દાદાના મનમાં મહાભારત અને હૃદયમાં રામાયણ હતું.
પોતાની શુદ્ધિ અને પવિત્રતાનો પણ એક ઘમંડ હોય છે,એ ઘમંડ ક્યારેક ગમે તેને દંડ આપવા આપણને પ્રેરિત કરે છે.
અસ્તિત્વ અફાટ રીતે વરસે છે પણ આપણા અંતઃકરણનો રેડિયો બરાબર નથી એટલે અંતઃકરણ અશુદ્ધ હોવાથી આપણને એમાંનું કંઈ રિસીવ થતું નથી.
બીજ પંક્તિઓ:
સિંહાસન પર ત્રિભુવન સાંઇ;
દેખિ સુરન્હ દુંદુભિ બજાઇ.
તારન તરન હરન સબ દૂષણ;
તુલસિદાસ પ્રભુ ત્રિભુવન ભૂષણ
મહુવાના તલગાજરડા થી થોડાક ડગલાઓ દૂર મોરારીબાપુનાં દાદા અને ગુરુ ત્રિભુવનદાસ દાદાનાં જ્યાં બેસણા રહેતા એ કાકીડી ગામ ખાતે,
બાપ! અને આંખોમાં આખો મહાસાગર હોય એ ભાવથી બાપુએ કથા આરંભ કરતા જણાવ્યું કે ત્રિભુવનકૃપાથી આરંભ થઈ રહ્યો છે.આ ગામમાં દર વરસે ક્યારેક ૧૦ દિવસ,ક્યારેક ૧૫-૨૦ દિવસ ક્યારેક આખો શ્રાવણ મહિનો જેના બેસણા રહેતા એવા ત્રિભુવનદાદાની સ્મૃતિમાં આ કથાનો આરંભ થઈ રહ્યો છે.
બાપુએ કહ્યું કે વિશેષ ભીનાં ભાવ જાગે છે.જૂનું રામજી મંદિર અને ત્યાં ગામના મોહનબાપા ભગત બ્રહ્મભટ્ટ જે દાદાની ઉંમરના,એની હારના અને એની સમજના માણસ,કદાચ એનો પરિવાર અહીં બેઠો હોય.ત્રિભુવનદાદા સાથે મોહનબાપા તલગાજરડા આવતા એવું એના દીકરાના,દીકરાના,દીકરાને જોઉં ત્યારે અણહાર લાગે છે!
ગામ બ્રહ્મનું અને ભટ્ટ બન્યા દાદા!પહેલા મહાભારતની કથા ભટ્ટ લોકો કહેતા.આટલું દર વર્ષે દાદા ક્યાંય રોકાયા નથી.સેંજળ પણ નથી રોકાયા. આ ગામ પ્રત્યેક કેવી મમતા જાગી!એ રોકાતા. મોહનબાપા ભગત અને ગામના વડીલો,પેઢીઓએ દાદાની બહુ સેવા કરી.ગામે સેવ્યા છે.
બાપુએ કહ્યું કે સાચા સાધુને-આમ તો ‘સાચો’ શબ્દ પણ નથી લગાવવો,નખશિખ પરમ સાધુને સેવ્યા એનું આ ફળ છે.બાપુએ કહ્યું અમારે વૈષ્ણવ સાધુને સેવકો હોય,થોડાક સેવકો વડાલમાં ત્યાં પણ વર્ષે એકાદ વખત જતા,આ ગામમાં આટલું રોકાયા.હું પણ કાકીડી બહુ નથી ગયો.આ મનોરથી ટીનો મારાથી વધારે ગયો છે,અહીંથી ચાલીને ત્યાં જાય. ટીનાને કાકીડી કેમ ખેંચતું હશે? આખો જસાણી પરિવાર મનોરથી બન્યો છે ત્યારે એમને,આ ગામમાં સરપંચ જ નથી,બાપુએ કહ્યું કે બહુ સારું કહેવાય! ગામ સમરસમય જીવે છે એ ખોરડાં કેવા ભાગ્યશાળી હશે જેણે દાદાને બપોરે,સાંજે,રાત્રે જમાડ્યા હશે!બધા માટે પ્રસન્નતા વ્યક્ત કરતા બાપુએ ગામ લોકો માટે વિશેષ વાત કરી કે ખેતરો ખાલી કરી દીધા,વળતર નથી માગતા.ગામ લોકોને પણ ધન્યવાદ.જલારામ બાપા-વીરપુર પરિવાર,એની પવિત્ર અને પ્રવાહી પરંપરાના ભરતભાઈ અને એ જ રીતે ચીમનભાઈ વાઘેલા,એની આખી ટીમ તરફ પણ વિશેષ પ્રસન્નતા સાથે બાપુએ કહ્યું કે આવતા વર્ષે આ જ દિવસોમાં ગોપનાથની કથા વખતે પણ આ લોકોની સેવા રહેશે.કહ્યું કે દાદાની વાણીમાં હું બોલવાનું છું.
