છેલ્લા થોડા દિવસોમાં આપણે સૌ જે અકલ્પનીય ઘટનાના સાક્ષી બન્યા છીએ એ અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતને મોટે પાયાનું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ કાર્યરત થઇ હતી જેને પગલે અણધાર્યા ભારે વરસાદને લીધે અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે તો જાનમાલને પણ બહુ જ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ૨૮ જેટલા મૃત્યુ આ અતિવૃષ્ટિને કારણે થયા છે અને ત્રિપુરામાં પણ છ જેટલા મૃત્યુ થયા છે. એ ઉપરાંત ખેતીવાડી તેમજ લોકોનાંમકાનોને પણ મોટું નુક્સાન થયું છે.
પૂજ્ય બાપુએ આ તાજેતરની અતિવૃષ્ટિમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને હનુમાનજીની સંવેદના રુપે રુપિયા ૧૧ લાખનું તુલસીદલ સમર્પિત કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પૂર્વ ભારતના ત્રિપુરામાં અતિવૃષ્ટિ પુર અને જમીન ધસી પડવાના કારણે ૨૨ લોકોના મૃત્યુ થયા હતા એમને પણ પૂજ્ય બાપુએ પ્રત્યેકને રૂપિયા ૧૫૦૦૦ લેખે સહાયતા રાશિ અર્પણ કરેલ છે. ભારે વરસાદના કારણે જેમણે પોતાના જાન ગુમાવ્યા છે તેમના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે.