*જ્યાં પણ આઘાત હોય એ રુચિકર હોય જ નહીં.*
*આપણમાં ઘણું એટલું બધું અરુચીકર છે,એની સાપેક્ષમાં સંગીત ઓછું અરુચીકર છે.*
*વિષયોમાં નહિ પણ વિષયોનાં વિલાસમાં વૈરાગ્યની જરુર છે.*
સંતરામ મંદિર નડીઆદનાં નેજા નીચે ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે વિશેષ સંતો મહંતો મહાનુભાવોમાં માલસર સત્યનારાયણ મંદિરના જગન્નાથજી મહારાજ,રાજકોટની સદભાવના કથા સાથે સંકળાયેલા આર્ષ વિદ્યામંદિર-મુંજકાના પરમાત્માનંદજી,માઇ મંદિર અંબા આશ્રમ નડિયાદના ગોપાલદાસજી મહારાજ,ડો.માધવ પ્રસાદજી તેમજ વડોદરાનાં કલ્યાણરાય મંદિરંના ષષ્ઠમ પીઠાધીશ ગોસ્વામિ ૧૦૮ ડોકટર શ્રી દ્વારકેશલાલજી મહારાજ,જગન્નાથ મંદિર અમદાવાદનાં મહંતશ્રી ઉપરાંત કબીર આશ્રમના મહંતશ્રીની વિશેષ ઉપસ્થિતિ હતી.
આજે ગુરુદ્વારા સમાજનાં મનોહરસિંહજી સહિત અનેક શિખભાઇઓએ વ્યાસપીઠની વંદના પણ કરી એક નાનકડા પ્રકલ્પમાં ચિત્રકૂટધામ-તલગાજરડા દ્વારા પ્રકાશિત અને નીતિન વડગામા અને ટીમ દ્વારા સંપાદિત કથા સારદોહનની ત્રણ પુસ્તિકા માનસ ગણિકા(ક્રાંતિકારી અયોધ્યા કથા),માનસ સેવા ધરમ (નડિયાદ કથા)અને માનસ સંગમ(પ્રયાગરાજ કથા) જે નિશુલ્ક પ્રસાદી રૂપે વહેંચવામાં આવે છે અને ગુજરાતી,હિન્દી અને અંગ્રેજીમાં તેનું પ્રકાશન થાય છે-તેનું વ્યાસપીઠ અને બ્રહ્માર્પણ કરી અને નીતિન વડગામાએ કથાઓ વિશેની માહિતી આપી.
સાથે-સાથે મહારાષ્ટ્રમાં જેને સિતારવાદનનો ગૌરવ એવોર્ડ મળ્યો છે એવા ભગીરથ ભટ્ટ તેમજ બહોળી સંખ્યામાં કથાકારોની હાજરી પણ હતી.
વક્તાઓની શ્રેણીમાં શ્રી પરમાત્માનંદજીએ પોતાનો શબ્દ ભાવ રાખ્યો.
શ્રીદ્વારકેશ લાલજી મહાજશ્રીએ કહ્યું કે જ્યારે પણ બાપુની કથા હોય પ્રયાગ જ સર્જાય છે અને ફલાવર્સનાં કર્ણરૂપી પુષ્પો કથાયજ્ઞમાં અર્પણ થાય છે.
બાપુએ આ પ્રકલ્પો પર રાજીપો વ્યક્ત કરીને આજનો કથાદોર સાંધતા કહ્યું શબર આખી જાતિ છે શબર એટલે ભીલ.શબરીનો અર્થ ભીલ કન્યા થાય. આપણે ત્યાં મહર્ષિ જૈમીનીએ પૂર્વમીમાંસાનું ભાષ્ય લખ્યું એ સાબર ભાષ્ય છે.સાબર મુનિ છે પણ એ ભીલ નથી.આપણે ત્યાં એક સાબર મંત્ર પણ છે. શંકર ભગવાન સુંદરકાંડની કથા કહેતી વખતે જ્યારે સીતાશોધ પછી રામ હનુમાનને ગળે લગાડે છે ત્યારે હનુમાન તેનાં પગ પકડે છે અને એ વખતે કથા કૈલાશમાં ચાલે છે,ઘટના પ્રવર્ષણ પર્વત પર બની છે શિવ સમાધિષ્ઠ થાય છે,કારણ કે પોતાનો અનુભવ છે.હનુમાન ૧૧માં રુદ્ર નહીં પણ સ્વયં શીવ છે, વાનરાકારવિગ્રહ પુરારિ છે.ફરી બહિર્મુખ થયા.
સમર્થ સ્વામી રામદાસજી કહે છે બધી કથાઓમાં રામકથા શ્રેષ્ઠ છે,લીલા કૃષ્ણની અને ચરિત્ર તો શિવનું છે.શંકર મનને સ્થિર કરે છે.તો મનને સ્થિર કેમ કરવું?શંકરાચાર્ય ચાર ઉપાય કહે છે:૧-પ્રાણસ્પંદ નિરોધાત.૨-સત્સંગાત.૩-વાસનાત્યા ગાત.
૪-હરિચરણભક્તિ યોગાત.આ ચાર ઉપાયોથી મન સ્થિર થાય છે.
સંગીત આટલું બધું રુચિકર કેમ લાગે છે?સંગીત પણ અરુચીકર છે પણ આપણમાં ઘણું એટલું બધું અરુચીકર છે એની સાપેક્ષમાં સંગીત ઓછું અરુચીકર છે.જ્યાં પણ આઘાત હોય એ રુચિકર હોય જ નહીં.પછી એ સ્થૂળ જગત હોય કે અસ્થૂળ હોય,મન હોય કે શરીર.
રામદાસજી ‘યોગીરાજ માનસ’માં લખે છે:
*કલમદાસ બની રહે જય મહારાજ કે હાથ;*
*સેવા કરાવે ચરિતકી રાખે અપને પાસ.*
*નીત નૌમી યોગીરાજ ભજુ કામાદી ખલ દલગંજનં* *ગોવિંદ ગુરુ અવગુન હરત કામાદિ ખલ દલ ગંજનં* *જે શાંતિ મંત્ર જપંત સંત અનંત જન મન રંજનં* *યોગેશ્વર અવધૂત સંતરામ સુખદુ:ખ ભંજનમ*
માનસમાં લક્ષ્મણજતી પણ યોગી છે,જાગૃત યોગી છે:
*યહ જગ જામિની જાગહી સોઇ;*
*પરમારથી પ્રપંચ બિલોઇ.*
ગુહને જ્યારે વિષાદ થાય છે એ વખતે લક્ષ્મણગીતા સર્જાઇ છે.ત્યાં એ કહે છે કે આ જગતની રાત્રિમાં યોગીઓ જાગે છે એનું પ્રમાણ એ છે કે એના બધા જ વિષયોનાં વિલાસમાં વૈરાગ્ય આવે છે.લક્ષ્મણ આપણા મનુષ્યનું પ્રતિનિધિત્વ કરે છે એટલે વિષયોમાં નહિ પણ વિષયોનાં વિલાસમાં વૈરાગ્યની વાત કરી છે.