ત્રિભુવન દાદાએ અમને શીખવ્યું છે કે આપવું જ. દાદાના મનમાં મહાભારત અને હૃદયમાં રામાયણ હતું મહાભારતના પ્રસંગો કાકીડીને આપ્યા.દાદા તરફથી હૃદયદાન કથાનું થતું ત્યારે ક્યારેક એકાદ પ્રસંગ મહાભારતનો કહેતા.
બાપુએ ભૂમિકારૂપી ચોપાઈની વાત જણાવી કે જ્યાં સિંહાસન પર રામ આરૂઢ થયા છે અને દેવતાઓ દુંદુભિ બજાવે છે.ત્યારે અહીં બીજી પંક્તિમાં તુલસીદાસ પ્રભુ ત્રિભુવન ભૂષણ-અહીં જાણે અમારા ખોરડા માટે તુલસીદાસે લખ્યું હશે! તુલસીદાસ પાસે ક્યાંક અમારો ચોપડો હશે!! ‘તુલસીદાસ’ની જગ્યાએ મોરારિદાસ મૂકીએ તો મારી ત્રણ પેઢીની આ ચોપાઈ બને.
બાપુએ કહ્યું કે હું અહીં માત્ર દાદાનું ઉપકરણ છું,આ વ્યાસપીઠ રુપી સિંહાસન પર ત્રિભુવન સાંઇ બેઠા હોય એ રીતે કથાનું ગાન થશે.ક્યારેક-ક્યારેક રામાયણમાં હૃદય દાન થતું ત્યારે મહાભારતની વાતનો સંદર્ભ આવતો.એમાંની પહેલી કથા:જેને અમને શ્વાન કુતરાની કથા કહેલી.મહાભારતના મૂળ ત્રણ નામ:પ્રથમ જયસંહિતા,વિસ્તાર થયો પછી ભારત બન્યું,વધારે વિસ્તાર થયો મહાભારત બન્યું. શાસ્ત્રીય બોલીમાં એને ગોત્ર ગ્રંથ કહે છે.
આજના મહાભારતમાં પણ હરિવંશ પુરાણના અંશો દેખાય છે.ઉમેરો થતો રહે એ ગોત્રગ્રંથ કહેવાય.એ વખતે જન્મેજય રાજા યજ્ઞ કરે છે.યજ્ઞ હોય ત્યાં રસોઈ હોવાની જ.બ્રાહ્મણો રસોઈ કરે છે એ વખતે એક કૂતરો દોડીને પહોંચે છે.બ્રાહ્મણોને ગમતું નથી. બાપુએ કહ્યું કે પોતાની શુદ્ધિ અને પવિત્રતાનો પણ એક ઘમંડ હોય છે,એ ઘમંડ ક્યારેક ગમે તેને દંડ આપવા આપણને પ્રેરિત કરે છે.અને લાઠીઓ ઉપાડી દાદાએ કહ્યું કે પ્રસંગ હોય ત્યારે કોઈ પણ કૂતરું પણ આવે તો એને રોટલો ખવડાવો પછી ખાવું.તેને આપણા કરતાં વધારે ગંધ આવે છે કારણ કે અન્ન એ બ્રહ્મ છે અને એ બ્રહ્મની ગંધ આવે છે.સામાન્યમાં સામાન્ય જીવને પણ સન્માન આપવું એવું અમને કહેતા.કૂતરાને માર્યો.કૂતરો ભાગ્યો.કોઈના પ્રસંગમાં આવી રીતે જવું પણ નહીં.શ્વાનપણું ન કરવું.લોહી લુહાણ થયો એની માતાનું નામ શરમા હતું એણે કૂતરાને પૂછ્યું શું થયું?ત્યારે વાત કરી જન્મેજયને યજ્ઞમાં એની માતા આવી ફરિયાદ કરી કે મારા દીકરાને દંડિત કર્યો છે.અને શરમાએ શ્રાપ આપ્યો કે તમે બહુ ટકશો નહીં.કોઈનું દિલ ના દૂખવવું.શાપ કે આશીર્વાદ કોઈપણ આપી શકે છે.
