજની રાજનીતિઓને પણ શીખવા જેવું, મહાભારત આજે પણ પ્રાસંગિક છે જે રાજધર્મ શીખવે છે.

યુધિષ્ઠિર કહે એણે દ્વારકાધીશને ગાળો દીધી.મા કહે જગતે કોઈને છોડ્યા છે!મહાભારતમાં ઘણા પાત્રો બોલવા સમયે બોલ્યા નથી.બાપુએ ઈશારો કરતા કહ્યું કે કટોકટી વખતે વિનોબાજી પાસે તમામને અપેક્ષા હતી એનાથી કંઈક અલગ બોલ્યા.એમાં પણ ભીષ્મ જેવું થયું.ઇમર્જન્સી ય અનુશાસન પર્વ છે અને એનો ખુલાસો તો વિનોબાજી જ કરી શકે.

ફરી સંવાદ ચાલ્યો,રથ આવ્યો.જોયું તો વિદુર આવ્યા.પૂછ્યું કે હમણાં જ ગયા હતા પાછા કેમ આવ્યા?આપનું આગમન કંઈક મહત્વનું છે? વિદુર કહે મને દૂત તરીકે મોકલ્યો છે.યુધિષ્ઠિરને લઈ આવો પણ આજે કહું છું કે આજે મારું ન માનતો,એમાં મારું અપમાન નથી.હું તને જુગાર રમવાનું આમંત્રણ દેવા આવ્યો છું.

બાપુએ એ સમયે કહ્યું કે શાસ્ત્રોમાં અમુક મહાપાપો ગણાવ્યા છે.એમાનું એક છે:જુગાર એ જ રીતે શરાબ સેવન,વ્યભિચાર,ચોરી,હિંસા,અસત્ય બોલવું યુધિષ્ઠિર કહે હું રમીશ નહીં ખાલી જોવા જઈશ. કારણ કે જવું જોઈએ અને એ ગયા.

Related posts

ખેલૈયા 2024 ગરબા ઇવેન્ટમાં નવરાત્રીના જાદુનો અનુભવ કરો

amdavadpost_editor

તલગાજરડા ખાતે રામવાડીમાં નરસિંહ મહેતા એવૉર્ડ સમારંભ યોજાયો

amdavadpost_editor

રાજકોટના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના 7 વિદ્યાર્થીઓ NEET UG 2024 માં ટોપ સ્કોરર બન્યા

amdavadpost_editor

Leave a Comment