એકાંત આશીર્વાદક પણ છે,એકાંત ખતરનાક પણ હોય છે.
“એક વખત સમગ્ર વિશ્વને માનસની આલોચનાને બદલે માનસની આરતી ઉતારવી પડશે.”
દરેક અભિલાષા ખુબસુરત બંધન છે.
માની કૂખ પણ ગુફા છે અને અંત સમયે સમાધિનું સુખ પણ ગુફા છે.
મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ પાસેની ઇલોરા ગુફા પાસે ચાલી રહેલી રામકથા છઠ્ઠા દિવસમાં પ્રવેશી.અહીંની પ્રગટ-અપ્રગટ ચેતનાઓને પ્રણામ કરીને બાપુએ ચિતની ગુફા-જ્યાં પરમ વિષ્ણુ લક્ષ્મણની સાથે ચાતુર્માસ કરી રહ્યા છે-એ વિશે કહ્યું કે ચિત્તનું એકાગ્ર થવું એને પતંજલિ યોગ કહે છે.ચિત્તવૃત્તિ નિરોધ એ યોગ છે.અને આ ગુફામાં વિયોગ પણ છે. અહીં ‘પ્રિયાહીન’ શબ્દ રામના મુખમાંથી નીકળ્યા છે. પ્રેમની ગુફા-નિકુંજમાં રાધાકૃષ્ણનો સંયોગ છે એ પછી વિયોગ નથી.પણ નિકુંજવિહારિણી રાધાજી જ્યારે કૃષ્ણ ત્યાંથી ચાલ્યા જાય છે એ વખતે વિયોગમાં રહ્યા છે.એ પછી વૃંદાવન,યમુના એ જ બધા વૃક્ષો ડાળીઓ વિયોગમાં ઝૂરે છે.
સાધનામાં ચિત્તનો ખૂબ મોટો મહિમા છે,આટલી મનને પ્રધાનતા મળતી નથી.ચિત્તમાં આસક્તિ પણ છે અને વિરક્તિ પણ છે.કારણ કે એકાંત છે એકાંતનો દુરુપયોગ પણ થઈ જાય.એકાંત આશીર્વાદ પણ બને છે,એકાંત ખતરનાક પણ હોય છે.આ બધી જ ગુફાઓને માત્ર ભૌતિક રૂપે ન જોતા વૈચારિક રૂપે પણ જોજો.ભજનકારોએ-ભજનીકોએ ચિતની વાત કહી છે ત્યાં મન કે બુદ્ધિની વાત નથી. ગંગાસતી પણ ચિત્ત વિશે કહે છે.
બાપુએ કહ્યું કે એક વખત સમગ્ર વિશ્વને માનસની આલોચનાને બદલે માનસની આરતી ઉતારવી પડશે. મને અહીંથી એવું દેખાય છે.સાથે એ પણ જણાવ્યું કે જીવનયાત્રા એ રેલવેની યાત્રા જેવી છે.ઘણા જ સ્ટેશન આવશે.દુઃખના,સુખના,અનેક પ્રકારના;પણ એ બધાને જોઈ લેવાના,ત્યાં રોકાશો નહીં કારણ કે ઘણું જ આગળ જવાનું છે.
દરેક અભિલાષા ખુબસુરત બંધન છે અને અભિલાષા શૂન્ય થઈ જાય તો જ્યાં બેઠા એ જ આપણું લક્ષ્ય બની જાય.બાપુએ કહ્યું કે માત્ર શાસ્ત્રો વાંચી લેવા કે શબ્દ ભંડોળ એકઠું કરી લેવું એ જ તંદુરસ્તી નથી.ભગવાન શિવ અને પોતાના બુદ્ધપુરુષની નિંદા કરનાર દેડકો બને છે
હર ગુરુ નિંદક દાદુર હોય…
શરણાનંદજી મહારાજનું એક સૂત્ર:જેમાં એ કહે છે કે અન્યાય સહન કરી લેવો એ ભક્તની દ્રષ્ટિએ તપ છે પણ ન્યાયની દ્રષ્ટિએ નિંદનીય છે.બાપુએ કહ્યું કે શરણાનંદજી મહારાજને પ્રણામ કરીને કહું કે હું અન્યાય પણ સહન કરું છું અને એ જ મારા માટે તપ છે.માની કૂખ પણ ગુફા છે અને અંત સમયે સમાધિનું સુખ પણ ગુફા છે.
ઉત્તમ પુરુષનું પરિવર્તન જ્ઞાનથી થાય છે,મધ્યમનું પરિવર્તન લાલચથી થાય છે અને નિકૃષ્ટનું પરિવર્તન ભયથી થાય છે.એવું પણ શરણાનંદજી મહારાજ કહે છે.
