ગુજરાત, અમદાવાદ ૦૭ ફેબ્રુઆરી ૨૦૨૫: મહા કુંભ મેળાની મુલાકાત દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે તેમના પુત્રના લગ્ન “સાદગી અને પરંપરાગત રીતે” કરવામાં આવશે. ગૌતમ અદાણીએ માત્ર લગ્ન પ્રસંગ ને સાદો રાખ્યો એટલું જ નહીં સમાજ સેવા માટે 10,000 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું. તેમના પુત્રના લગ્ન પ્રસંગે તેમણે સમાજના કલ્યાણ માટે આ અનોખી ભેટ આપી છે.
ગૌતમ અદાણીનું આ દાન અને દાનની તેમની ફિલસૂફી પર આધારિત છે “સેવા એ સાધના છે, સેવા એ પ્રાર્થના છે અને સેવા એ ભગવાન છે”. તેમના દાનનો મોટો હિસ્સો સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ખર્ચવામાં આવશે. આ પહેલ સમાજના તમામ વર્ગોને પરવડે તેવી વિશ્વ-કક્ષાની હોસ્પિટલો, મેડિકલ કોલેજો, ઉચ્ચ-સ્તરની K-12 શાળાઓ અને વૈશ્વિક કૌશલ્ય અકાદમીઓના નેટવર્કની ખાતરીપૂર્વકની રોજગારી સાથે ઍક્સેસ પ્રદાન કરશે.
તેમના નાના પુત્ર જીતના લગ્ન પ્રસંગે, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક સંદેશમાં તેમની પુત્રવધૂને “દીકરી દિવા” તરીકે સંબોધિત કરી હતી. તેમણે લખ્યું, “સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદથી, જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. લગ્ન આજે અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને શુભકામનાઓ સાથે પ્રિયજનો વચ્ચે થયા હતા. આ એક નાનો અને ખૂબ જ ખાનગી સમારંભ હતો, તેથી અમે ઈચ્છતા હોવા છતાં તમામ શુભેચ્છકોને આમંત્રિત કરી શક્યા નહીં, જેના માટે હું ક્ષમા માંગુ છું. હું મારી પુત્રી દિવા અને જીત માટે તમારા બધા તરફથી પ્રેમ અને આશીર્વાદની ઇચ્છા રાખું છું.
લગ્ન આજે બપોરે અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ સ્થિત બેલ્વેડેર ક્લબ ખાતે યોજાયા હતા, જ્યાં જીત અદાણી અને હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી દિવા લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન સંપૂર્ણપણે પરંપરાગત રીતે કરવામાં આવ્યા હતા. સામાન્ય ધાર્મિક વિધિઓ અને પરંપરાગત ગુજરાતી ઉજવણીઓમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા. રાજનેતાઓ, મોટા ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ, નોકરિયાતો અને અન્ય કોઈ અગ્રણી વ્યક્તિઓએ લગ્નમાં હાજરી આપી ન હતી.
જીત અદાણી હાલમાં અદાણી એરપોર્ટના ડાયરેક્ટર છે અને છ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન તેમજ નવી મુંબઈમાં બની રહેલા સાતમા એરપોર્ટની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ અને એપ્લાઇડ સાયન્સમાં અભ્યાસ કર્યો છે.