ગુરુ તસવીર નથી આપણું તકદીર છે.
આપણું ભાગ્ય આપણો ગુરુ છે.
કૃષ્ણ જેવો પૂર્ણ સાધુ કોઈ નથી.
સાધુઓનું પરિત્રાણ પૂર્ણસાધુ સિવાય કોઈ કરી શકતું નથી.
માર્બેલા-સ્પેનની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે આરંભે થોડાક પ્રશ્નો હતા.પૂછાયું કે અહલ્યાનો ઉદ્ધાર થયો પછી શીલા ક્યાં ગઈ? જો કે કેવટ સંકેત કરે છે કે પ્રભુના ચરણની રજનો સ્પર્શ થઈ અને શીલા નારી બની ગઈ. શીલામાંથી અહલ્યા પ્રગટ થઈ.પરંતુ એક તર્ક એવો છે કે જેમ રામ કૌશલ્યાના ભવનમાં પ્રગટ થયા,અયોધ્યામાં પ્રગટ થયા તો અયોધ્યા પણ છે,કૌશલ્યાનું ભવન પણ છે. બાપુએ કહ્યું કે ઘણા જ વર્ષો પહેલાંની કથામાં આ વિશેની ચર્ચા થઈ હતી.આ બધી વાતો ગુરુમુખી છે. ગુરુ તસવીર નથી આપણી તકદીર છે.આપણું ભાગ્ય આપણો ગુરુ છે.
શીલા તૂટી અને અહલ્યા થઈ એ વખતે રામ અને લક્ષ્મણ ચર્ચા કરે છે.વિશ્વામિત્ર મૌન ઊભા છે.એ એવું કહે છે કે વર્ષો પછી,યુગો પછી નાસમજ લોકો નિંદા કરશે કે આ પ્રકારની અહલ્યા હતી એના કરતાં એ મુદ્દો જ ન રહેવા દઈએ.લક્ષ્મણ તર્ક કરે છે કે ઇન્દ્ર પાસે વજ્ર માગીએ અને વજ્રનો પ્રયોગ કરીને શીલાના ચુરે ચુરા થઈ જાય.ત્યારે રામ કહે છે ઈન્દ્રને કારણે જ અહલ્યા ચટ્ટાન થઈ છે હવે એની પાસે વજ્ર માગવું સારું નહીં.વિશ્વામિત્રએ સંકેત કર્યો કે તમારી તો ચરણ કમલ રજની વાત હતી તો પગ શું કામ રાખ્યો! ત્યારે રામે કહ્યું કે મારા ચરણમાં વજ્રનું ચિન્હ છે.અને એક વખત નાનો હતો ત્યારે મા સતત મારું ચિન્હ જોતી ને કૌશલ્યાએ કીધું હતું કે કોઈ નારી અતિશય મુશ્કેલીમાં હોય કોઈ કારણોસર એ જડ બની ગઈ હોય તો તારા આ વજ્રનો ઉપયોગ કરી અને એની જડતાને ચૂર-ચૂર કરી દેજે.
ભગવાન કૃષ્ણને આપણે સાધુ કહી શકીએ?
બાપુએ કહ્યું કે મારી વ્યક્તિગત માન્યતા,કૃષ્ણ જેવો પૂર્ણ સાધુ કોઈ નથી.એ જગત ગુરુ છે.પૂર્ણ પુરુષોત્તમ છે,પૂર્ણ અવતાર છે.પણ સાધુઓનું પરિત્રાણ પૂર્ણ સાધુ સિવાય કોઈ કરી શકતું નથી. પરમાત્માની સગુણ લીલાનો જે અનુરાગી છે તે અતિભડભાગી છે અને રાજનીતિથી પણ વધારે રાષ્ટ્ર પ્રીતિ હોય એ બડભાગી છે.
બાપુએ આ તકે જણાવ્યું કે બીજી ઓક્ટોબર આવી રહી છે ત્યારે સ્વચ્છતાની સાથે-સાથે વૃક્ષો અને વૃદ્ધોની સેવામાં પણ લાગી જજો.
આજે આચાર્યની સ્મૃતિ માટેનું સૂત્ર: બાપુએ કહ્યું કે કોણ-કોણ આચાર્ય થયા કોણ આચાર્ય છે અને ભવિષ્યમાં આચાર્ય થશે એ બધાની સ્મૃતિ સાથે એને યાદ કરીએ.
દેવકાળમાં શુક્રાચાર્ય-જે દૈત્યઓના આચાર્ય હતા. શ્રીમદ ભાગવતમાં કપિલ મુનિ આચાર્ય છે. શુકદેવજીને શુકાચાર્ય પણ કહે છે.કાળ બદલતો ગયો એ પછી શંકરાચાર્ય,માધવાચાર્ય,નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય,રામાનંદાચાર્ય,રામાનુજાચાર્યની આખી પરંપરા આવી.એ પછી પ્રજ્ઞાવાન પુરુષ વિનોબાજીને પણ આપણે આચાર્ય કહીએ છીએ.ઓશો આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા.અને રાજકીય ક્ષેત્રમાં આચાર્ય કૃપલાણી થયા.બાપુએ પોતાના આચાર્યને પણ યાદ કર્યા અને સોલાપુરમાં મહર્ષિ રમણના ભગતનો સત્સંગ વાર્તાલાપના એક પુસ્તકમાં આચાર્યના ૧૦ લક્ષણો બતાવ્યા છે એ બાપુએ આજે કહ્યા.
Box
કથા વિશેષ:
આચાર્યના દસ લક્ષણો,જે રમણ મહર્ષિ સાથેના વાર્તાલાપમાંથી મળેલા છે.
જે વ્યક્તિ પહેલા પોતાના જીવનમાં આચરણ કરે અને પછી અન્યને આચરણ કરાવે એ આચાર્ય છે.
જે આળસથી મુક્ત છે એ આચાર્ય છે.
જે આદર મળે એવી કોઈ અપેક્ષા ન રાખે એ આચાર્ય છે.
જે આપણા આપાતના વખતમાં,આપદામાં આવીને ઉભો રહે એ આચાર્ય છે.
જે આકંઠ હરિરસ પીતો હોય એ આચાર્ય છે. જેનામાં કંઈક આવિર્ભાવ થાય છે એ આચાર્ય છે.
જે આપણું આવરણ હટાવી દે એ આચાર્ય છે.
જે આત્મબોધ કરાવે છે એ આચાર્ય છે.
આત્માલીંગન આપે એ આચાર્ય છે.
જે આત્મસાત કરાવે છે એ આચાર્ય છે.