Amdavad Post
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીય

મીડનાઇટ સન-ની ભૂમિ નોર્વે પર ક્ષમાયાત્રાનું સાતમું ડગલું માંડતા મોરારિબાપુ.

નોર્વેની કથા નોળવેલ છે:મોરારિબાપુ.

આપણી માતૃભાષા આપણી નોળવેલ છે”

અષાઢસ્ય પ્રથમ દિને કાલિદાસનું સ્મરણ થયું.

જ્યાં સુધી આપણી વાણી પરમ તત્વને અર્પણ કરીએ ત્યાં સુધી સરસ્વતી બેસતી નથી”

 બીજ પંક્તિઓ

મહામંત્ર જોઇ જપત મહેસૂ;

કાસીં મુકુતિ હેતુ ઉપદેસુ.

મંત્ર મહામનિ બિષય બ્યાલ કે;

મેટત કઠિન કુઅંક ભાલ કે.

ઘણા લાંબા સમય પછી વિદેશની ધરતી ઉપર બાપુનું આગમન થયું અને ‘મીડનાઇટ સન’-મધ્યરાત્રિનાં સૂર્યની ભૂમિ ગણાતી,યુરોપથી પણ ઉત્તરમાં, ઉત્તર ધ્રુવ પાસેની,બરફ આચ્છાદિત અને ખુશનુમાં વાતાવરણની ભૂમિ નોર્વેના ટ્રોમસો નગરથી રામકથાની શરૂઆત કરી.

બાપુએ કથાના મુખ્ય મનોરથીને યાદ કરી અને અહીંની ધરતીને પ્રણામ કર્યા.

બાપુએ આજે કથામાં ત્રણ વિશેષ વાતો કરી:પહેલી વાત જણાવતા બાપુએ કહ્યું કે કચ્છ(રવેચી)ની કથાથી કહેલું કે હવે એવી એક યાત્રા નીકળવી જોઈએ જેને ક્ષમાયાત્રા કહી શકીએ.કારણ કે આપણે આપણી જીવનયાત્રામાં ઘણા જ મહાપુરુષોના અપરાધ કર્યા છે.માત્ર ધર્મક્ષેત્ર જ નહીં પણ દરેક ક્ષેત્રના મહાપુરુષોના,જાણ્યે-અજાણ્યે બુદ્ધપુરુષોના અપરાધ આપણે કર્યા છે.એ માટે સાત કથાઓ કરવાની હતી એનું આ સાતમું પગલું છે. બાળકથી લઈને બ્રહ્મા સુધીનાનો આપણે અપરાધ કર્યો છે કારણ કે આપણે જીવ છીએ.તો એ અપરાધ ભાવથી મુક્ત થવાનું આ સાતમું કદમ નૉર્વેની ભૂમિ બની રહી છે.

કોઈએ પૂછેલું કે નોર્વેનો અર્થ શું થાય છે?બાપુએ કહ્યું કે અંગ્રેજી તો હું એટલું જાણતો નથી પણ તુલસીદાસજી સંસારને ભુજંગ કહે છે એ કહે છે કે આ સંસાર પ્રતિપળ ડંખ આપી રહ્યો છે અને તુલસીજી કહે છે કે હું નકુલ(નોળિયો)છું.સાપ જ્યારે ઝેરથી ભરેલો ડંખ આપે છે એ વખતે નોળિયો હારની કગાર ઉપર હોય છે ત્યારે એક વનસ્પતિ(નોળવેલને) સૂંઘી આવે છે અને ફરી પાછી એનામાં ઊર્જા ઉત્પન્ન થાય છે અને સાપથી લડી શકે છે.તો આ નોર્વેની કથા નોળવેલ છે.સંસાર આપણી સમજને આપણી પાસેથી છીનવી રહ્યો છે.માત્ર ધર્મ કે અધ્યાત્મ નહીં વિશ્વમંગલ માટે જેણે-જેણે કામ કર્યું છે એવા કોઈપણ મહાપુરુષનો અપરાધ ન થાય,આપણે ફરી સચેત થઈ જઈએ,સાવધાન થઈ જઈએ,જાગૃત થઈ જઈએ એ આ કથારૂપી નોળવેલનું કામ છે.

બાપુએ અહીંના મનોરથી પરિવાર તેમજ બધાને કહ્યું કે પ્રાર્થના કરું કે ઘરમાંનગુજરાતી બોલો.કારણ કે આપણી માતૃભાષા આપણી નોળવેલ છે. તુલસીદાસજી કહે છે:

ભવભુજંગ તુલસી નકુલ,ડસત જ્ઞાન હરી લેત, ચિત્રકૂટ એક ઔષધી.

તો આ એ રીતે પણ કથાને લેવાની છે.

