માનસ અત્યંત મૌલિક છે.
વ્યાસપીઠ પરથી કૃષ્ણ જન્માષ્ટમી અને રામ જન્મની ત્રિભુવનને વધાઇઓ અપાઇ.
વિયોગ ગાઇ શકાય છે,વિરહ ગાઇ શકાતો નથી,માત્ર રોઇ શકાય છે.
બાપુએ બતાવ્યા પ્રેમનાં દશ અવતાર.
પરમ પાવન પરમાત્માનાં પ્રાગટ્ય દિવસ જન્માષ્ટમીની મંગલ સવારે પાવનધરા ઉડુપી ખાતે રામકથાનાં ચોથા દિવસ-શુક્રવારે પરમ આનંદથી હોલ-માહોલ છલકાઇ રહ્યા હતા.બધાને કૃષ્ણ જન્માષ્ટમીની વધાઈ સાથે બાપુએ કહ્યું કે આજે કૃષ્ણ જન્મનો દિવસ,પરંતુ એ તો રાતે થશે.દિવસે રામ જન્મ સુધી પહોંચીશું.
ભગવાન કૃષ્ણને હું જગતગુરુ કહું છું.કૃષ્ણને અનેક રૂપોથી ભજવામાં આવે છે.ઘણાએ પિતાના રૂપમાં, ઘણાએ પતિના રૂપમાં,કોઈ સાધકોએ પુત્રરૂપે તો કોઈ કૃષ્ણને સખારૂપે ભજ્યો છે.ઘણાને વૈરીનાં રૂપમાં પણ દેખાયો છે.આપણે વેર કરી શકીએ,એ આપણાથી ક્યારેય વેર નહીં કરે.
શ્રીમદ મહાપ્રભુજી કૃષ્ણનું નામ,રૂપ,લીલા અને ધામને દૂધ કહે છે.જો કે કૃષ્ણ અમૃત છે.આચાર્યની બોલીમાં કૃષ્ણ પવિત્ર દૂધ છે.દૂધને હંમેશા પવિત્ર માનવામાં આવે છે.પૂજા અભિષેકમાં દૂધની પસંદગી થાય છે.પૌરાણિક દર્શાવનારનાં મત અનુસાર કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે.પરંતુ ભાગવતજીમાં કૃષ્ણની સ્તુતિઓ જોયા પછી એ વિષ્ણુના બાપનાં બાપનો બાપ લાગે છે!જન્મ ઉપર બધા જ દેવતાઓ આવે છે.જેમાં બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ પણ સ્તુતિ કરે છે. પ્રગટ થાય છે ત્યારે અને પ્રભાસ ક્ષેત્રમાં વિદાય થાય છે ત્યારે બધા જ દેવતાઓ આવે છે.કૃષ્ણનાં દિવ્ય સ્વરૂપનું તેજ વિલીન થઈ રહ્યું છે અને બધા જોતા રહી જાય છે.
જીવનમાં ત્રણ ગુણ દેખાય તો સમજવું કે આની મૌલિકતા આકાશને સ્પર્શે છે.તુલસી પર આક્ષેપો થતા રહે છે કે એણે અહીંથી અને ત્યાંથી કંઈકને કંઈક લીધું છે.પરંતુ તુલસી ગુરુ,સદગુરુ અને જગતગુરુ એવા ત્રણ ગુરુઓને માને છે.નરહરિ મહારાજ તુલસીજીનાં ગુરુ,રામચરિતમાન સદગુરુ અને ત્રિભુવન ગુરુનાં રૂપમાં ભગવાન મહાદેવ છે.એના ચિંતન મૌલિક છે અને આકાશને સ્પર્શે છે. કથા ચાર વસ્તુ સાથે જોડાયેલી છે.આપણે અયોગ છીએ એટલે કે આપણો હજી યોગ નથી થયો. પ્રતિક્ષા કરી કરવી પડે છે યોગની.
સત ક્યારેય અધિકાર જમાવતું નથી,સત્તા અધિકારની વાત કરે છે.વ્યાસ ગાદી જવાબદારીની ચર્ચા કરે છે.
બાલકાંડ અને અયોધ્યાકાંડ કૃષ્ણના નેત્ર છે.અરણ્ય અને કિષ્કિંધા એ બંને કાન છે.જ્યાં સૂર્પણખાનાં નાક-કાન કાપવામાં આવેલા.આ શ્રવણ છે.સુંદર,લંકા અને ઉત્તર કાંડ પરમાત્માનું મુખ છે, સ્વાદ છે.આંખમાં ચાર પાંપણો હોય એ ચોપાઈઓ છે.ચોપાઈ ગોવિંદ સાંભળે છે.માનસ અત્યંત મૌલિક છે.કૃષ્ણ અત્યંત સુંદર છે.પરમ સૌંદર્ય જોઈએ ત્યારે કૃષ્ણ યાદ આવવો જોઈએ તો જ આપણી આંખો સાર્થક છે.પાદૂકાની જેમ જ પદરેખા પણ મહત્વની છે.કારણકે પાદુકા હોય ત્યાં પાદુકાધારીને જવું પડે પણ પદરેખા તો પાદુકાધારી સાથે જોડાયેલી હોય છે પાદુકા બહિર છે અને રેખા એ ભીતરી અવસ્થા છે. યોગ પછી વિયોગ થશે અને વિયોગ ગાઇ શકાય છે ચોથી અવસ્થા વિરહની છે.વિરહી ગાઇ શકાતો નથી માત્ર રોઇ શકાય છે.વિરહની દશામાં ગોપીઓ રડી છે માત્ર કૃષ્ણદર્શન માટે રડી છે.એક વર્ષનો વિયોગ થાય ત્યારે જન્માષ્ટમી આવે છે.તમે કથા છોડો તો પણ કથા તમને નહીં છોડે.