બાપુએ કહ્યું કે ક્યારેય વિચાર્યું છે કે કામનું નિવાસસ્થાન કયું છે?તેનું ઘરાનું શોધ્યા વગર એના પર પ્રહાર કરતા રહ્યા છીએ.લોભ ક્યાં રહે છે? ક્રોધ ક્યાં રહે છે?ગોસ્વામીજીએ કામનું નિવાસસ્થાન હૃદય બતાવ્યું છે.મનથી તો કામ પ્રગટ થાય છે પણ નિવાસ હૃદય છે,અને આપણે એને બીજી જ જગ્યાએ પીટીએ છીએ.કામ જ્યાં બેઠો છે ત્યાં જ રામ બેઠા છે,જો રામ દેખાય તો કામ દેખાતો નથી. આયુર્વેદ કહે છે કે કફ શરીરમાં સૌથી વધારે કંઠમાં હોય છે એટલે લોભ એ કંઠમાં રહે છે અને ક્રોધ બુદ્ધિમાં રહે છે.
ચિત્તમાં વિરકતી પણ છે,આસક્તિ પણ છે.
ચિતની ગુફામાં વ્યથા પણ છે,કથા પણ છે.ચિત્ત ખૂબ સંગ્રહિત કરે છે.ચિત્તના દ્વૈતથી મુક્તિ ચિત્ત ખતમ થાય ત્યારે જ થાય છે.એટલે શંકરાચાર્ય કહે છે કે વિષયમાંથી નહીં વિષયના વિલાસમાંથી મુક્તિ એ ચિત્તની મુક્તિ છે.
કથાપ્રવાહમાં રામ જન્મ બાદ અયોધ્યામાં એક મહિનાનો દિવસ થયો.એ પછી નામકરણ સંસ્કાર, જનોઈ ઉપવિત સંસ્કાર અને વિદ્યાસંસ્કાર બાદ વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને લેવા આવે છે અને એ લઈને જતા રસ્તામાં તાડકાનો વધ કરી અને રામ લક્ષ્મણ જનકપુરમાં પ્રવેશ કરે છે.
Box
કથા વિશેષ:
મળેલા વળતર કરતા ઓછી સેવા આપીએ તો બીજો જનમ ગધેડાનો મળે છે.
અવંતી નગરી,જ્યાં રાજા ભરથરી-મધ્યપ્રદેશમાં થયા મછંદરનાથની પરંપરામાં થયા અને એણે-ભતૃહરિએ ગુફામાં બેસી અને બે ગ્રંથ લખ્યા:એક શૃંગારશતક અને બીજો વૈરાગ્ય શતક.
અવંતિકા નગરીમાં ક્ષીપ્રા નદીના તટ ઉપર એક ખૂબ ભણેલ હોશિયાર પંડિત રહેતો હતો અને સામે કિનારે નગરસેવક રહેતો હતો.પંડિત નગર સેવકને જ્ઞાન આપવા માટે રોજ નૌકામાં બેસીને જતો હતો અને નગરસેવક એના બદલામાં એને દક્ષિણા પણ આપતો હતો.એક દિવસ એવું થયું કે ક્ષિપ્રા નદી પાર કરી રહ્યો હતો અને એક મગરે મોઢું કાઢીને કહ્યું કે સ્વામીજી હું પણ ઉંમરલાયક છું મને પણ થોડુંક જ્ઞાન આપો!શેઠજી જે રીતે દક્ષિણા આપે છે હું પણ આપીશ અને પોતાના મોઢામાંથી હીરો કાઢીને આપ્યો અને કહ્યું કે આ રીતે રોજ આવજો અને રોજ થોડું થોડું જ્ઞાન આપજો.અને એ નદીમાંથી હીરા-મોતી એવું દેવા માંડ્યો.એક મહિનો થઈ ગયો અને એ મગરે કહ્યું કે હવે મને તમે ત્રિવેણી લઈ જાવ. દક્ષિણામાં હું તમને બધું જ આપું છું.આટલું કહી અને મગર પંડિતની સામે જોઈ અને હસ્યો.પંડિતને શંકા થઈ .મગરને પૂછ્યું કે તારા હસવાની પાછળનું રાઝ શું છે?ત્યારે મગરે કહ્યું કે આનું રાઝ મનોહર ધોબીનો ગધેડો બતાવશે,એને પૂછો.પંડિત કહે હું બીજા સાથે વાત કઈ રીતે કરું અને એ પણ ગધેડા સાથે?પણ પંડિત મનોહર ધોબી પાસે ગયો ત્યાં ગધેડો ઊભો હતો.એ ગધેડો બોલ્યો કે તમને મગરે મોકલ્યા છે ને! મારી પણ ઉંમર થઈ છે મને પણ થોડુંક જ્ઞાન આપો.અને પછી કહ્યું કે ગત જન્મમાં હું સમ્રાટનો વજીર હતો.સમ્રાટે મને એટલું બધું આપ્યું પણ જેટલું આપ્યું એના જેટલી મેં એને સેવા ન આપી.જેને કારણે બીજા જન્મમાં અવંતિકાનો ગધેડો બન્યો છું.
આમ કહીને બાપુએ રાજેન્દ્ર શુક્લનો શેર:
ના કોઈ બારું ના કોઈ બંદર ચેતમછંદર!
આપે તરવો આપ સમંદર ચેતમછંદર!