બુધ્ધપુરુષ વધારે બોલતો નથી.
કોઈના શરણે જવું એ દાસત્વ છે.
જનક પરમ યોગી છે જેણે ભોગની નીચે યોગને છૂપાવી રાખ્યો છે.
ચરિત્રવાનની જ કથા હોય.
રામ-રામ રટીને કોઈનું શોષણ નહીં પણ પોષણ થાય એવું કરજો.
સંતરામ મહારાજની પાવન,પ્રવાહી અને પરોપકારી પરંપરાનાં સાંનિધ્યમાં નડીઆદ ખાતે શરૂ થયેલી રામકથાનાં છઠ્ઠા દિવસનાં આરંભે રોજ એક વિશેષ વક્તવ્યનીં શ્રેણીમાં ઋષિકેશ કૈલાશ આશ્રમના વેદાંત વ્યાકરણી સ્વામી સચ્ચિદાનંદ ગિરિશ્રીએ પોતાનાં સુંદર વિચારો રજૂ કર્યા.
વ્યાસપીઠ પર રોજ નીત નવા પરોપકારી ઉપક્રમોની સાથે-સાથે કથાકારોનો ત્રિવેણી યોગ પણ રચાયો છે જેમાં રોજ સાંજે બહુશ્રુત કથાકારોનાં મનનીય પ્રવચનો પણ યોજાય છે.કથાકાર જીગ્નેશ દાદા, લીમડી મોટા મંદિર લલિત કિશોર મહારાજ,નડિયાદ સ્વામિનારાયણ મંદિરના સંતો વગેરેની વિશેષ ઉપસ્થિતિ હતી.
આરંભે બાપુએ સંતરામજીના ગ્રંથની વાત કરીને કહ્યું:’યોગીરાજ માનસ’ સંતરામજીનું વાંગમય સ્વરૂપ છે.જેમ શ્રીમદ ભાગવત ભગવાન કૃષ્ણનું અને રામચરિત માનસ ભગવાન રામનું વાંગમય સ્વરૂપ છે આ ગ્રંથને ઘરમાં પધરાવવો જોઈએ.આ ગ્રંથમા સમાજ દુર્ભાવ મુક્ત થાય એવા સૂત્રો આપ્યા છે,પણ એ માટે પરસ્પર દુર્ભાવમુક્ત હોવું જોઈએ.યુવા કથા જગત પાસે બહુ મોટી આશા છે એવું બાપુએ જણાવ્યું.
અહીં આપેલા સૂત્રોમાં આહાર અને નિદ્રાનું ધ્યાન રાખવાની વાત કરી.યોગ માર્ગમાં પ્રવૃત્ત થવું હોય એણે શંકરાચાર્યના છ સૂત્રો-જેમાં શંકરાચાર્ય કહે છે કે હિતને અનુકૂળ હોય એવું ભોજન,નિત્ય એકાંતનું સેવન કરવું.કોઈ ખૂણો પકડી લેવો.સામા માણસનું હિત હોય એવી વાત એક જ વખત કહી અને પછી ચૂપ થઈ જવું.બુધ્ધપુરુષ વધારે બોલતો નથી.ઓશો કહે છે હું જવાબ નથી આપતો હું બધાને જાગૃત કરું છું.ઓછી ઊંઘ અને ઓછો વિહાર કરવો અને પોતે પોતાને જ કાબુમાં રાખવા.નક્કી કરેલા સમયે ભજનમાં બેસી જવું.સ્મરણ ગમે ત્યારે થાય,ભજન ચોક્કસ સમયે થાય છે.
એક વિશેષ વાત કરતા બાપુએ કહ્યું કે વિભિષણના આંગણમાં નવ પ્રકારના તુલસી છે.જેની અંદર શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય અને આત્મનિવેદન છે.આ વિભિષણની નવધા ભક્તિ છે.અયોધ્યાના ઇષ્ટદેવ શ્રીરંગ સ્વામી અને લંકાના નૃસિંહ ભગવાન છે.કોઈના શરણે જવું એ દાસત્વ છે.
રામ પણ યોગી છે.શુકદેવજીને પણ યોગી કહ્યા છે.જનક યોગી છે.
જોગ ભોગ મહુ રાખઉં ગોઇ;
રામ બીલોકત પ્રગટેઉ સોઇ.
ઉપર ઉપરથી સંસારી લાગે પણ જનક પરમયોગી છે રામના દર્શન કરતા એનો યોગ બહાર આવ્યો છે. રામકથાનાં ક્રમમાં રામજન્મ પછી એક મહિનાનો દિવસ થયો.તે પછી ઉપનયન સંસ્કાર અને નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા.દશરથે વશિષ્ઠને કહ્યું કે આપની અંતઃકરણની પ્રવૃત્તિ જે કહે એવા નામ રાખજો.
રવિશંકર મહારાજનું નામ લઈએ તો ગુજરાત ઉજળું લાગે,ગાંધીજીનું નામ બોલીએ તો દેશ ઉજળો દેખાય વૈશ્વિક મહાપુરુષનું નામ લઈએ તો વિશ્વ ઉજળુ લાગે,પણ રામનું નામ લઈએ તો અખિલ લોક-ચૌદ લોક જ નહીં પણ અખિલ લોક ઉજળો લાગે છે.ચારે ભાઈઓના નામમાં એના ગુણ અને સ્વભાવ દેખાય છે.
આ ચારેય ભાઈઓ વેદના મહાવાક્યો છે.
રામ મહામંત્ર,બીજમંત્ર,શિવમંત્ર,પાર્વતી,ગણપતિ અને વાલ્મિકીનો અને જગત આખાનો મંત્ર છે.
રામ-રામ રટીને કોઈનું શોષણ નહીં પણ પોષણ થાય એવું કરજો.
વિદ્યા સંસ્કાર પછી એક અર્ધાલીમાં ચરિત્ર અને અર્ધાલીમાં આગળની કથા ગાઇ છે એવું લખ્યું છે. જેનું ચરિત્ર ઉત્તમ હોય એની જ કથા ગવાય.ચરિત્રવાનની જ કથા હોય.
વિશ્વામિત્રનું અયોધ્યામાં આગમન થાય છે.યજ્ઞરક્ષા માટે રામ આગળ વધે છે.તાડકાનો નાશ કરે છે. તાડકા એ દુરાષા છે,મારિચ દોષ છે અને સુબાહુ દુઃખ છે.
રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કરીને જનકપુરમાં રામ-લક્ષમણ,વિશ્વામિત્ર રાત્રી રોકાણ કરે છે.
કથા-વિશેષ:
વેદમાં બતાવેલા સાત રત્નો:
આપણા વેદ અને વેદ પુરુષોએ સાત રત્નોની વાત કરી છે.પહેલું રત્ન છે:આંગણા વાળું ઘર.બે-સાત્વિક ભોજન બનતું હોય એવું ઘર.ત્રણ-લોક મર્યાદા ટકી રહે એવા વસ્ત્રો.ચાર-સારું શિક્ષણ એ પણ રત્ન છે. પાંચ-સારી ઔષધિની વ્યવસ્થા.છ-સારા ઓજાર અને સાતમું સંસ્કાર બની રહે એવા સાત્વિક મનોરંજનના સાધનો હોવા જોઈએ.
આવા રત્નો આપણા દેશના વેદ અને વેદપુરુષો જ કહી શકે.
![](https://amdavadpost.com/wp-content/uploads/2025/02/Image-6-960x640.jpeg)