બાપુએ કહ્યું કે મહાભારતમાં ત્રણ પ્રકારના ભારની વાત કહે છે.મહાભારત ઉપદેશોની ખાણ છે.ઋષિઓ તેને પાંચમો વેદ કહે છે.ઓલા વેદ બધે ન પહોંચ્યા આ વેદ કાકીડી સુધી પહોંચી ગયો!
એક દેહનો ભાર,એક જવાબદારીનો ભાર અને એક જાણતા-અજાણતા કરેલા પાપનો ભાર.આ ભારથી પૃથ્વીને વધારે તકલીફ થાય છે. મહાભારતના મૂળમાં પણ શ્વાનની કથા અને હિમાલયમાં પાંડવો ગાત્રો ગાળે છે ત્યાં પણ શ્વાન ઉભો છે.કૂતરાની વાત શંકરાચાર્ય અને ગીતાકારે પણ કહી,મહત્વનું પાત્ર છે બાપુએ કહ્યું કે અહીં મુખ્ય પાંચ પિતામહની પૂજા કરવી છે:એક તો આદિ-અનાદિ.ભગવાન કૃષ્ણ કહે છે એમ તાત-માત-દાતા પિતામહ.. પરમ તત્વ.ચાર યુગ પહેલા પણ પિતામહ હતા એવા પરબ્રહ્મ પરમાત્મા.બીજો યુગોની ધારણામાં પિતામહ બ્રહ્મા. ત્રીજો પિતામહ મારો કાગભુશુંડી-૨૭ કલ્પ સુધી એનું જીવન.કાગડાને આપણે પિતૃ માનીએ છીએ અને કાળ ગણનામાં ચોથા દાદા ભીષ્મપિતામહ.અને પાંચમો પિતામહ ત્રિભુવનદાસ દાદા.આ પાંચ પિતાની આ નવ દિવસમાં પૂજા કરવી છે.
રામચરિત માનસમાં ત્રિભુવન શબ્દ ૧૮ વખત આવ્યો છે.તુલસીના અન્ય સાહિત્યમાં પણ આ શબ્દ અનેક વખત છે.
બાપુએ કહ્યું કે મન,બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારને છ વસ્તુ સ્થિર થવા દેતી નથી એ છે:કામ,ક્રોધ,રોગ,મદ,મોહ અને મત્સર.અસ્તિત્વ અફાટ રીતે વરસે છે પણ આપણા અંતઃકરણનો રેડિયો બરાબર નથી એટલે અંતઃકરણ અશુદ્ધ હોવાથી આપણને એમાંનું કંઈ રિસીવ થતું નથી.
એમ કહી બાપુએ આ ગ્રંથના માહાત્મ્યની વાત કરી અને વિવિધ વંદનાઓ કરતા કરતા ગુરુવંદના બાદ હનુમંત વંદનાની પ્રવાહી પરંપરા પર આજની કથાને વિરામ અપાયો.
Box
કથા વિશેષ:
તલગાજરડી વાયુ મંડળની ત્રીજી વિશેષ કથા
પૂજ્ય મોરારીબાપુનાં દાદા,બાપુનાં તાત-માત-પરમ એવા શ્રી ત્રિભુવનદાસબાપુ જ્યાં મહાભારતની કથાનું ગાન કરતા હતા,એવા કાકીડી ગામે રામકથા સ્વરુપે નવ દિવસીય પ્રેમયજ્ઞ આરંભાઇ રહ્યો છે.
કાકીડી ગામ બાપુનાં નીજી તલગાજરડાથી જાણેં ડગલાંઓ જ દૂર છે!
દેશ-વિદેશ તો ઠીક,સ્થાનિક ગામલોકોનો ઉત્સાહ અને આનંદ ચરમ સીમાએ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી શરદ પૂર્ણિમાની આસપાસના પવિત્ર દિવસો દરમિયાન તલગાજરડાના વાયુમંડળમાં પૂજ્ય બાપુ દ્વારા રામકથા ગવાય છે.
આ વર્ષે ૨૦૨૪માં દાદાગુરુ શ્રી ત્રિભુવનદાસ દાદાની પરમ,પાવક અને પાવન ભૂમિ પર અદ્વિતીય ઉત્સાહ અને પરમ આનંદની અનુભૂતિ થશે એવો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.
આ કથાના નિમિત્તમાત્ર યજમાન કેન્યા,નૈરોબી સ્થિત શ્રીમતી રમાબેન વસંતલાલ જસાણી પરિવાર છે.
