Amdavad Post
અવેરનેસકૃષિગુજરાતજીવનશૈલીધાર્મિકબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વાસદમાં રચાયો વર્લ્ડ રેકોર્ડ : પાંચ હજાર લોકોએ માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાતમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે – રાજયપાલ આચાર્ય દેવવ્રત

બીજના ક્ષેત્રમાં ગુલામીમાંથી બહાર આવી આપણે દેશી બીજ સંરક્ષણનું કાર્ય કરવું જ પડશે – શ્રી શ્રી રવિશંકરજી

આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશન દ્વારા વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમ યોજાયો

આણંદ 01 નવેમ્બર 2024: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને મધુપ્રમેહ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ઉમેર્યું કે, ગુજરાતમાં ૧૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. રાજ્ય સરકારે મિશન મોડ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન ઉપાડ્યું છે, જે ઝડપભેર આગળ વધી રહ્યું છે.

વાસદ એસ.વી.આઇ.ટી. કોલેજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને આધ્યત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની હાજરીમાં પાંચ હજાર લોકો દ્વારા માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રમાં અનોખી પહેલ શરૂ કરી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ છે, જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લેવાઈ હતી. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ અંગેનું પ્રમાણપત્ર આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીને અર્પણ કરવામાં આવ્યું હતુ.

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ હજારથી વધુ લોકો ભેગા મળીને માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડ બોલ તૈયાર કરી હરિત ભારતના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ સીડબોલ બનાવવાનો તથા સીડબોલ ટ્રેનો ઉપયોગ કરીને સૌથી લાંબુ સ્લોગન બનાવવાનો રેકોર્ડ નોંધાયો હતો.

રાજ્યપાલ શ્રી દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુદેવ શ્રી રવિશંકરજીએ આધ્યાત્મિક રીતે માનવતાનો માર્ગ પ્રશસ્ત કરવા સાથે પર્યાવરણને બચાવવાનું પણ બીડું ઝડપ્યું છે. પર્યાવરણના રક્ષણ માટે મહત્તમ વૃક્ષો વાવવા જરૂરી છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે ધરતી માતાનું સ્વાસ્થ્ય બગડ્યું છે. જેને પરિણામે ધરતી માતા બિન ઉપજાઉ બની છે. એટલું જ નહીં પ્રકૃતિનું દોહન થઈ રહ્યું છે.

પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી પરંતુ જેનાથી પર્યાવરણના બચાવ સાથે પાણીની શુદ્ધતા, ગૌ માતાનું રક્ષણ, ખેડૂતોની આવક વધવા સાથે ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો માનવજાતને મળી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજયપાલશ્રીએ પ્રાકૃતિક જીવનશૈલી અપનાવી પ્રકૃતિનો સહયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે વર્લ્ડ રેકોર્ડ બદલ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલશ્રીએ સૌ નાગરિકોને દિવાળી પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીએ દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં અન્નનું ખૂબ જ મહત્વ છે, સારા અન્નનું દાન કરવા માટે સારા બીજનું હોવું પણ અત્યંત જરૂરી છે. આજે આપણો દેશ આઝાદ છે, પરંતુ બીજના ક્ષેત્રમાં આપણે હજુ ગુલામ જ છીએ. આ ગુલામીમાંથી બહાર આવવા માટે આપણે બીજના સંરક્ષણનું કાર્ય કરવું જ પડશે.

તેમણે સીડબોલ બનાવવા માટે નોંધાયેલા વર્લ્ડ રેકોર્ડ બદલ સૌને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે, દેશી બીજને બચાવવા એ આજના સમયની તાતી જરૂરિયાત છે. આજે દુનિયામાં બોંબ દ્વારા લોકો મરી રહ્યા છે, પરંતુ આજે બનાવવા આવેલ સીડબોમ્બ એ લોકોને બચાવવા માટેનો બોમ્બ છે, તે આપણે વરસાવવાનો છે, તેમ જણાવી એમણે આ સીડબોમ્બ દ્વારા દુનિયાનું ભલું થશે તેવી કામના પણ વ્યક્ત કરી હતી.

શ્રી શ્રી રવિશંકરજીએ દુનિયામાં પર્યાવરણની જાળવણી નથી થઈ તેના કારણે આપણે કલાઈમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છીએ, તેમ જણાવતા ઉમેર્યું હતું કે, સીડબોમ્બ દ્વારા આપણે ધરતીમાં બીજારોપણ કરી પર્યાવરણની જાળવણી માટેનું કાર્ય કરવાનું છે. બીજમાં અવ્યક્ત રહેલા વૃક્ષને બીજારોપણ દ્વારા વ્યક્ત કરવાનું કાર્ય શ્રેષ્ઠતમ કાર્ય છે.

શ્રી શ્રી કૃષિ સાયન્સ અને ટેક્નોલોજી ટ્રસ્ટના ચેરમેન ડો. પ્રભાકર રાવે જણાવ્યું કે એસ.વી.આઈ.ટી.ના સહકારથી આજે તૈયાર કરવામાં આવેલ સીડબોલનું આગામી ચોમાસાની સીઝનમાં વાવેતર કરવામાં આવશે.

કાર્યક્રમના પ્રારંભમાં એસ.વી.આઈ.ટી.ના ચેરમેન શ્રી રોનક પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, એક કલાકમાં સૌથી વધુ બીજ બોલ બનાવવાનો રેકોર્ડ આજે અહીં બનાવવા આવ્યો છે. આ બીજ બોલ પર્યાવરણની જાણવણી માટે ઉપયોગી બની રહેશે, તેમ જણાવી પ્રત્યેક વ્યક્તિને પર્યાવરણ જાળવણીમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, શ્રી દેવુસિંહ ચૌહાણ, કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી.કે. ટીંબડિયા, આર્ટ ઓફ લિવિંગના શ્રી સેજલબેન સ્વામી સહિત એસ.વી.આઈ.ટી. કોલેજના અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ અને શ્રી શ્રી રવિશંકરના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ત્રિપુરા તેમજ નેપાળમાં દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor

ટેક એક્સ્પો ગુજરાત ગુજરાતમાં અદ્યતન ટેકનોલોજીની શરૂઆત કરશે

amdavadpost_editor

બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ સફળતાપૂર્વક “તેરે શહેર મેં V 2.0” મોટરસાઇકલ રાઇડનું સફળ આયોજન કર્યું

amdavadpost_editor

Leave a Comment