કબીરસાહેબે બધી કલાનો સ્પર્શ કર્યો છે.
કબીર સાહેબે ધર્મ ધુરંધરો નહીં,ધર્મદાસ ઉત્પન્ન કર્યા છે.
કબીર થયા વગર કબીર ઓળખાશે નહીં.
નિશ્ચયાત્મક બુદ્ધિ વિચારવડનું થડ છે.
પરમાત્માનું મિલન ચિત્તમાં જ થાય.મન,બુદ્ધિ કે અહંકારમાં ન થાય.
વિચારનું મૂળ બુદ્ધિ છે.
વિચારવડને નિર્વિચારનું ફૂલ આવે છે.
બુદ્ધિ વિકસિત થઈ પ્રજ્ઞા,સુમતિ,સદ્મતિ બને પછી વિચાર આવે ત્યારે કબીરવડ જન્મે છે.
ભરુચ પાસેનાં કબીરવડની છત્ર છાયામાં ચાલી રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસે આરંભે કબીર વિચારની પ્રસ્તુતિ યુવા સાધુ-મોરબી કબીર આશ્રમનાં મહામંડલેશ્વર ૧૦૦૮ શિવરામ સાહેબનાં આશ્રિત સંત,શબ્દ ઉપરાંત સૂર સાધક શ્રી કૃષ્ણદાસજી દ્વારા થઇ.ગુરુકૃપા કેવી હોય એનો અનુભવ કબીર ગ્રંથ બીજક ગ્રંથ જેમાં ૧૧ પ્રકરણો, કબીર વાણીના અનુભવનો નીચોડ-જેનું બીજું પ્રકરણ-શબ્દ પ્રકરણ-એના પર વિશેષ પ્રકાશ પાડ્યો.
સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત અને દેશભરનાં કબીર સ્થાન-ગાદીઓનાં સાહેબશ્રીઓની બહોળી ઉપસ્થિતિ સહિત શ્રોતાઓ સાથે સંવાદ સાધતા મોરારિબાપુએ કહ્યું કે ચરને અચર કરે,અચરને ચર કરે એ જ તો બ્રહ્મનિરૂપણ છે.ક્યારેક લાગે છે કે રેવા સ્થિર થઈ ગઈ અને વડલો ચાલવા માંડ્યો છે!
સારા વક્તાનો સાધુભાવ એ હોય છે કે સાધુ પાસેથી શીખવું કે સાંભળ્યું એ કહેતા હોય છે.
બાપુ કહે હું જે કંઈ બોલું છું એ મારો ગુરુ જ બોલે છે,આપણું ગજું જ નથી,આ બધું જ ગુરુમુખી છે. સાધુ-ગુરુનો સંગ ભુલાય ત્યારે સ્ખલન શરૂ થાય છે. કબીરે બધી કલાનો સ્પર્શ કર્યો છે.
ઓશો કહેતા કે બધા જ સંતો નક્ષત્રો છે,કબીર પૂર્ણિમાનો ચાંદ છે.એને રાહુ કેતુનું ગ્રહણ લાગ્યું નથી.કબીર સાહેબે ધર્મ ધુરંધરો નહીં ધર્મદાસ ઉત્પન્ન કર્યા છે.કેતુ એટલે ધજા પતાકા જેનાથી કબીર અલિપ્ત રહ્યા.પૂર્ણિમાના ચંદ્રમાને કાળો ડાઘ હશે કબીરમાં કોઈ કાળો ડાઘ નથી.જેને કૃષ્ણ-શુક્લના ભેદ સમાપ્ત થઈ ગયા છ,પક્ષમુક્ત,દ્વંદમુક્ત મહાપુરુષ છે.
આપણે ત્યાં એક કાળમાં ભેદો આવ્યા ત્યારે નિર્ગુણિયા સગુણિયા એવા શબ્દો આવ્યા.કબીર અને તુલસી વચ્ચે સગુણ-નિર્ગુણવાદીઓ દ્વારા વચ્ચેના કાળમાં ભેદ ઉત્પન્ન કરવાના પ્રયાસો થયા છે કબીર સાહેબે પણ કેટલી સગુણની સ્થાપના કરી છે આપણે એના અર્થો એકતરફી કર્યા છે.
અહીં એક વેદ મંત્ર-અપાણિપાદૌ… નું ગાન કરીને સમજાવતા કહ્યું કે આ વેદમંત્ર નિરાકારનું પ્રતિપાદન કરે છે.કબીર સાહેબે એનું પ્રતિપાદન કર્યું.જેને પગ નથી,હાથ,મોઢું નાસિકા નથી એવા પરમાત્માની વાત કરી છે.પણ કબીર બોલ્યા છે.જીભનો આશ્રય કર્યો. અહીં સુધી આવ્યા,પગનો ઉપયોગ કર્યો.ચરણ ધોવા દીધા હશે,હાથનો ઉપયોગ કર્યો હશે મુખથી ખાધું હશે-મુખનો ઉપયોગ કર્યો છે.
