Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સનાતન ધર્મએ સાક્ષાત વિગ્રહ ધારણ કર્યો એ કૃષ્ણાવતાર છે.

ભગવાન કૃષ્ણનો સમગ્ર અવતાર આઠ સત્ય સાથે જોડાયેલો છે.

કૃષ્ણ પૂર્ણ-પરિપૂર્ણ-સંપૂર્ણ છે.

આજે મૂળ ધર્મને ચાતરીને છજ્ઞધર્મ આવી ગયા છે,ધર્મ સાથે,ધર્મના નામે જ છળ થઈ રહ્યું છે.

દ્વારિકાધિશ ભગવાન શ્રીકૃષ્ણનું એક સ્વરૂપ જ્યાં સ્થાપિત છે એવી દક્ષિણ ભારતની ઐતિહાસિક નગરી ઉડુપીમાં ચાલી રહેલી રામકથા બુધવારે બીજા દિવસમાં પ્રવેશી.

બે-ત્રણ પ્રશ્નથી કથાની શરૂઆત કરતા જણાવ્યું કૃષ્ણ અવતારનાં કારણો કયા છે?વક્તા,ચિંતક, સર્જક,સાધુ દ્વારા કૃષ્ણ કથાની પ્રસ્તુતિ કેવી થવી જોઈએ અને ભગવાન કૃષ્ણ અષ્ટમી શું કામ પસંદ કરે છે?

માનસનાં આધારે કોઈ આ જ કારણ છે એવું ન કહી શકાય.ઈશ્વર કાર્ય-કારણથી પર છે,એ મનુષ્યને લાગુ પડે છે,છતાં પણ કારણ દેવા પડે છે.

ગીતા અને માનસમાં પાંચ કારણ કહ્યા છે.યદા-યદા હી ધર્મસ્ય-મંત્ર પ્રમાણે ધર્મની ગ્લાનિ,ધર્મનો અભ્યુદય થાય ત્યારે આત્મરૂપે કૃષ્ણ પ્રગટ થાય સાધુઓનું પરિત્રાણ,દુષ્કૃત્યોનો વિનાશ અને ધર્મનું સ્થાપન કરવા પરમાત્મા રૂપે કૃષ્ણ પ્રગટ થાય છે. પરમાત્મા આઠ વસ્તુ માટે આવે છે.એમાં પાંચ કારણો મુખ્ય છે અન્ય ત્રણ પણ છે.

ભગવાન કૃષ્ણનો સમગ્ર અવતાર ૮-સત્ય સાથે જોડાયેલો છે.બ્રહ્મવૈવર્ત પુરાણ,મહાભારત,શ્રીમદ ભાગવત,ગર્ગસહિતા,શ્રુતિ-વેદ,પદ્મપુરા આ બધા ગ્રંથોનો સંદર્ભ લઇ કોઈ સાધુ સંગ્રહ કરે તો કૃષ્ણ ૮-સાથે જોડાયેલા દેખાશે.

દશાવતારમાં આઠમો અવતાર પસંદ કર્યો. મહાભારત અનુસાર શ્રીકૃષ્ણે અષ્ટમૂર્તિ શિવની સાધના કરી છે.આટલો મોટો સમન્વય કર્યો છે.કૃષ્ણ પૂર્ણ-પરિપૂર્ણ-સંપૂર્ણ છે.અષ્ટધા પ્રકૃતિનો માલિક છે. લીલામાં રૂપ ધારણ કરીને આવ્યો ત્યારે આઠ પટરાણીઓને પસંદ કરી.આચાર્યોએ કૃષ્ણને અષ્ટક દ્વારા મોટાભાગે ગાયો છે:મધુરાષ્ટક,કૃષ્ણાષ્ટક, ગોવિંદાષ્ટક વગેરેમાં.

કૃષ્ણ શિવ ઉપાસક છે,પૂર્ણ છે એટલે સમર્થ છે.

