ભ્રમનાં વિચારોથી ઘેરાયેલા જગતનું નિર્વાણ બ્રહ્મવિચાર જ કરી શકે.
“વિદ્વત્તા,વિનમ્રતા અને વિતરાગ ભરી ફકીરીથી આપણને અમીર કરવા ૮૦મા વરસે પણ સતત વિચરણ કરતા બાપુનાં ચરણોમાં બેસવાનું સૌભાગ્ય જ બેસતું વરસ”:સ્વામી ચિદાનંદ સરસ્વતી
“અમારી બે ધારા-વિશ્વાસની અને વિચારની;એની વચ્ચે આ વિરાગની ધારા વહી રહી છે.”
નિકૃષ્ટનો ત્યાગ જ નહીં,શ્રેષ્ઠને પકડવું પણ વૈરાગ્ય છે.
કથાબીજ પંક્તિ:
બ્રહ્મ જો નિગમ નેતિ કહિ ગાવા;
ઊભય બેષ ધરિ કી સોઇ આવા
ઇન્હહિ બિલોકત અતિ અનુરાગા;
બરબસ બ્રહ્મ સુખહિ મન ત્યાગા.
ધરમ રાજનય બ્રહ્મ વિચારુ;
ઇહાં જથામતિ મોર પ્રચારુ.
હિમાલયની પવિત્ર ધરતી,મા ગંગાનાં પાવન તટ પર દેવભૂમિ,તપોભૂમિ ઋષિકેશ ખાતેનાં ગંગા રીસોર્ટ પાસે ‘મુનિકી રેતી’ સ્થળ પર,સપ્તર્ષિઓની તપભૂમિમાં એક જ પરિવારની સેવન સિસ્ટર્સનાં મનોરથથી યોજાયેલી,વિક્રમ સંવતનાં નવા વરસની પહેલી,ક્રમમાં ૯૪૬મી રામકથાનાં આરંભે પરમાર્થ નિકેતનનાં સ્વામીશ્રી ચિદાનંદજી તેમજ ઉતરાખંડ-ઋષિકેશનાં વિધાયકો,વિવિધ મંત્રાલયો તથા ખાસ મહેમાન પ્રેમચંદ અગ્રવાલે પણ પોતાનાં મંગલ ભાવ રાખ્યા.
સ્વામી ચિદાનંદજીએ કહ્યું કે છઠ પૂજાનો મહા ઉત્સવ,બાપુનાં ચરણોમાં બેસવાનું સૌભાગ્ય જ બેસતું વરસ,બાપુની વિદ્વત્તા,વિનમ્રતા અને વિતરાગ ભરી ફકીરી આપણને અમીર કરવા ૮૦મા વરસે પણ સતત વિચરણ કરી રહી છે.
તમામ પાવન ધારાઓને વંદન કરી અને બાપુએ કહ્યું કે સ્વામીજીમાં ફાટ-ફાટ સદભાવ ભરેલો છે.બંદઉં તવ પદ બારહિ બારા.. રાજપીઠના. સભ્યોએ વ્યાસપીઠને આદર આપ્યો,ઉપરાંત આ સાત બહેનો જેણે પોતાની બચતમાંથી મનોરથ કર્યો.કથા ચિત્રકૂટમાં થવાની હતી અને પોતાના ભાવ પ્રવાહથી ખેંચીને ઋષિકેશ લઈ આવી,ધનને ધન્ય કર્યું એને પણ પ્રણામ.બાપુએ કહ્યું કે આપણામાં દીકરીઓને પ્રણામ નથી કરતા,આજે તમારો બાપ તમને નમન કરી રહ્યો છે.
