Amdavad Post
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

પ્રધાનમંત્રીશ્રીની યુક્રેનની સદભાવના મુલાકાત અને યુધ્ધ અટકાવવાનો સદભાવ ફળે એ માટે બાપુએ પ્રાર્થના સાથે આ પ્રયાસને ટેકો આપ્યો.

કૃષ્ણજન્મની પૂર્વ સંધ્યાએ સાધુનો પંજરી પ્રસાદ:સર્વનો સ્વિકાર,સૌને પ્યાર,સૌ શુભ માટે ખુલ્લા દ્વાર,સંસારનો સાર અને સૌ માટે પોકાર-એ સાધુનાં લક્ષણ છે.

સંસારીઓમાં વાસના નહીં, એષણાઓ હોય છે, વાસના જ્ઞાનીઓમાં હોય છે.

એક વખતની અયોધ્યા નગરી કહેવાતું સૈકાઓ પહેલા જ્યાં રામાયણીય સભ્યતા વિકસી હતી એવી ઇન્ડોનેશિયાની યોગ્યકર્તાની ભૂમિ પર ચાલતા પ્રેમયજ્ઞનાં આઠમા દિવસે આરંભે અહીં ચાલતા સાંધ્ય કાર્યક્રમમાં મનોરથી પરિવાર તરફથી અને અન્ય જે પણ પ્રસ્તુતિ થઈ એ તરફ પ્રસન્નતા વ્યક્ત કરી અને બાપુએ દુનિયામાં ચાલતા યુદ્ધોમાં પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી અને પ્રાર્થના પણ કરી.

એક સવાલના જવાબમાં બાપુએ સાધુ પુરુષના સંગ વિશે જણાવ્યું અને કહ્યું કે સાધુ કોને કહેશું?

કૃષ્ણ જન્મ આવી રહ્યો છે અને જન્મ વખતે પંજરી વહેંચતા હોય છે એમ આ પાંચ વસ્તુ જેનામાં દેખાય એને સાધુ સમજવો:દરેક વાતનો સ્વિકાર,દરેકને પ્યાર,બધા માટે જેના ખુલ્લા દ્વાર,સંસારને સમજાવે સાર અને બધા માટે જેનો પોકાર-એ સાધુ છે.

બાપુએ કહ્યું કે સંસારીઓમાં વાસના નહીં એષણાઓ હોય છે,વાસના જ્ઞાનીઓમાં હોય છે. જ્ઞાનીઓની ત્રણ વાસના હોય છે:શાસ્ત્ર વાસના, દેહવાસના અને લોક વાસના.

કથા ક્રમમાં નામકરણ સંસ્કાર બાદ વિશ્વામિત્ર સાથે યજ્ઞરક્ષા માટે રામ લક્ષમણ જાય છે.જ્યાં તાડકાને ગતિ તથા અહલ્યાનો ઉદ્ધાર અને જનકપુરમાં ધનુષ્ય યજ્ઞ ચાલે છે.રામ-લક્ષમણ જનકપુરમાં નગર દર્શન માટે નીકળે છે અને પુરી નગરીને મોહી લે છે.બીજા દિવસે ગુરુ માટે પુષ્પ લેવા માટે પુષ્પવાટિકામાં જાય છે.પુષ્પવાટિકાનાં આ પ્રસંગમાં ગૌરી સ્તુતિનું ગાન કરવામાં આવ્યું:

જય જય ગિરિવર રાજ કિશોરી;

જય મહેશ મુખચંદ્ર ચકોરી.

બાપુએ કહ્યું કે આ સ્તુતિનું શ્રદ્ધાપૂર્વક ગાન કરવાથી કુમારીઓને યોગ્ય વરની પ્રાપ્તિ થાય છે.સ્તુતિને કારણે ભવાનીની મૂર્તિ ડોલે છે અને આશીર્વાદ આપે છે.એ પછી રામ દ્વારા ધનુષ્યનો ભંગ થાય છે અને વિવાહના પ્રસંગમાં ચારે ભાઈઓનાં લગ્ન પછી કન્યા વિદાયનો પ્રસંગ સંક્ષિપ્તમાં કહી અને બાપુએ કહ્યું કે બધા જ નવદંપત્તિ અયોધ્યામાં આવ્યા બાદ વિશ્વામિત્ર ઋષિ અયોધ્યામાંથી વિદાય લે છે.અહીં બાલકાંડને વિરામ આપવામાં આવે છે.

આવતીકાલે આ કથાનો પૂર્ણાહુતિ દિવસ છે.

