ચિત્રકૂટઃ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના વક્તા પરમ પૂજ્ય મોરારી બાપૂએ ચિત્રકૂટ ધામમાં 4થી6 નવેમ્બર દરમિયાન આયોજિત રામાયણ કથાકાર રામકિંકરજી મહારાજના શતાબ્દી સમારોહમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રામકથા પરંપરામાં યુગ તુલસી તરીકે જાણીતા રામકિંકરજી મહારાજના સનાતન ધર્મમાં યોગદાનને આરએસએસ સરસંઘચાલક શ્રી મોહન ભાગવત સહિત ટોચના અગ્રણી આધ્યાત્મિક દિગ્ગજોની ઉપસ્થિતિમાં યાદ કરવામાં આવ્યું હતું.
આ સમારોહના સમાપન દિવસે પોતાના વક્તવ્યમાં પૂજ્ય મોરારી બાપૂએ ઐતિહાસિક આયોજન માટે ચિત્રકૂટની મહત્વતા ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ચિત્રકૂટની પવિત્ર ભૂમિ ઉપર રામકિંકરજી મહારાજના શતાબ્દી સમારોહનું આયોજન થવું ખૂબજ ઉચિત છે. રાષ્ટ્રપુરુષ મોહન ભાગવતની ઉપસ્થિતિએ આ પવિત્ર સંમેલનની શોભામાં વધારો કર્યો છે. હું દેશ પ્રત્યે તમારા સમર્પણને નમન કરું છું. એક સાધુ કોઇ વ્યક્તિની પ્રતિષ્ઠા સમક્ષ નહીં, પરંતુ તેમની નિષ્ઠા સમક્ષ નમન કરે છે.
પૂજ્ય મોરારી બાપૂએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રતિષ્ઠિત સંતો અને સાધુઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું તથા સમકાલીન જીવનમાં આધ્યાત્મિકતાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો.
મહાભારતના ઉપદેશોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, કુરુક્ષેત્રની યુદ્ધ વચ્ચે પ્રભુ શ્રીકૃષ્ણ દ્વારા પ્રદાન કરાયેલી દિવ્ય દ્રષ્ટિ માત્ર અર્જૂન માટે જ નહીં, પરંતુ તમામ ભારતીય માટે હતી.
તેમણે સનાતન ધર્મના મૂળ અને સહિષ્ણુતા તથા સાદગી અને કરુણાના મૂલ્ય ઉપર વિચારો વ્યક્ત કર્યાં હતાં, જે ભારતીય સંસ્કૃતિનો આધાર છે.
બાપૂએ કહ્યું હતું કે, મારા જીવનના 79 વર્ષોમાં મેં જોયું છે કે મજબૂત હોવા છતાં સરળ રહેવું માત્ર સાધુઓની સંગતિથી જ સંભવ છે. તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું કે વેદોની ભૂમિમાં સંવેદના ધીમે-ધીમે ઘટી રહી છે.
પૂજ્ય મોરારી બાપૂએ રામકિંકરજી મહારાજ સાથેની તેમની યાદોને વાગોળી હતી. પૂજ્ય બાપૂને તેમને ઘણીવાર મળવાની તક મળી હતી.
તેમણે યાદ કર્યું હતું કે, મારા મતે રામકિંકરજી મહારાજનું પ્રથમ તત્વ વિશ્વાસ હતું, ત્યારબાદ વિચાર, રાજસીરૂપ, વિરાગ અને વિનોદ. તેઓ એક મહાન આત્મા હતાં.
પૂજ્ય બાપૂએ જાહેર કર્યું હતું કે, તેઓ રામકિંકરજી મહારાજની યાદમાં ચિત્રકૂટમાં રામકથા કરશે.
આ કાર્યક્રમમાં પૂજ્ય મોરારી બાપૂ અને મૈથિલીશરણ મહારાજે મહામંડલેશ્વર સંતોષદાસજી મહારાજ, સ્વામી શ્રવણાનંદજી મહારાજ અને લોકગાયિકા માલિની અવસ્થી સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવોને શ્રી રામકિંકર ભારત ભૂષણ સન્માન પ્રદાન કર્યું હતું. શ્રી રામકિંકર વિચાર મીશન દ્વારા પ્રદાન કરાતો આ પુરસ્કાર એવા વ્યક્તિઓને સન્માનિત કરે છે કે જેમણે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
મોરારી બાપુ 29 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન અયોધ્યામાં આયોજિત “યુગતુલસી મહારાજ શ્રી રામકિંકરજી શત જયંતિ મહા મહોત્સવ”માં સહભાગીઓમાં પણ સામેલ હતા.