- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો
- સમાજમાંથી જે મેળવ્યું છે એ સમાજને પાછું આપવાના ઉદ્દેશ સાથે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(JITO) કામગીરી કરી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)ના નવનિયુક્ત સભ્યોનો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પદ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર અને સમાજ સાથે મળીને વિકાસની પરિભાષા સાર્થક કરી રહ્યા છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(JITO) સંસ્થા જૈન સંપ્રદાયના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. સમાજમાંથી જે મેળવ્યું છે એ સમાજને પાછું આપવાના ઉદ્દેશ સાથે આ સંસ્થા પ્રસંશનીય કામગીરી કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
આજે વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ છે ત્યારે વડાપ્રધાનશ્રીએ રોજિંદુ જીવન પર્યાવરણને ઉપયોગી બનાવવાના ધ્યેય સાથે મિશન લાઈફની શરૂઆત કરાવી છે. પર્યાવરણની કાળજી લઈશું તો જ આપણે આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપી શકીશું. પર્યાવરણની જાળવણીના ઉમદા ઉદ્દેશ સાથે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાના સૂત્ર સાથે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વર્ષ 2047માં દેશને વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સૌ સાથે મળીને પ્રયાસ કરીએ અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવીએ એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મેયર સુશ્રી પ્રતિભાબેન જૈને નવા પદ ગ્રહણ કરનાર ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(JITO) સામાજિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક ક્ષેત્રે ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્ર સાથે કામગીરી કરીને ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના સાકાર કરી રહી છે.
જીતો અમદાવાદના ચેરમેન રૂષભ પટેલે કહ્યું કે “અમે આગામી વર્ષ માટે સંસ્થા માટે ઘણી નવી પહેલ કરવાની યોજના બનાવી છે. જીતો અમદાવાદ એ 2,200 થી વધુ સભ્યો ધરાવે છે, જે સમાજને કંઇક પાછું આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે સમાજની સુધારણામાં યોગદાન આપી શકે એવી પહેલ માટે વિવિધ હિતધારકો સાથે કામ કરવા આતુર છીએ.”
આજના સમારોહમાં નવા ચેરમેન અને તેમની ટીમે શપથ લઈને પદ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(JITO) અમદાવાદ ચેપ્ટરના નવા ચેરમેન શ્રી ઋષભ પટેલ સહિત JITO એપેક્સના વિવિધ હોદ્દેદારોએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, JITO એ સેવા, જ્ઞાન અને આર્થિક સશક્તિકરણના મૂળમંત્ર સાથે જૈન ધર્મના લોકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાનનું કાર્ય કરી કરતી સંસ્થા છે.
જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(JITO)ના નવા સભ્યોના પદ ગ્રહણ સમારોહમાં ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મેહતા, JITOની વિવિધ પાંખના સભ્યો, જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.