તલગાજરડી વૈશ્વિક વ્યાસપીઠના પારેવડાંઓ દેશ વિદેશથી કથા શ્રવણ માટે ઊડીને આવી પહોંચ્યા છે.
જે બાપુને ટીવીમાં જોયા છે એ બાપુનાં હસ્તે,ને બાપુની ભીની આંખે વ્યાસપીઠ પરથી ટીવી સેટ અપાયા ત્યારે…
આજે કાકીડી ગામ માટે અનેરો આનંદનો ઉત્સવ. નવરાત્રી પર્વ પૂરું થયું,દિવાળી પર્વ શરુ થશે એ બંનેની વચ્ચે નવ દિવસીય રામકથાનો ઉત્સવ.
ઘણા લોકોએ પહેલી વખત આ ગામમાં પ્રવેશ કર્યો હશે પણ એ ગામને સૌ સારી રીતે ઓળખે છે.
પૂજ્ય બાપુ દરેક કથામાં જેનું ભીનું સ્મરણ કરતા રહે છે એ પૂજ્ય દાદા,ત્રિભુવનદાસ દાદા મૂળ તલગાજરડામાં રહ્યા અને બાપુને રામચરિત માનસ અર્પણ કર્યું.
પણ પોતાનો વિશેષ પ્રેમ કાકીડી ગામ માટે રહ્યો.
પ્રતિ વર્ષ આ ગામમાં મહાભારતની કથા કરતા અને રામચરિત માનસ પૂજ્ય બાપુ માટે અકબંધ રાખ્યું. આ ગામના ગૃહસ્થોએ દાદાજીને બહુ સાચવ્યા હશે,અખૂટ પ્રેમ આપ્યો હશે,એટલે જ વારંવાર ગામ યાદ રહે છે.
બાપુની સ્મરણ મંજૂષામાં આ ગામ પ્રત્યેના દાદાજીના પ્રેમના પ્રતીકો અને છીપલા અને મોતીઓ માણવા માટે બધા ઉત્સુક છે.
બીજી વિશેષ વાત મનોરથી પરિવારમાં એક નામ રમાબેન વસંતભાઈ જસાણી.કેન્યાના નેરોબી ખાતે રહે છે.
એ બહેન બાપુની કથાનાં પ્રેમી અને ભક્ત બન્યા પછી પોતાના પરિવારની આંગળી પકડી-પકડીને વસંતભાઈ પરિવારના બહેનો,ભાઈઓ અને તમામને બાપુ તરફ લઈ ગયા.
એમના નીલેશભાઈ જશાણી જે ટીનાભાઇ તરીકે ઓળખાય છે એવો અનન્ય શ્રદ્ધા અને ભરોસો ધરાવતો પરિવાર.
જેણે યુનોની કથા,સ્પેનની કથા,આ કાકીડીની કથા અને આવનારા દિવસોમાં કુંભની કથા પણ કરવાના છે.
એ રમાબેનનું પુણ્ય સ્મરણ પણ આ તકે થયું.
આજે ત્રીજી અને અતિ પ્રસન્ન કરનારી બાબત એ બની કે કાકીડી ગામના પ્રત્યેક ઘરને મનોરથી પરિવાર તરફથી ટીવી સેટ અર્પણ કરવામાં આવશે.
આ ગામના ૧૧૫ ઘરની ગણના થઈ અને આજે પ્રતીક રૂપે એમાંના નવ પરિવારને ટીવી બાપુના હસ્તે અને મનોરથી પરિવારના હસ્તે અર્પણ કરવાનું કાર્ય થયું.
પ્રત્યેક ઘરની ગૃહિણીને સાડી,પુત્રી કે પુત્રવધુને ડ્રેસ અને કથા સાંભળવા માટે અહીં આવેલી બહેન દીકરીઓને સાડી અને ડ્રેસ પણ અપાશે.
એ જ રીતે ભાઈઓ દીકરાઓને ટીશર્ટ આપવામાં આવશે.
આજે પ્રતીક રૂપે રામજી મંદિર,શિવ મંદિરના પૂજારીના પરિવારને એના નવ ઘરોને ટીવી અર્પણ વ્યાસપીઠ પરથી કરવામાં આવ્યું.
બ્રહ્મભટ્ટ બારોટ પરિવારના આ ગામમાં પૂજ્ય બાપુ રામકથા ગાન કરે છે ત્યારે અનેકના મનમાં એ વાત કે પૂજ્ય દાદાજીનું સ્મરણ પણ થાય એ ગુંજી રહી છે.