તુલસી પણ એ જ વાત કરે છે કે બ્રહ્મને હાથ,મોં, નાક-શરીરની ઇન્દ્રિયોની જરૂર નથી,પરમાત્મા ગોતિત છે.એ આંખ વગર જુએ છે.પણ અમારે તેમના પગ પૂજવા છે.અમને એ પોતાની આંખથી જુએ છે એવું જોઇએ.
જેનું ચિત્ત બ્રહ્મમાં રમમાણ કરતું હોય એ યોગી હોય કે ભોગી કોઈ ફરક પડતો નથી એવું શંકરાચાર્ય કહે છે.
પરમાત્માનું મિલન ચિત્તમાં જ થાય.મન,બુદ્ધિ કે અહંકારમાં ન થાય.ભરત અને રામનું મિલન ચિત્રકૂટરૂપી ચિત્તમાં થયું છે.
કબીર પણ રૂપકો બનાવીને વાત કરે છે.એ સગુણનો વિરોધ કરતા નથી.કદાચ આંખની,પગની પરમાત્માને જરૂર નથી પણ અમારો હાથ કોઈ પકડે,અમારે જેના ચરણ સ્પર્શ કરવા છે માટે એ સગુણ બનવા જોઈએ ઈશ્વર આકાશ છે તેને ગણવેશની જરૂર નથી,પણ કાળાં-ધોળાં વાદળો,મેઘધનુષના કપડા એ પહેરે છે તુલસી પણ નિર્ગુણનું પ્રતિપાદન કરી અને સગુણની માંગ કરે છે.
દિવ્ય વિચારધારામાં પણ કાળાંતરે કચરો ભળતો હોય છે ગંગા ગૌમુખમાં હોય એટલી પવિત્ર ગંગા સાગરમાં ગોતવી મુશ્કેલ છે.
કથાપ્રવામાં નામકરણ સંસ્કાર.ચારે ભાઈઓના નામ પછી વિશ્વામિત્ર યજ્ઞ રક્ષા માટે રામ લક્ષ્મણની માગણી કરે છે.અને રામ લક્ષ્મણને લઈને નીકળે છે રસ્તામાં તાડકા વગેરેનો વધ કરીને રામ પોતાની લીલાનો આરંભ કરે છે.
શેષ-વિશેષ:
વિચારવડનાં મૂળ,થડ,પાંદડાઓ,ફૂલ,ફળ અને રસ:
કબીર વિચારનો પણ વડલો છે.એમણે વિચારોનો વિરોધ નથી કર્યો.વિચારવડનું મૂળ ક્યુ?મનમાં વિચારો નથી આવતા,મનમાં તો સંકલ્પો-વિકલ્પો આવે છે.વિચારનું મૂળ બુદ્ધિ છે.પણ એ બુદ્ધિ વિકસિત થઈ પ્રજ્ઞા,સુમતિ,સદ્મતિ બની પછી વિચાર આવે ત્યારે કબીરવડ જન્મે છે.બુદ્ધિ બ્રહ્માનું સર્જન છે.બ્રહ્મા વિચારક છે,સર્જક પણ છે.સુમતિમાંથી વિચારનો કબીરવડ જન્મે છે.એનું થડ નિશ્ચયાત્મક બુદ્ધિ છે.
કબીર કહે કમાલ કો દો બાતાં શીખ લે;
કર સાહિબ કી બંદગી,ભૂખે કો અન્ન દે.
આ નિર્ણય વિચારવડનું થડ છે.
વિચાર વડની ડાળો:વેદ વિચાર,વિવેક વિચાર વચન વિચાર,હ્રદય વિચાર,બ્રહ્મવિચાર,વર્ણવિચાર,સંતોષ વિચાર,સમતા વિચાર,વિજ્ઞાનવિચાર,વિવેક વિચાર આ બધી જ ડાળીઓ છે.
તર્ક,કૂતર્ક,દુષ્ટતર્ક,ઈષ્ટ તર્ક એના પાંદડાઓ છે. કબીરને સમજવા તુલસીને જોવા પડશે,તુલસીને સમજવા કબીરને જોવા પડશે-તો જ સેતુ બંધાશે. કબીર થયા વગર કબીર ઓળખાશે નહીં.વડને ફૂલ ન હોય.તર્ક કરનારની હવા એટલે અફવા.
તર્કરૂપી પાંદડાઓ ક્યારે ખરી જાય એ કંઈ નક્કી નહીં,એને મોસમ લાગુ પડે છે.
અહીં વિચારવડને નિર્વિચારનું ફૂલ આવે છે.
અનેક બીજકનો સંગ્રહ એવું ફળ બ્રહ્મનિરૂપણ-એ વિચારવડનું ફળ છે.બ્રહ્મનિરૂપણને સરળતાથી આપણા કાનમાં રેડીને પચાવે એ રસ છે.
વિવેક વટ પણ અહીં સાથે જ રાખીએ કારણ કે વિચારમાં પણ વિવેક હોવો જોઈએ.