ગુજરાત ૦૩ નવેમ્બર ૨૦૨૪: આર્મીમાં ૧૬ વર્ષની સેવા બજવી સેવાનિવૃત થયેલા મહેશભાઈ લાલજીભાઈ હીરાણીનું બરવાળા ગ્રામજનો દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બરવાળા ગામના ગૌરવ એવા મહેશ હિરાણીના સ્વાગતમાં ગામની બહેનો દ્રારા રોકડિયા હનુમાનજી મંદિરથી મહેશ હિરાણીના ઘર સુધી પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સન્માન યાત્રામાં મહેશની બરવાળા ખાતેથી સ્કૂલ ઝબૂબા હાઈસ્કૂલના મિત્રો દ્રારા સાલ અને તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પોતાની આર્મીની નોકરી વિશે વાત કરતાં કહ્યું ગામડાંના લોકોમાં દેશ સેવા માટે આર્મીમાં જોડાવવાનું વિશેષ મહત્ત્વ આજે પણ છે. છોકરો જ્યારે આર્મીમાં સેવા આપી રહ્યો હોય ત્યારે માતા-પિતાનું માથુ ગર્વથી ઉચુ થઈ જાય છે. આજે જ્યારે હું ૧૬ વર્ષની આર્મીમાં સેવા બજાવી મારા માદરે વતન પરત ફર્યો છું ત્યારે મારા સ્વાગતમાં આજે જે ગ્રામજનો મોટીસંખ્યામાં જોડાયા તે જોઈ ખરેખર મારી આંખો ભીંજાઈ ગઈ. અગામી સમયમાં હું બરવાળામાં જ રહીને આ ગામમાંથી વધુને વધુ યુવાનો ભારતીય સેનાની વિવિધ પાંખમાં જોડાય તે માટે મારુ યોગદાન આપીશ.
૧૮ વર્ષની ઉંમરે આર્મીમાં જોડાયેલા મહેશ હિરાણીનું પહેલું પોસ્ટિંગ ભટિંડામાં હતુ અને સેવા નિવૃત થયા ત્યારે તેઓ જોધપુરમાં નાયક તરીકેની પોસ્ટ સંભાળી હતી.