જેની વાણી સત્યને સાંભળે એના સત્યને વાણી સાંભળે છે.
સોનગઢની પવિત્ર ભૂમિ પર ગવાઇ રહેલી રામકથાનાં ચોથા દિવસે આરંભે ગઈકાલના વેદાંતના એક શ્લોકને સમજાવતા કહ્યું કે વેદાંતમાં એક બહુ જાણીતી વાર્તા છે:દસ મિત્રો ફરવા નીકળ્યા.પણ આગળ પાછળ થઈ ગયા.છેલ્લે જ્યારે ભેગા મળ્યા તો નક્કી કર્યું કે આપણે ગણી લઈએ,આપણામાંથી કોઈ ઓછું તો નથી થયું ને!એકે ગણવાનું શરૂ કર્યું એક-બે-ત્રણ-ચાર….નવ સુધી પહોંચ્યો.બીજાએ કહ્યું કે કદાચ તારી ભૂલ થશે થતી હશે બીજાએ પણ એ જ રીતે ગણવાનું શરૂ કર્યું,એક-બે-ત્રણ…નવ થયા ત્રીજાએ પણ આમ જ ગણ્યું.દરેક પોત-પોતાને ગણવાનું ભૂલી જાય છે,બીજાને ગણે છે.આમ સાર એ છે કે આત્મતત્વ ઓળખાય નહીં ત્યાં સુધી બધી જ સાધના જુઠી.ભક્તિમાર્ગમાં આપણે આપણને ભૂલી જઈએ છીએ.આપણે આપણને ઓળખી લેવા.આપણે બીજા ધર્મની ખુબ વાતો કરી આપણો મૂળ ધર્મ ભૂલી જઈએ છીએ.જેની આંખમાં સૂર્યની સમજ અને ચંદ્રનું સમર્પણ હોય ત્યાં આંસુ ખારા નહીં પણ મીઠા હોય છે.
રામકથાનો હેતુ શું?તુલસીદાસે ત્રણ હેતુ કહ્યા:સ્વાન્ત:સુખ માટે.કથા ઉપદેશ માટે નહીં પણ સ્વાધ્યાય છે.વાણી પૂણ્યશાળી બને અને મનને બોધ કરવા-આ ત્રણ હેતુ છે.પ્રત્યેક કથા રિયાઝ છે.કથા ઉપદેશ નહિ,સ્વાધ્યાય છે.
કથા સાંભળીને પ્રવીણ નહીં પ્રામાણિક બનીએ. કથાનો સાર શું છે?
એહિ મહં રઘુપતિ નામ ઉદારા;
અતિ પાવન પુરાણ શ્રુતિ સારા.
પિપાસા જાગે એ શ્રોતા.કથા કોણ કરાવે?મનોરથી કરાવે.કથાના અધિકારી કોણ?જેને સત્સંગ ગમતો હોય એ અધિકારી છે.કથાનો સાર માત્ર પ્રભુનું નામ છે.દુલા ભાયા કાગના સાહિત્યનો સાર એમ કહી શકાય કે છીનવેલું અમૃત અમર કરી શકશે પણ અભય નહીં કરે.કથાનો નાયક કોણ?આદિ,મધ્ય અને અંતમાં જે રામ તત્વ,સત્ય તત્વ છે-એ એનો નાયક છે.એવા પુરુષ પાસે જઈએ જે બધાને સાંભળે છે.
શરીર ચંચળ,વાણી ચંચળ,આંખ ચંચળ,મન ચંચળ, વૃત્તિઓ ચંચળ,શ્વાસ ચંચળ.તો વાયુ જેનાં પ્રાણ છે એવા બુદ્ધપુરુષ પાસે જઈએ અને આપણી ચંચળતા ઓછી થાય.
ઉપનિષદ કહે છે જેની વાણી સત્યને સાંભળે એના સત્યને વાણી સાંભળે છે.
ભારદ્વાજે રામની કથા પૂછી અને શરૂઆત શિવકથાથી થઇ.એવું જ તુલસીજીનાં હનુમાન ચાલીસામાં દેખાય.તુલસીજી લખે છે:બરનઉ રઘુવર બિમલ જશ…ને આખી ચાલીસે પંક્તિઓમાં હનુમાનજીનાં ગુણોનું ગાયન થયું!આમ કેમ?
