*દિ-૧* *તા-૮ માર્ચ*
*અભાવગ્રસ્ત આદિવાસી તીર્થક્ષેત્રમાં ભાવસંચાર કરવા સોનગઢથી શરુ થયું કથાગાન*
*”સનાતન ધર્મની વ્યાસપીઠ તમારો સ્વિકાર કરવા તૈયાર છે,પાછા આવો,જગાડવા આવ્યો છું”*
*”જેને કોઈ બારણા કે દીવાલો નથી એવા ઘરમાં પાછા આવતા રહો!”*
*”સવિનય,સંવાદ,સ્વિકાર અને સંવેદનાનાં સુરમાં ૮૦ વર્ષમાં મેં ૧૫૦ વર્ષનું કાર્ય કર્યું છે,એક-એક પળ જગત કલ્યાણ માટે વાપરી છે.”*
*કથા-બીજ પંક્તિઓ:*
*રામકથા કૈ મિતિ જગ નાહિ;*
*અસિ પ્રતીતિ તિન કે મન માહિં*
*નાના ભાંતિ રામ અવતારા;*
*રામાયન સત કોટિ અપારા.*
ગત વરસે ચૈત્ર નવરાત્રિમાં ગવાયેલી ‘માનસ સંવત્સર’ કથામાં જે કથાનાં બીજ રોપાયા હતા એવા,સામાજિક-આર્થિક રીતે છેવાડાનાં ગણાતા વનવાસી આદિતીર્થવાસી ક્ષેત્રનાં તાપી વિસ્તારની વનભૂમિ,સાહિત્યકાર સુરેશ જોષીની ભૂમિ-તેઓએ એમની સુખ્યાત કૃતિ ‘જનાન્તિકે’માં આ ભૂમિનો ઉલ્લેખ કરેલો છે-એ સોનગઢ-વ્યારાની સુગર ફેક્ટરી મેદાન,ગુણસંદા ખાતે,અગિયાર મહિના બાદ બીજી અને કથા ક્રમની ૯૫૩મી રામકથાનાં મંગલાચરણ પહેલા વિશ્વ મહિલા દિન પર આદિતીર્થક્ષેત્રની દીકરીઓ દ્વારા દીપ પ્રાગટ્ય બાદ નિમિત્તમાત્ર મનોરથી જગુભાઇ પટેલ પરિવારનાં મહેશભાઇએ રાજીપો વ્યક્ત કરતા બહુ ઓછા શબ્દોમાં સજળ સ્વરે એટલું જ કહ્યું કે સાચા મનોરથી અહીંના લોકો છે,બસ.કથામાં ન આવી શક્યા હોય તેઓ પણ ત્રણે ટાઇમ ભોજન-પ્રસાદ માટે આવજો!
બીજ પંક્તિઓનું ગાન કરતા બાપુએ આરંભે અનાદિવાસીઓને ભૂમિને તેમજ આ ક્ષેત્રના વિવિધ મહાપુરુષો-જેણે સંસ્કૃતિ સભ્યતા અને સનાતન ધર્મ માટે જીવન સમર્પિત કર્યું છે-એની ચેતનાઓને પ્રણામ કરીને કહ્યું:હું તમને મળવા આવ્યો છું.એમ થાય કે એક વર્ષ થાય આપને મળવું.તમે સાવધાન છો,સતર્ક છો,છતાં ક્યાંક નિદ્રા આવી ગઈ છે તો જગાડવા પણ આવ્યો છું,જગાડીને જતો નહીં રહું;મારા પરિવારમાં તમને ભેળવી દઈશ.તમે ક્યાંક ગયા હો તો ત્યાંથી પાછા બોલાવવા આવ્યો છું.