ગંગા શિવની જટાથી નીકળી અને સાત ધારાઓમાં વિખેરાઈ ગઈ,સાત ઋષિઓનું તપ અહીં સાત બહેનો સાત સોપાનોવાળી ગંગાને ખેંચી લાવી.પિન્કી અને રૂપેશની ટીમનું તપ પણ જોડાયેલું છે બધા જ માટે બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી અને દિવાળીથી છઠ પૂજા સુધીના તહેવારોની ખૂબ જ વધાઈ આપી. બાપુએ કહ્યું કે છેલ્લી કથા મારા દાદાની સ્મૃતિમાં,જેને હું વિશ્વાસ સ્વરૂપ માનું છું-એ કરેલી. અહીં બ્રહ્મલીન મહામંડલેશ્વર અનંત શ્રીવિભૂષિત વિષ્ણુ દેવાનંદગિરિજીની સ્મૃતિમાં કથા કરું છું.બે દાદાઓની વચ્ચે દીકરો બેઠો છે.ઉપરાંત શંકરદાદા અને હનુમાનદાદાઓની ગોદમાં ગાવાનો અવસર છે. અમારી બે ધારા-વિશ્વાસની અને વિચારની-એની વચ્ચે આ વિરાગની ધારા છે.હું ત્યાગી નથી ગૃહસ્થ છીએ.પણ એ સાધુકૂળથી આવીએ છીએ જેને વૈરાગી સાધુ કહે છે.
સમર્થ ભાગવતકાર નરેન્દ્ર દાદાએ કહેલું કે વૈરાગ્ય એટલે નિકૃષ્ટને છોડી દેવું એટલું જ નહીં પણ જે શ્રેષ્ઠ છે શુભ છે એને પકડવું પણ વૈરાગ છે.શ્રેષ્ઠ રામ છે,રામકથા છે,રામનામ છે.
મેં કોઈ ત્યાગ નથી કર્યો પણ હું અનેક જન્મોથી જે ભૂલી ગયો હતો એને ફરીથી પકડી રહ્યો છું.લાભને ગ્રહણ કરવો એ વૈરાગ્ય નથી.
અહીં દાદાના બ્રહ્મવિચાર પર સંવાદ કરીશું. સંશય,સંદેહ,મોહ અને ભ્રમથી જગત ઘેરાયેલું છે.
ભ્રમનાં વિચારોથી ઘેરાયેલા જગતનું નિર્વાણ બ્રહ્મવિચાર જ કરી શકે.
અહીં ત્રણ પંક્તિ ઉઠાવેલી છે.કેન્દ્રમાં મહારાજા જનક છે.જેના કેન્દ્રમાં બ્રહ્મવિચાર પડેલા છે.બે પંક્તિ બાલકાંડમાંથી અને એક પંક્તિ અયોધ્યાકાંડના ચિત્રકૂટમાંથી લીધેલી છે.
રામચરિત માનસ વિચારવંત ગ્રંથ છે.બ્રહ્મવિચાર, વેદાંત વિચાર,વિવેક વિચાર ઉપરાંત વિષાદવિચાર પણ અહીં છે.વિરાગ,વિરોધ,વિયોગ,વિલાસ અને વિશ્રામ વિચારો પણ અહીંથી મળે છે.
રામકથાનાં માહાત્મ્ય,વંદના પ્રકરણનાં સાત મંત્રોનું ગાન થયું.સાતનાં અંકનું વિવિધ રીતે વિવરણ થયું.પંચદેવોની વંદના,ગુરવંદનાનાં ગાન બાદ હનુમંત વંદના પર કથાને વિરામ અપાયો.
Box
કથા વિશેષ:
સાત કાંડ બ્રહ્મવિચારોથી ભરેલા છે.
બાલકાંડમાં વિવેક વિચાર છે.
અયોધ્યાકાંડમાં વિષાદ વિચાર છે.
અરણ્યકાંડમાં વિરાગ વિચાર છે.
કિષ્કિંધાકાંડમાં વિરોધ વિચાર છે.
સુંદરકાંડમાં વિયોગ વિચાર છે.
લંકાકાંડમાં વિલાસ વિચાર છે.
ઉત્તરકાંડમાં વિશ્રામ વિચાર છે.
આ કાંડ આપણા જીવનખંડ છે,વારાફરતી આ ખંડ જીવનમાં આવે છે.