બીજી વાત બાપુએ કહી કે આજે અષાઢનો પ્રથમ દિવસ છે ત્યારે મહાકવિ કાલિદાસનું સ્મરણ કરીએ. કારણ કે ભોળાભાઈ પટેલ પણ અષાઢનાં પ્રથમ દિવસે કાલિદાસનું સ્મરણ કરતા.કાલે રથયાત્રા અષાઢી બીજનો દિવસ છે.અષાઢ મહિનો પોતાની રીતે જ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે શ્લોકનો સ્વામી(કાલિદાસ)અને લોકનો સ્વામી (લોકકવિ) બંને અષાઢનું સ્મરણ કરે છે.કાલિદાસનું સ્મરણ કરતાં બાપુએ કહ્યું કે એના જીવન વિશે બે ત્રણ કથાઓ છે કોઈ કહે છે કે શરૂઆતમાં કાલિદાસ મહામૂર્ખ હતો કારણ કે જે વૃક્ષ ઉપર બેઠો હતો એ જ વૃક્ષની એ ડાળી કાપતો હતો! અને પછી બાપુએ કહ્યું કે આપણે પણ મહામુર્ખ છીએ કારણ કે જેના આશ્રયમાં આપણે વિકસ્યા છીએ એ ડાળીને આપણે કાપીએ છીએ અને એટલા માટે જ આ ક્ષમા યાત્રા છે.એ પછી કાલિદાસ મહાકાલીના શરણમાં જાય છે અને પોતાની જીભ કાલીના ચરણમાં અર્પણ કરે છે. મા પ્રગટ થાય છે અને સરસ્વતી પ્રદાન કરે છે બાપુએ કહ્યું કે એનો મતલબ હું એટલો જ કરું કે જ્યાં સુધી આપણી વાણી પરમ તત્વને અર્પણ ન કરીએ ત્યાં સુધી સરસ્વતી બેસતી નથી.આપણે કાલીને જીભ નથી દેતા,કાલી જ આપણને વાણી પ્રદાન કરે છે અને પરમના ગુણ ગાવા માટે પ્રેરે છે.

એ પછી કાલિદાસે ત્રણ મહાન ગ્રંથ-શાકુંતલમ, રઘુવંશ અને કુમારસંભવ-લખ્યા જેને લઘુત્રયિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અષાઢનો મહિનો પ્રગાઢ માસ છે. આ સગર્ભ મહિનો છે.બીજ મંત્રનો માસ છે.

બાપુએ કહ્યું કે ગુરુકૃપાથી એવો નિર્ણય આવ્યો કે આ કથાને મંત્રાષ્ટકના નામથી ગાવી.

સંસ્કૃત વાંગમયમા અષ્ટકનો ઘણો જ મહિમા છે. રામચરિતમાનસના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ આઠ પ્રકારના સાત્વિક મંત્ર દેખાય છે. આપણે ત્યાં એક મંત્ર વિજ્ઞાન છે,એક તંત્ર વિજ્ઞાન છે જેની આજકાલ બહુ જ ભરમાર છે અને એક યંત્ર વિજ્ઞાન પણ છે.તો અહીં મંત્ર માર્ગ છે એમાં પણ ઘણા પ્રકાર છે જેમ કે એક રામમંત્ર છે.રામચરિત માનસમાં શિવમંત્ર, દ્વાદશ મંત્ર,સાબરમંત્ર પણ છે. એક પરમલઘુ મંત્ર છે, એક બીજમંત્ર છે અને રામચરિત માનસ સ્વયં મહામંત્ર છે.

બાપુએ સાતેય કાંડ વિશે જણાવ્યું કે બાલકાંડ મંત્રાત્મક છે, બીજું સોપાન સત્યાત્મક,ત્રીજું સૂત્રાત્મક,ચોથું સોપાન સ્નેહાત્મક,પાંચમું સેવાત્મક છઠું સોપાન શાસ્ત્રાત્મ્ક અને સાતમું-ઉત્તરકાંડ સ્મરણાત્મક સોપાન છે એવું જણાવી અને કથા યાત્રાને આગળ વર્ણવી.

Related posts

અખંડ અને આખંડ રામકથાની સામે વૈકુંઠ પણ તુચ્છ છે

amdavadpost_editor

ડી’ડેકોરની કોન્શિયસ ફેબ્રિક બ્રાન્ડ સંસારે બ્રાન્ડ એમ્બેસેડર રણવીર સિંહ સાથે નવા દેશવ્યાપી ટીવીસીનું અનાવરણ કર્યું

amdavadpost_editor

ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે વસ્ત્રાપુરમાં તેની ચોથી બ્રાન્ચનો પ્રારંભ કર્યો

amdavadpost_editor

Leave a Comment