આજે ગુજરાતના સમર્થ સંગીતકાર ગૌરાંગ વ્યાસને શ્રદ્ધાંજલિ આપતા બાપુએ તેની સાથે જોડાયેલા સ્મરણો,’સમન્વય’,અવિનાશ વ્યાસ એવોર્ડ વગેરેની વાત કરીને વ્યાસપીઠથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કૃષ્ણ આવૃત હોય કે અનાવૃત હોય દેવકીનાં ગર્ભમાં આવ્યો ત્યારથી કંસના વિચારો બદલી ગયા.એણે વિચાર્યું કે દેવકી સ્ત્રી છે,બહેન છે,સગર્ભા છે એટલે એની હત્યા ન કરવી જોઈએ.
પ્રેમના દશ અવતારની વાત કરતા જણાવ્યું કે પ્રેમને સાગર પણ નથી જાણતો.એક પરમ તત્વ સિવાય બીજા કોઈને ન જાણે એ પ્રેમનો પહેલો-મત્સ્ય અવતાર છે.પ્રેમ કચ્છપ અવતાર છે.કાચબાની પીઠ કઠોર અને નીચેનો ભાગ કોમળ હોય છે.પ્રેમની છાતી કોમળ અને પીઠ કઠોર હોય છે.હૃદય સુકુમાર અને સહન કરવા માટે કઠોર છાતી-આ રૂપમાં પ્રેમ કચ્છપ અવતાર છે.પ્રેમ વરાહ અવતાર છે.માત્ર પ્રેમીને નહીં આખી પૃથ્વીને પ્રેમ ધારણ કરે છે,બધાને ધારણ કરે છે.એ જ રીતે પ્રેમ નૃસિંહ અવતાર છે.એ ચહેરો નથી જોતો પણ પ્રેમીની છાતી ચીરીને અંદર રહેલા હૃદયને જુએ છે ત્યારે એ નૃસિંહ અવતાર છે.પ્રેમ એટલો સૂક્ષ્મ હોય છે કે ક્યારેક વામન દેખાય છે,ત્રણ કદમોમાં ત્રિભુવનને વશ કરી લે એવો વિરાટ પણ છે આ રૂપમાં એ વામન અવતાર છે.પ્રેમ પરશુ અવતાર છે.પરશુ એ દાનનું પ્રતીક છે,પ્રેમ મહાદાની છે.પ્રેમમાં જેટલી મર્યાદા હોય એટલી ક્યાંય નહીં હોય-જો એ પરમપ્રેમ હોય તો.ગોપીઓ માળાનાં મણકા છે અને કૃષ્ણ મેરુ છે.પ્રેમનો આ મર્યાદા સાથેનો રામાવતાર છે.પ્રેમ કૃષ્ણાવતાર છે.પ્રેમ દૂધ જેવો સ્નિગ્ધ છે,મધુર છે,પૌષ્ટિક છે.પ્રેમ બુધ્ધાવતાર છે જે માણસને ચંચળ નહીં શાંત કરે છે,શૂન્ય કરી દે છે.પ્રેમ કાલની ચિંતા નથી કરતો એ રૂપમાં એ કલ્કિ અવતાર છે.
બાપુએ કહ્યું કે મારી પાસેથી બીજું કંઈ ના લ્યો, થોડીક આંખ નજર લઈ જાઓ!
કૃષ્ણ કેવો છે?
મહાભારતના અનુશાસન પર્વનો એક મંત્ર છે:
સર્વશાસ્ત્રપરોદક્ષ: સુવચ: સુંદર: સ્વંગ: કૂલીન: શુભદર્શન: જીતેન્દ્રિય: સત્યવાદીબ્રાહ્મણ:
શાંત માનસ: પિતૃમાતૃહિતૈયુક્ત:
સર્વોકર્મોપરાયણ સ જગતગુરુ.
આવા ૧૧-લક્ષણો બતાવ્યા છે.કૃષ્ણ શાસ્ત્રોમાં દક્ષ, સુવચન,સુંદર,કૂલીન છે.તેનું દર્શન શુભ છે.તે જીતેન્દ્રિય,સત્યવાદી બ્રાહ્મણ શાંત અને માતા-પિતાનાં હિતમાં જીવન જીવે છે,તેમજ બધા કાર્યોમાં તત્પર એવો જગત ગુરુ છે.
રામ જન્મ તરફ લઈ જતા શિવ ચરિત્રને સંક્ષિપ્તમાં કહી રામ જન્મનાં કારણોની વાત કરીને ભગવાન રામ,દશરથનાં રાજમહેલમાં,મા કૌશલ્યાની કૂખે પહેલા ચતુર્ભુજ રૂપે અને પછી બાળકનાં રૂપમાં પ્રગટ થાય છે.જન્માષ્ટમીનાં મંગલ દિવસે,ઉડુપીની વ્યાસપીઠ પરથી રામજન્મની વધાઈઓનું ગાયન કરીને ત્રિભુવનને રામ જન્મ તથા કૃષ્ણ જન્માષ્ટમીની વધાઈઓ સાથે આજની કથાને વિરામ અપાયો.
== સમાપ્ત ==