આ મોરારિબાપુ નહીં,સનાતન ધર્મની વ્યાસપીઠ તમારો સ્વિકાર કરવા તૈયાર છે.આ કથા તમારી છે. આપની,આપના માટે અને આપના દ્વારા છે.અહીંનો પ્રસાદ પેટમાં જશે તો દબાયેલા સદવિચારો પ્રગટ થશે.મૂળ ધારાનું સ્મરણ થશે.હું કોઈનો વિરોધ કરવા નહીં,વિનય કરવા આવ્યો છું.સંવાદ અને સ્વિકાર મારો મંત્ર છે.
શબરીકુંભમાં જ્યારે કથા ગાયેલી ત્યારે એક પંક્તિ ગાયેલી.પાછા ફરો,આવી જાવ!આ લૌટ કે આજા મેરે મીત…કારણ કે સેવાના નામે,ચમત્કારનાં નામે પ્રલોભનનાં નામે તમને તમારા મૂળિયાથી જુદા પાડ્યા હોય તો તલગાજરડું પણ એક સનાતની મૂળિયું છે એ તમને પોકાર કરે છે.તમારી કોઈએ સેવા કરી પણ હવે પાછા મૂળ ઘરે આવો.જેને કોઈ બારણા કે દીવાલો નથી એવા ઘરમાં પાછા આવતા રહો! તમે નહીં આવો ત્યાં સુધી અમને થોડું અધૂરું લાગશે. આપણે સનાતન ધર્મી છીએ.આપણા ઘરમાં રામાયણ,ગીતા,રામ-સીતા,શંકર-પાર્ વતી,રાધા-કૃષ્ણ, ગણપતિ,હનુમાન હોવા જોઈએ.
આકાર સીમિત હોય,પ્રકાશ અસીમ હોય છે.સન્માન બધાને આપજો પણ મૂળને પકડી રાખજો.
અહીં પ્રશ્નોપનિષદ કે જે અથર્વવેદનો ઉપનિષદ ગણાય છે ત્યાં ભરદ્વાજ મુનીના પુત્ર સુકેશા એના ગુરુને પ્રશ્ન પૂછે છે કે આપના રાજ્યના એક રાજકુમારે પૂછેલું કે સોળ કલાના પુરુષ વિશે તમે કંઈ જાણો છો?ત્યારે સુકેશા કહે છે કે હું મિથ્યાભાષણ કરીશ તો મૂળમાંથી સુકાઈ જઈશ.અહીં સવિનય, સંવાદ,સ્વિકાર અને સંવેદનાનાં સુરમાં ૮૦ વર્ષમાં મેં ૧૫૦ વર્ષનું કાર્ય કર્યું છે,એક-એક પળ જગત કલ્યાણ માટે વાપરી છે.
સત્યની બાજુમાં ઊભા રહેવા ‘લાયનવાદીઓ’ પલાયનવાદીઓ થયા છે.
કથાનો વિષય માનસ રામકથા જેમાં બે પંક્તિઓ બાલકાંડમાંથી લીધી છે.રામકથાની કોઈ સીમા નથી આની પ્રતીતિ બધાને છે.વિવિધ પ્રકારના રામ અવતાર થયા છે.સો કરોડ રામાયણ થયા છે અને સો થી વધારે રામાયણ તો મેં જોયા છે.
અહીં સાત પ્રકારના સમિધ યજ્ઞમાં હોમવામાં આવે ત્યારે સાત રંગની જ્વાળાઓ પ્રગટ થાય છે.અગ્નિ તો પહેલો દેવ છે.પણ આપણો આ પ્રેમયજ્ઞ છે. રામદુલારે બાપુએ કહ્યું કે તમામ સાધનાઓ પ્રેમ સુધી લઈ જાય છે અને પ્રેમ પરમાત્મા સુધી લઈ જશે.