ભરત રામનાં પ્રેમનો અવતાર છે.લક્ષમણ રામનાં શૌર્યનો અવતાર છે.રામનું મૌન સાક્ષાત શત્રુઘ્નનાં રૂપે અવતર્યું છે.મા જાનકી રામનાં તપ-ત્યાગનો અવતાર છે.બસ,એ જ રીતે હનુમાનજી રામનાં યશનો અવતાર છે.એટલે તુલસીજીએ હનુમાન ચાલીસાનાં રૂપમાં રામનો યશ ગાયો છે.શાસ્ત્ર ગુરુમુખી રીતથી જ સમજાય.
કથા પ્રવાહમાં સતી અને શિવ કુંભજ પાસે કથા શ્રવણ માટે ગયા.સતીને રામકથા અને રામની લલિત નરલીલામાં શંકા થઇ અને રસ્તામાં રામની પરીક્ષા માટે ગયા.
કથા-વિશેષ:
આપણે પણ થોડાક મોડા પડ્યા છીએ
રાજસ્થાનના બાંસવાડા ગામની વાત કરતા બાપુએ કહ્યું કે આખા ગામમાં વટાળ પ્રવૃત્તિ ખૂબ ચાલતી. ઈસુએ આ કામ નથી કર્યું.ઇસુ ખૂબ માસુમ વ્યક્તિ છે.એ પછી કાલાંતરે એવું થયું.પણ ગઈકાલે સમાચાર વાંચ્યા કે આખું ગામ એ વટાળ પ્રવૃત્તિમાંથી નીકળીને મૂળ સનાતન ધર્મમાં પાછા ફરી ગયું.
એ વિશેની વાત કરતા બાપુએ જણાવ્યું કે આવી પ્રવૃત્તિ કરનારાઓ ચમત્કાર અને ભોળપણથી વ્યક્તિને ખૂબ ફોસલાવે છે.બાળકોને આ રીતે ફોસલાવે છે.બસની અંદર જતા હોય ત્યારે સરખા રંગની બે મૂર્તિઓ-એના ભગવાન અને આપણા ભગવાનની-બંને મૂર્તિ સરખી હોય.રંગે રૂપે બધું જ પણ એની મૂર્તિ લાકડાની રાખે અને આપણા ભગવાનની મૂર્તિ લોખંડની રાખે.પછી બાળકને કહે કે હવે પાણીની અંદર આ બંને મૂર્તિ ડૂબાડીએ.એની મૂર્તિ પાણી પર તરે ત્યારે કહે કે તમારા ભગવાન ડૂબી જાય છે એ તમને શું તારશે!આ રીતે બાળકોનું બ્રેઇન વોશિંગ કરે.એક વખત આ જ પ્રકારની બસમાં એક બાવો ચડી ગયો!ખોટો પ્રચાર થતો હતો એ જોઈને એ સાધુએ કહ્યું કે અમારામાં જળપરીક્ષા નહીં અગ્નિ પરીક્ષાનો રિવાજ છે.અમારી શબરી,અમારી જાનકી માતા અગ્નિમાંથી પસાર થયા.માટે બંને મૂર્તિઓને અગ્નિમાં નાંખી,ને લાકડાની મૂર્તિ બળી ગઈ અને આપણી મૂર્તિ વધારે ચમક પામી!
આવું-આવું કરીને ભ્રમિત કરે છે ત્યારે બાંસવાડામાં આખા ગામમાં વટાળ પ્રવૃત્તિમાંથી ફરી પાછા ફર્યા. ચર્ચ મંદિર બની ગયું અને પાદરી પૂજારી બની ગયો. સેવા કરવી જ હોય તો અમેરિકા,આફ્રિકા અને ઇથોપિયાના એવા વિસ્તારોમાં જાઓ ત્યાં બ્રેડ નથી મળતી.અહીં રોટલો આપવાનાં નામે વટાળ પ્રવૃત્તિઓ ચાલે છે.ત્યારે થોડાક આપણે પણ મોડા પડ્યા છીએ.આપણે પણ આકાર અને પ્રકાર જોવાનું બંધ કરીને સ્વિકારવાનું શરૂ કરીએ.