પણ એક વૈષ્ણવી સ્થાનમાં કથા કરવા ગયા ત્યારે એનાં તમામે સ્વાગત કર્યું પણ મૂળ પુરુષે સ્વાગત પણ ન કર્યું!સામે જોયું પણ નહીં અને એવું જણાવ્યું કે વૈષ્ણવી કથા એ નથી સાંભળતા!-આવું થાય એ ધર્મની ગ્લાનિ છે,ત્યારે ધર્મ રોવે છે,આક્રંદ કરે છે.સ્વયં પરમાત્મા કૃષ્ણ શિવની ઉપાસના કરે છે. અને કૃષ્ણ પ્રગટ થાય ત્યારે શિવ વૈરાગીનાં રૂપમાં દર્શન કરવા ગોકુળ જાય છે.શિવ કૃષ્ણને આઠ વરદાન આપે છે,પાર્વતી પણ એ જોઈને આઠ વરદાન આપે છે પણ સંકીર્ણતાને કારણે આવા મહાન પ્રસંગો જગત સામે ખોલાયા નથી.સંકીર્ણ માણસોને ડર ખૂબ લાગે છે.કૃષ્ણ શિવને કહે છે તમે બંનેએ આઠ-આઠ વરદાન આપ્યા.હું પણ આપની પાસે આઠ વરદાન માંગવા ઇચ્છું છું.એક છે:મારાથી મારા મા-બાપ કાયમ પ્રસન્ન રહે.જે સંતાન દ્વારા માતા-પિતા અને માતા પિતાથી સંતાન પ્રસન્ન રહે એ ખૂબ મોટી ઉપલબ્ધિ છે.આવું થાય ત્યારે સમ,દમ, ઉપરતિ,તિતિક્ષા ધીમે-ધીમે આવે છે.સમ-આંતરિક શાંતિ.દમ-બહિર નિયંત્રણ,ઉપરતિ એટલે અમુકનો સંગ વર્જિત કરવો.બીજું માગ્યું મૂળ ધર્મ-સનાતન ધર્મનું પાલન કરું અને કરાવું.

આજે મૂળ ધર્મને ચાતરીને છજ્ઞધર્મ આવી ગયા છે,ધર્મ સાથે છળ થઈ રહ્યું છે.કરોડો રૂપિયાનાં બજેટ બને છે.સત્તા સાથ આપે છે,સંપતિ સાથ આપે છે,સંખ્યા બળ કામ કરે છે.સનાતન ધર્મના પુસ્તકોમાં વધારાનું બદલી નાંખીને,આ ઉમેરો,તે ઉમેરો-આવું થઈ રહ્યું છે.બાપુએ કહ્યું કે હું કંઈ જોતો નથી ટીવી, એ.આઈ.,વીડીયો વગેરે.છતાં પણ ક્યારેક કોઈ વિડીયો જોવો પડે.વચ્ચે શ્રીકૃષ્ણ કથિત ગીતાનાં એક શ્લોકની સાથે મજાક કરીને એવું કહેવાય રહ્યું કે આ કોણ બોલે છે?અમારા વાળા બોલે છે!-આટલું મોટું છળ ચાલી રહ્યું છે અને નામ દેવાય છે ધર્મનું!મારી પાસે જેટલા આવ્યા એટલા સાવધાન થઈ જાય તોય ઘણું,અને ન પણ થાય તો હું એકલો પૂરતો છું! આ શ્લોક ઉપર મજાક બની ત્યારે એ.આઈ.પણ એટલું પ્રબળ ન હતું.હું એ.આઈ.નો વિરોધી નથી.

કળિયુગનો અંત આવશે ત્યારે ત્રણ વસ્તુ તરફ લોકોની રુચિ વધશે.વિદ્વાનો કહે છે હજી પ્રથમ ચરણ ચાલે છે,પણ મહાભારત કહે છે કળિયુગના આખર-છેલ્લા ચરણમાં કથા તરફ રુચિ વધશે,સત્ય તરફ રુચિ વધશે અને સાધુ પ્રત્યે રુચિ વધશે-આવું થાય ત્યારે સમજવું મારા જીવનમાંથી કળિયુગ જઇ રહ્યો છે.

મોરારીબાપુએ સનાતન ધર્મ માટે રોજ-રોજ નવો ખતરો લઈ લીધો છે.આજનાં સમયમાં સાધુ મહિમાનું ગાયન પણ ખૂબ થઈ રહ્યું છે,વિનય એટલો કરું કે પોતાનું હોય,એ.આઈ.નું ન હોય.છતાં પણ આ વિજ્ઞાનને નમન.હજી સત્યમાં રુચિ વધતી હોય એવું નજરમાં આવતું નથી.પણ ખોટું બોલી-બોલીને માણસ થાકી જશે ત્યારે સત્ય તરફ જાશે,જાવું જ પડશે.

ધન્ય છે એ સંતાન જેના માતા-પિતા પ્રસન્ન છે અને એ માતા-પિતા ધન્ય છે જેનાથી સંતાન સંતુષ્ટ છે. કૃષ્ણ કહે છે સનાતન વૈદિક ધર્મે આપણને આઠ વસ્તુ આપી છે:રુત-પરમ સત્યને રુત કહી શકાય. ધર્મ આપ્યો.ધર્મનો પ્રભાવ અને સ્વભાવ બંને આપ્યા વાચિક સત્ય આપ્યું.સત્ય પ્રયાસ કરીને કદાચ બોલી શકાય,પરમ સત્ય બોલી પણ શકાતું નથી,વગર કહ્યે એ કહેવાતું હોય છે.સનાતને યજ્ઞ આપ્યો.જપ કરો, દાન કરો એ પણ યજ્ઞ છે.પૂર્વ જન્મ અને પુનર્જન્મની વાત આપી.આત્મા અને બ્રહ્મની ચર્ચા સનાતન ધર્મની દેન છે.પાપ અને પસ્તાવો-એ પણ આપ્યા. મોક્ષની દેન પણ સનાતન ધર્મની છે.