Box

કથા વિશેષ:

આપણી અંદર એક દુર્યોધન બેઠો છે.દુર્યોધનીવૃત્તિમાં હું ધર્મ જાણું છું પણ આચરી શકતો નથી,અધર્મ જાણું છું પણ છોડી શકતો નથી-આ વૃત્તિ નષ્ટ થાય ને અર્જુનવૃત્તિ કઇ રીતે આવે?

બાપુનો જવાબ:એક તો ગીતાજીનો પાઠ કરો,એકાદ અધ્યાય,અમુક શ્લોકનો નિત્ય પાઠ.

આપણી અંદર આવેગ છે.કામ,ક્રોધ,લોભ આવેગો છે,એટેક છે,કાયમી નથી,કામચલાઉ છે.

ઉપાય ઘણા છે,પૂછનારા પૂછે છે પછી ગંભીરતાથી ઉપાય પાળતા નથી.

આ આવેગોનાં કેન્દ્રમાં મન છે.શંકરાચાર્ય એક શ્લોકમાં ઉપાય આપે છે,ચાર માર્ગ બતાવ્યા છે એમાં

પ્રાણસ્પંદ નિરોધાત્ સતસંગાત્ વાસનાત્યાગાત્ હરિચરણ ભક્તિયોગાત્ મન: સવેગં જ્હાતિ શને:શનૈ:

શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ધીમી કરવી.અધ્યાત્મ જગતનું આરોગ્ય પ્રકરણ કહે છે કે તંદુરસ્ત વ્યક્તિના શ્વાસની એક રિધમ હોય જેમાં ૨૪ કલાકમાં ૨૧૬૦૦ શ્વાસોચ્છવાસ થાય.મનમાં ક્રોધ કે કામ કે લોભ આવે ને ગતિ તેજ બને,આ રિધમ તૂટે,તબિયત બગડે ને મન બગડે.પ્રાણ સ્પંદન નિયંત્રિત કરવું.આ નિરોધ કેમ થાય?શ્વાસે-શ્વાસે હરિનામ.ભજનાનંદીનાં જીવન વ્યાપારમાં ચાર જગ્યા પર હરિનામ ચાલતું હોય: શ્વાસે-શ્વાસે, આંખના પલકારે,હ્રદયનાં ધબકારે અને પગલે-પગલે.

પ્રાણાયામ કઠિન પડે તો સાધુ સંગ.સાધુનાં સંગમાં ચિંતા,સંતાપ દૂર રહે છે.ત્રીજો ઉપાય વાસના ત્યાગ અને ચોથો ઉપાય પરમાત્માનાં ચરણમાં પ્રીતિ.

Box-2

પ્રધાનમંત્રીની યુક્રેન મુલાકાતને શુભદાયી ગણાવી બાપુએ યુધ્ધ અટકે એ માટે સહયોગી પ્રાર્થના કરી

બાપુએ કહ્યું કે જ્યાં જુઓ ત્યાં યુદ્ધો દેખાય છે.વ્યાસપીઠ હંમેશ યુધ્ધો,આતંક અને અમાનુષી વૃત્તિથી પિડીત લોકો પ્રત્યે સંવેદનશીલ રહી છે. અમાનુષી વૃત્તિથી આખી દુનિયા સળગી રહી છે એ વખતે ભારતના આદરણીય પ્રધાનમંત્રી થોડા કલાકો માટે યુક્રેન ગયા.ત્યાંના વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત કરી અને ત્યાં યુદ્ધમાં પીડાયેલા,માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ પણ આપી.ભારતનો આ સદભાવ પૂર્ણ વ્યવહાર હંમેશા રહ્યો છે.વાતચીત કરી અને ભૂમિકા ઊભી કરવા માટે આપણા પ્રધાનમંત્રીજી પ્રયત્ન કરી રહ્યા છે.અને તેઓએ જણાવ્યું કે ભારત પૂરેપૂરો સહયોગ કરશે ત્યારે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કે તેના આ સદભાવ પૂર્વ પ્રયાસનોને સફળતા મળે અને દુનિયામાંથી યુદ્ધો અટકે.

 

Related posts

શ્રી કચ્છી જૈન સેવા સમાજ (ટ્રસ્ટ) દ્વારા નવનીત ફાઊન્ડેશનની સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા જશોદા નગરમાં રાહત દરે મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

amdavadpost_editor

પીપલકોસ લેમન એ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ લોન્ચ કર્યું

amdavadpost_editor

પોથીમાં કેવળ શ્રદ્ધા હોવી જોઈએ, સ્પર્ધા નહીં.

amdavadpost_editor

Leave a Comment