Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મૂળ પરસ્પર ટકરાય તો અગ્નિ ઉત્પન્ન નથી થતી,પણ શાખાઓ ઘસાય ત્યારે અગ્નિ પ્રગટ થાય છે; મૂળને પકડી રાખજો

રામચરિત માનસનાં બધા જ વક્તાઓ સાધુ છે.

કૃપા કોઈકની ઊતરે છે,સાધુતા કમાવી પડે છે.

તમારા મુખેથી સાધુ શબ્દ નીકળે તો તમારા પૂર્વજોનાં પાપ કપાવા માંડે છે.

આજે બધા જ પોત પોતાની શાખાઓ પર માળો બનાવીને મૂળની ઐસી-તેસી કરતા રહે છે.

શ્રદ્ધા,ભક્તિ અને યોગ-એ ત્રણ મૂળ છે.

અગ્રવન-આગ્રા ખાતે ચાલતી રામકથાનો શુક્રવારે ચોથો દિવસ,યમુના તટ ઉપર વસેલી ભૂમિને પ્રણામ કરીને બાપુએ કહ્યું કે એક જિજ્ઞાસા એવી પણ છે કે ઋષિમુનિઓમાં કોઈ વિચારભેદ કે મતભેદો રહ્યા છે કે નહીં?

બાપુએ કહ્યું કે વિચારવાન માણસ હોય તો રાગ-દ્વેષ ન હોય,પણ વિચારનો અધિકારી હોય જ.સાધુઓની વચ્ચે પણ સાધના માર્ગના ભેદ હોય છે.કોઈ યોગ માર્ગી,કોઇ ધ્યાનમાર્ગી,ભક્તિમાર્ગી કે જ્ઞાનમાર્ગી હોય,કોઇ કર્મઠ હોય છે.કોઈ સમાજની વચમાં રહી તો કોઈ એકાંતમાં બેસીને વિશ્વની ચિંતા કરતા હોય છે.તો ભેદ શબ્દ લગાવવો પડે છે,તત્વત: ભેદ નથી હોતો. ભગવત ગીતામાં જે આઠ વસ્તુ કહી છે ત્યાં ઋષિ,મુનિ,તાપસ,બ્રહ્મચારી,સાધક,ગૃહસ્થ,

વાનપ્રસ્થ કે સંન્યાસી કોઈને ભેદ નથી.

કોઈપણ ઋષિ હોય,નારદ હોય કે દેવર્ષિ હોય એમાં કોઈ મતભેદ નથી.આ આઠે આઠ તત્વથી ભરપૂર ભગવાન શ્રીકૃષ્ણની પાસે પહોંચવાનાં માર્ગ અલગ અલગ હોઈ શકે છે પણ જે મૂળ તત્વ છે એમાં કોઈ ભેદ નથી,ગમે એટલો કાળભેદ હોય તો પણ.

હા વિચારભેદ તો હોવાનો જ!

વશિષ્ઠ બિલકુલ પ્રારબ્ધવાદી છે.રામચરિત માનસમાં હરિ ઈચ્છાને બલવાન કહી છે,ભાવિ પણ બલવાન કહ્યું છે.ભગવાન શંકર ભવિષ્યને ટાળી શકે છે. ગીતામાં બતાવેલી આઠ વસ્તુ પરમ તત્વનાં મૂળ છે. રામચરિત માનસનાં બધા જ ઘાટથી કથા કરતા વક્તાઓ સાધુ છે.ક્યારેય કોઈએ શાસ્ત્રી,પંડિત, પુરાણી ભટ્ટજી કે વિદ્વાન હોવાનો દાવો નથી કર્યો. તુલસી પણ સાધુ વક્તા છે.કૃપા કોઈકની ઉપર હોય છે,સાધુતા કમાવી પડે છે.