પ્રેમયજ્ઞમાં સાત પ્રકારના સમિધો:
*કુપથ કુતરક કુચાલી કલિ કપટ દંભ પાખંડ;*
*દહન રામગુન ગ્રામ જિમી ઇંધન અનલ પ્રચંડ.*
અહીં કુપથ એટલે ખોટો મારગ.ખોટા રસ્તા ત્રણ છે: ખોટું બોલવું,ચોરી કરવી અને વ્યસનો કરવા.એ જ રીતે ખોટા તર્કો,ખોટી ચાલ,કળિયુગ,કપટ,દંભ અને પાખંડને આપણે આ યજ્ઞમાં હોમી દઈશું તો એ બળીને ભસ્મ થઈ જશે અને શિવ એ ભસ્મને પોતાના ભાલ ઉપર લગાડશે.
ગ્રંથ મહાત્મ્યની વાત કરતી વખતે પંચદેવની પૂજા તેમજ ગુરુવંદના તથા વિવિધ વંદનાઓને અંતે હનુમંત વંદના બાદ આજની કથાને વિરામ અપાયો.
*શેષ-વિશેષ:*
*વામન વિરપુરનાં ત્રણ વિરાટ પગલાઓ બતાવીને બાપુએ કહ્યું કે હે બંગલાઓ હવે બોલો!*
અન્ય ધર્મના લોકોની મુલાકાતને યાદ કરીને બાપુએ કહ્યું કે વિચારોની વાત આવે ત્યારે સમય આવ્યે મારા વિચારો રજૂ કરું છું,હું જ્યાં ત્યાં ન બોલું. સનાતન ધર્મ પર,આપણા અવતારો પર,ગ્રંથો પર, સાધુ-સંતો પર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા. ગણતરી પૂર્વક થઈ રહ્યું છે એટલે સવિનય જાગૃત કરવા આવ્યો છું.
જે સાધુચરિત પરિવારની પાંચ-પાંચ પેઢીનો હું સાક્ષી છું.ગિરધરરામ બાપા,જયસુખરામ બાપા,રઘુરામ બાપા,ભાઈ ભરત અને છેલ્લે દૈવત!-આટલી પેઢીનો હું સાક્ષી છું.સંત શિરોમણી જલારામ બાપાને નીચે દેખાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે નિષ્કુળાનંદ સ્વામીનું પદ-વેશ તો લીધો વૈરાગનો પણ દ્વૈષ રહી ગયો બહુ દૂર… સદનું વ્રત લીધું હોય એને સદાવ્રતનો ખ્યાલ આવશે.અખંડ રામ ઉપાસના જે પરિવારની છે,ભોજલરામ બાપાના આશીર્વાદ.આશીર્વાદ ગુરુ જ આપે,એના જ લેવાય.પહેલું પગલું એટલે અન્નક્ષેત્ર શરૂ કરવું,એ પછી ભગવાનની સેવામાં વીરબાઈ મા ને સોંપી દેવા એ બીજું પગલું અને એક પણ પૈસો ન સ્વિકારવો એ આ વામન વીરપુરનું ત્રીજું પગલું હતું.
દયા આવે છે એવા લોકોથી જે ગણતરીપૂર્વક આવું કરે છે.જાગૃત રહો,સાવધાન રહો.સનાતન ધર્મની પીઠોને પણ એક બાળક તરીકે વિવેક કરૂ કે હવે એ બંગલાઓ!તમે પણ બોલો!
સનાતન ધર્મ સમાજ બનાવે,ટોળા ન બનાવે.સનાતન શબ્દ કોઈ ધર્મને લાગ્યો નથી,શાશ્વત શબ્દ લાગ્યો છે?
*કથા-વિશેષ:*
*સોનગઢ-આદિ તીર્થક્ષેત્રમાં ચૈતન્ય પ્રકટાવવા આવી તલગાજરડાની ત્રિભુવનીય વ્યાસપીઠ*
સાડા છ દાયકાથી ગંગાના પવિત્ર પ્રવાહની જેમ નિરંતર વહેતી તલગાજરડી વ્યાસપીઠનાં પ્રેમઘાટ પરથી કથાગંગા વહી રહી છે.પૂજ્ય બાપુએ રામકથાને સાર્વલૌકિક,સાર્વભૌમિક અને સર્વસુલભ બનાવવાનું ભગીરથ કાર્ય પોતાની સરળ-સહજ સાધુતાથી સંપન્ન કર્યુ છે.
