શાળા પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા સેવક અને સ્વચ્છતાકર્મીઓનું સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું
અમદાવાદ 30 ડિસેમ્બર 2024: સાબરમતી, ડી કેબીન વિસ્તારની પારસ વિદ્યાલય પ્રાથમિક શાળા, પરિમલ ઉચ્ચતર માધ્યમિક શાળા અને ઈલાઈટ પબ્લિક સ્કૂલનો 28 ડિસેમ્બર, શનિવારના રોજ એન્યુઅલ ડે યોજાયો. આ વર્ષે એન્યુઅલ ડેની થીમ “વસુધૈવ કુટુંબકમ” (વિશ્વ એક પરિવાર) રાખવામાં આવી હતી.
ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓએ ડાન્સ સિક્વન્સથી લઈને મ્યુઝિકલ પરફોર્મન્સ અને નાટકોના પર્ફોર્મન્સના દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી. દરેક પરફોર્મન્સને ઓડિયન્સ તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં પેરેન્ટ્સ, શિક્ષકો અને મહાનુભાવોનો સમાવેશ થતો હતો.
ધોરણ-10 અને 12 માં શ્રેષ્ઠ ટકાવારી લાવનાર તેજસ્વી તારલાઓને 51,000 રૂપિયાની પ્રોત્સાહક રાશિ આપીને નવાજવામાં આવ્યા હતા.
શાળા પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા સેવક અને સ્વચ્છતા કર્મીઓનું સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સેવક અને સ્વચ્છતાકર્મીઓનું સન્માન કરાતાં ઉપસ્થિત સૌ કોઈની આંખમાં સામાજિક સમરસતાનાં દર્શન થઈ રહ્યાં હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માતા-પિતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, બાળકોની અંદર ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવારની ભાવના જાગૃત કરવી જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોથી બાળકોને માહિતગાર કરવા જોઈએ. રામાયણ, મહાભારત સહિતનાં ગ્રંથો અને તેનાં પાત્રો વિશે વિશએષ સમજ આપવી જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકોને ભારતની સંસ્કૃતિ શું છે ? ભગવાન રામ કોણ હતા ? મહાભારત કેમ રચાયું ? રામાયણ કેમ રચાયું ? આ સાચી વાસ્તવિક આજના બાળકોને સંસ્કાર રૂપે નહીં આપીએ તો કદાચ આવનારા દિવસોમાં બાળકો પરિવારની સાચી વ્યાખ્યા ભૂલી જશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ જ્યારે અખંડ ભારતની કલ્પના કરતા હોય ત્યારે આપણે સૌએ સાથે મળીને આ અખંડ ભારતના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
પારસ, પરિમલ અને ઈલાઈટ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ચિરાગ શાહે જણાવ્યું હતું કે, “એન્યુઅલ ડે ની ઉજવણીના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી તેમની આંતરિક પ્રતિભા બહાર આવે છે. વિદ્યાર્થીઓ ટીમ વર્ક, શિસ્ત અને આત્મવિશ્વાસ વિશે મૂલ્યવાન પાઠ શીખે છે. અમે દરેક વ્યક્તિની ઉત્સાહપૂર્વક સહભાગિતા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”
આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર પારસ પાંધી દ્વારા મુખ્ય વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું, તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યુ હતું.
આ પ્રસંગે ગુજરાતના સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી, વાલીઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.