આ બધું જ કરવા માટે શબ્દ છે:તિતિક્ષા-એટલે કે સહન કરવું.ખબર હોવા છતાં ખૂબ સહન કરવું.જોકે આ વ્યક્તિગત છે,સમાજ સ્વીકાર નથી કરતો.કહે છે ક્યાં સુધી સહન કરવું!જન્મ-જન્માંતર સુધી સહેવું જોઈએ.લોકો વિદ્રોહ કરવાની વાત કરે પણ વિદ્રોહ પણ પૃથ્વી ઉપર બોજ છે.

વિગ્રહધારી કૃષ્ણ સાથે આઠ વસ્તુ જોડાયેલી છે: શંખ,ચક્ર,બંસી,વૈજયંતિ માલા,પીતાંબર,મકરાકૃત કુંડલ અને મોર પંખ.

સનાતન ધર્મએ સાક્ષાત વિગ્રહ ધારણ કર્યો એ કૃષ્ણાવતાર છે.પટરાણી પણ આઠ પસંદ કરી. અષ્ટાંગયોગનો માલિક છે.કૃષ્ણના સખા આઠ છે: મધુમંગલ,સુદામા,શ્રીદામા,સુદત્ત,સુભટ્ટ,અર્જુન, ઉદ્ધવ અને ભાઈ બલરામ સખા પણ છે.

અષ્ટ પ્રહર જાગતો પરમાત્મા શ્રીકૃષ્ણ છે.શ્રીકૃષ્ણ શરણં મમ-ખૂબ જ પ્રસિદ્ધ મંત્ર પણ અષ્ટાક્ષરી છે. તંત્ર સાધનામાં કૃષ્ણ માટે અષ્ટકોણ યજ્ઞ થતો હોય છે.જીવન યાત્રામાં આઠ પ્રકારના પ્રસંગ પણ વિશેષ છે.

નામ વંદનાનાં ગાયન સાથે આજે કથા વિરામ થયો.

સાધુ શું છે?

સાધુ કોણ છે?સાધુ નામ નથી.વિશેષણ નથી.સંજ્ઞા નથી.ક્રિયાપદ નથી.ભૂતકાળ કે ભવિષ્યકાળ નથી. ભૂતકૃદંત નથી.સાધુ જાતિ પણ નથી,વર્ણ પણ નથી. સાધુ સ્વભાવ છે.

Box

પાંચ વસ્તુથી પૃથ્વીનો બોજ વધે છે.ચાર માનસમાં,એક ગીતાજીમાં કહી છે:પરદ્રોહ,પરસ્ત્રી પ્રત્યે શિકારી અને વિકારી દૃષ્ટિથી જોવું.પરધન છીનવી લેવું.પર અપવાદ કરવો અને પાંચમું છે પરધર્મ.

કથા-વિશેષ:

કૃષ્ણને પ્રસ્તુત કરવા માટે આટલા લક્ષણો જરૂરી છે: ધર્મમાં તત્પરતા,મુખમાં મધુરતા,દાન દેવામાં ઉત્સાહ, મિત્રો સાથે કપટ રહિતતા,ગુરુ સાથે વિનય,ચિત્તની ગંભીરતા,આચરણની પવિત્રતા,કોઈના ગુણોમાં રસિકતા,શાસ્ત્રની જાણકારી,રૂપની સુંદરતા-આ બધું હોવા છતાં જો શિવનું ભજન ન હોય તો આ બધી જ પ્રસ્તુતિ બેકાર છે.આ બધી જ વિશેષતાઓ કૃષ્ણમાં છે.

== સમાપ્ત ==

Related posts

પિઝા હટ લોન્ચ કરે છે રસદાર મોમોઝ અને ચીઝી પિઝાનું અનોખું સંયોજન, મોમો મિયા પિઝા

amdavadpost_editor

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય

કેન્દ્રિય ગૃહ તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા તળાવોને સજીવન અને ઇન્ટરલિકિંગ કરવાનું અભિયાન ધરવામાં આવ્યું છે તે પૈકી આજરોજ આનંદમ્ જેડવા તળાવનું લોકાર્પણ કરવામાં આવશે

amdavadpost_editor

Leave a Comment