આર્થિક-સામાજિક રીતે પછાત એવો આદીવાસીઓનો આ વિસ્તાર સ્વાભાવિક રીતે જ અછત અને અભાવ ગ્રસ્ત છે.મોરારિબાપુનું આગમન થવાનું હોવાથી જાણે અહીં નવોન્મેશ પ્રકટ્યો છે.
આ પૂર્વે ૧૫ એપ્રિલ-૨૦૨૪માં ધરમપુર ક્ષેત્રનાં ખાંડા ગામે બાપુએ ચૈત્ર નવરાત્રિના દિવસો દરમિયાન “માનસ સંવત્સર” વિષય અંતર્ગત કથાગાન કર્યું હતું. કુલ કથાક્રમની એ ૯૩૪મી કથા હતી.એ ટાણે, કથાના મંગલાચરણમાં જ બાપુએ આદિવાસી ક્ષેત્રને
“આદિતીર્થ ક્ષેત્ર” તરીકે પ્રસ્થાપિત કરીને એને અનેરું ગૌરવ બક્ષ્યું હતું.
એટલું જ નહીં,આપણા વનવાસી બાંધવોના નિર્મળ પ્રેમના પ્રતિસાદ રૂપે પ્રતિવર્ષ એક કથા આદિવાસી વિસ્તારોમાં કરવાનું જાહેર કર્યું હતું.અને એટલે જ અગિયાર મહિના બાદ અહીં-સોનગઢમાં,આદિવાસી ક્ષેત્રમાં કથા યોજાઇ રહી છે.
જો કે ત્રણેક દાયકા પહેલાં,૯ ઓક્ટોબર ૧૯૯૫માં વ્યારા ખાતે બાપુએ કથાગાન કરેલું.એ કથાનો વિષય હતો:રામહિ કેવલ પ્રેમુ પિયારા
કુલ કથાક્રમની એ ૪૯૭મી કથા હતી.એ રીતે વ્યારા સોનગઢ વિસ્તારમાં બીજી વખત વ્યાસપીઠની પધરામણી થઈ છે.
અમેરિકા સ્થિત શ્રી જગુભાઇ પટેલ-કે જેમને બારડોલીના લોકો “જગુમામા”નાં લાડકા નામથી તરીકે ઓળખે છે,તેમણે રામકથાના મનોરથી તરીકે ખાંડાની કથાની વિત્તજા સેવાનો લાભ લીધો હતો. તેઓ જ પુનઃ એકવાર સોનગઢની કથાના મનોરથી બનવા ભાગ્યશાળી બન્યા છે.ખાંડાની કથાના વ્યવસ્થાપક તરીકે તનુજા સેવાનો લાભ,મહુવાના સુરત સ્થિત ઉદ્યોગપતિ શ્રી પરેશભાઇ ફાફડાવાળા અને તેમની ટીમે લીધો હતો.એમણે જ ફરી એકવાર પોતાન ધંધા ઉદ્યોગમાંથી સમય ફાળવીને અહીં પણ સમર્પિત આશ્રિત તરીકે સેવાનો અવસર મેળવી લીધો છે.
ખાંડાની ‘માનસ સંવત્સર’ કથાએ આદિવાસી તીર્થક્ષેત્રમાં નવાં પ્રાણ પૂર્યા હોય એવો ભાવ સ્થાનિક નિવાસીઓએ અને શ્રાવકોએ અનુભવ્યો હતો.
આ વિસ્તારમાં નિવાસ વ્યવસ્થા ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી શ્રોતાઓને થોડી અસુવિધા ભોગવવી પડે તો એ માટે પરેશભાઈએ જગુમામા વતી આગોતરી સહુની ક્ષમા માગી છે.
*સૌજન્ય:નીલેશ વાવડિયા-મહુવા*