કૃપા તો રાક્ષસો પર પણ થઈ.યુદ્ધ પછી રામે ઈન્દ્રને કહ્યું રણમેદાન પર અમૃતની વર્ષા કરો.વાંદરાઓ વગેરે જીવતા થયા પણ રાક્ષસોને પરમ મુક્તિ મળી. કૃપામાં કોઈ ભેદ નથી,પછી એ ગોપી હોય કે કૂબ્જા. યાજ્ઞવલ્ક્ય ગૃહસ્થ સાધુ છે.મૈત્રેયી અને કાત્યાયનીનાં પતિ,ખૂબ સમૃદ્ધ છે.સંન્યાસ લેવાની વાત આવી ત્યારે બંનેને બોલાવીને કહ્યું કે બધી જ સંપત્તિ બંને વચ્ચે વહેંચી દઉં હું.સંન્યાસ લેવા માગું છું અને આ બધું જ શાશ્વત નથી.ત્યારે મૈત્રેયી કહે અશાશ્વત હોય એ અમને શા માટે આપો છો!હું પણ આપની સાથે સંન્યાસી થવા માગું છું.યાજ્ઞવલ્ક્ય વચન વિવેકી છે.

સાધુ વિશે,ક્યારેક પરમસાધુની કૃપા ઉતરે ત્યારે,કથા કરીશ તો શીર્ષક રાખીશ:માનસ-સાધુ સાધુ, સાધુ. તમારા મુખેથી સાધુ શબ્દ નીકળે તો તમારા પૂર્વજોનાં પાપ કપાવા માંડે છે.

મારી વાટિકાનાં ફૂલો મને ત્રણ રીતે ખેંચે છે:સુગંધ ખેંચે,પરાગ અને મકરંદ ખેંચે છે.સાધુ જ ભમરો બનીને આવા ફ્લાવરની આસપાસ રામકથાની ચોપાઈઓ ગણગણે છે.

અર્થમાં પંદર પ્રકારનાં અનર્થ છુપાયા છે એવું ભાગવતમાં લખ્યું છે.

મૂળ પરસ્પર ટકરાય તો અગ્નિ ઉત્પન્ન નથી થતી,પણ શાખાઓ ઘસાય ત્યારે અગ્નિ પ્રગટ થાય છે.મૂળને પકડી રાખજો,શાખાઓ લડતી રહેશે.શાખા તૂટીને પડી શકે મૂળ ક્યારેય તૂટતું નથી.આજે બધા જ પોતપોતાની શાખાઓ પર માળો બનાવીને મૂળની ઐસી-તેસી કરતા રહે છે.

શ્રદ્ધા,ભક્તિ અને યોગ-એ ત્રણ મૂળ છે.

કથા પ્રવાહમાં તુલસીજી રામચરિત માનસ રચે છે પછી શિવચરિત્રનો ઉલ્લેખ કરી પાર્વતી રામકથા પૂછે છે એ પ્રસંગ પર કથા વિરામ થયો.

કથા-વિશેષ:

આ આઠ પર ઋષિ-મુનિઓ વચ્ચે કોઇ ભેદ નથી.

परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान्।

पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम्।।

श्रीमद भगवद गीता, आध्याय-१०,श्लोक-१३-१३

અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે:આપ જ પરમબ્રહ્મ-પરમ સત્ય,પરમધામ,પરમ આશ્રય/લોક, અતિ પવિત્ર છો.આપ જ સનાતન(શાશ્વત),દિવ્ય પુરુષ,આદિદેવ(સૌથી પહેલા દેવ),અજ(અજન્મા) અને સર્વવ્યાપીની વિભૂતિવાળા છો.

== સમાપ્ત ==

Related posts

ભારતનો બેસ્ટ-સેલિંગ 5G સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી A14 5G ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ દરમિયાન ઉક્ત રૂ. 9999ની અગાઉ ક્યારેય નહીં તે કિંમતે ઉપલબ્ધ થશે

amdavadpost_editor

98% ભારતીય બિઝનેસ લીડર્સ AI ને અપનાવવામાં ઝડપ કરી રહ્યા છે, પરંતુ કુશળ પ્રતિભાઓને શોધવી હજી પણ મુશ્કેલ: લિંક્ડઇન

amdavadpost_editor

માઝા®એ સ્પેશિયલ કવર સાથે 50 વર્ષની ઉજવણી કરી; રાષ્ટ્રીય કેરી દિવસ પર કેરીના ખેડૂતોનું સન્માન કર્યું

amdavadpost_editor

Leave a Comment