ગુજરાત, અમદાવાદ 17 જુલાઈ 2024: ઉગ્રવાદીઓ દ્વારા આજકાલમાં જમ્મુ વિસ્તારને ટાર્ગેટ બનાવી ભારતીય સુરક્ષાદળો પર હુમલાઓ કરવામાં આવે છે. ગઈકાલે એક વધુ ઘટનામાં કેપ્ટન સહીત પાંચ જવાનો શહીદ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ જવાનોની શહીદીને પ્રણામ કર્યા છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પચ્ચીસ હજાર લેખે રુપિયા ૧,૨૫,૦૦૦ નું તુલસીદલ સમર્પિત કર્યું છે. આર્મી વિભાગ પાસેથી વિગતો મેળવીને રકમ મોકલી આપવામાં આવશે.
દેશમાં આ વખતે ચોમાસું તોફાની બની રહ્યું હોય તેમ કેટલાય રાજ્યોમાં વિજળી પડવાથી અનેક લોકોનાં મોત નિપજયા છે. બિહારમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૧ લોકોનાં તેમજ યુપીમાં ૩૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે. વરસાદી આફતને કારણે માર્યા ગયેલાઓને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭,૯૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.